નવી દિલ્હી: કેન્દ્ર સરકાર વાહન સ્ક્રેપિંગ નીતિમાં ફેરફાર કરી શકે છે. ટૂંક સમયમાં ત્રણ વર્ષ જૂની નીતિમાં મોટાં ફેરફાર થઈ શકે છે. જે અનુસાર 15 વર્ષથી વધુ જૂના વાહનોને રાહત આપવામાં આવી શકે છે. સરકારી અધિકારીઓ અનુસાર ફિટનેસ ટેસ્ટ કેન્દ્રો દ્વારા અયોગ્ય જાહેર થવા પર આવા વાહનોને સ્ક્રેપ કરવાના જરૂરી નિયમોમાં ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારે હવે વાહનને સ્ક્રેપ કર્યા પહેલાં તેની ઉંમરના બદલે પ્રદૂષણ સ્તર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રાલયએ વાહન સ્ક્રેપિંગ નિયમમાં આ પ્રકારના ફેરફારો કરવા વાહનોની પ્રદૂષણ તપાસને વિશ્વસનીય બનાવવાની યોજના ઘડી છે. આ મંત્રાલયના સચિવ અનુરાગ જૈને મંગળવારે સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ દ્વારા આયોજિત વાર્ષિક સંમેલન દરમિયાન ઓટો ઉદ્યોગ પાસે આ દિશામાં મદદની અપીલ કરી હતી.