યુગભૂષણસૂરિજીના નેતૃત્વમાં 14-15 ડિસેમ્બરે ‘વસુધૈવ કુટુંબકમ્ કી ઓર 3.0’ સંમેલન

અમદાવાદ: શહેરના પાલડી વિસ્તાર સ્થિત ગીતાર્થ ગંગા ખાતે આગામી 14 અને 15 ડિસેમ્બરના રોજ ‘વસુધૈવ કુટુંબકમ્ કી ઓર 3.0’ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. જૈનાચાર્ય યુગભૂષણસૂરિજીના નેતૃત્વમાં આ પહેલાં “વસુધૈવ કુટુમ્બકમ કી ઓર” નામથી બે કોન્કલેવનું આયોજન થયું હતું. જેમાં પ્રથમ કોન્કલેવ મુંબઈમાં અને બીજું કોન્કલેવ વડોદરામાં યોજાયું હતું. પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસુરિજી દ્વારા આજના અશાંત યુગની યુદ્ધ, ભૂ ભૌગોલિક-રાજકીય દુશ્મનાવટ અને પ્રભાવહીન બહુપક્ષીયવાદ જેવી વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પૂર્વભૂમિકા તરીકે યોજાયેલા મીડિયા સંવાદમાં જૈનાચાર્ય યુગભૂષણસુરીજીએ તંત્રીઓ અને સિનિયર પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો.જૈનાચાર્ય યુગભૂષણસુરીજીએ જણાવ્યું હતું કે, “ધર્મગુરુ અને જીઓ પોલિટિકસ્ વચ્ચે શું સંબંધ છે તેના વિશે ઘણા લોકો અજાણ છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ ઇતિહાસના અનેક પ્રેરણાદાયક દ્રષ્ટાંતોમાં છુપાયેલો છે. ભારતના ઇતિહાસમાં ધર્મસત્તા અને રાજ્યસત્તાના સહકારના અનોખા ઉદાહરણો જોવા મળ્યા છે. સાચા ધર્મગુરુ રાજ્યસત્તાને યોગ્ય અને નીતિવિહિત સલાહ આપી શકે છે. ધર્મ શાસનના વડાઓ, ધર્મગુરુઓને રાજકારણની સામાજિક વિજ્ઞાન, કાયદા શાસ્ત્ર અને આર્થિક વિજ્ઞાન જેવા વિભાગોમાં પણ નિષ્ણાત હોવું જરૂરી છે. બ્રિટિશ શાસનમાં આધ્યાત્મિક ધર્મ અને ધર્મગુરુઓનું અવમૂલ્યન કરવામાં આવ્યું છે અને ધર્મને પછાત બતાવવા માટે અથાક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજે પોપ જે કહે છે તેની નોંધ સમગ્ર વિશ્વમાં લેવામાં આવે છે. પરંતુ ભારતીય ધર્મગુરુઓના મંતવ્યો પર ધ્યાન અપાતું નથી, જે ખેદજનક છે. ભારતના વૈવિધ્યપૂર્ણ અને પ્રાચીન ધર્મો લગભગ નગણ્ય છે.”

‘વસુધૈવ કુટુંબકમ્ કી ઓર 3.0’ કોન્ક્લેવના બે મુખ્ય વિષયો છે

  1. Legal Theme: Sovereignty, Basic Structure Doctrine and Secularism (14 December)
  2. Geo Political Theme: Global Trust, Multipolarity and role of Vishwabandhu Bharat (15 December)

“આ કોન્ક્લેવના માધ્યમથી સામાજિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો સુધી ભારતના પ્રાચીન તત્ત્વો અને ‘સોફટ પાવર’ની જાગૃતિ પહોંચે તેવો ઉદેશ્ય છે. ભારત માત્ર એક ‘પ્રાદેશિક સત્તા’ નથી પરંતુ વૈશ્વિક સત્તા તરીકે ઉભરી રહ્યું છે,”  એમ ‘જ્યોત’ ફાઉન્ડેશનના પ્રતિનિધિ માર્મીક્ભાઈ શાહે જણાવ્યું હતું.