ફણગાવેલા મગના ઢોકળાં

લૉકડાઉનમાં વાનગીની કઈ વેરાઈટી બનાવશો? જે સ્વાદિષ્ટ પણ હોય અને પૌષ્ટિક પણ! કેવાં રહેશે ફણગાવેલા મગના ઢોકળાં?
આ ઢોકળાં ઇન્સ્ટન્ટ બને છે હં!


સામગ્રી:

  • મગ 2 કપ
  •  ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • ચપટી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • દહીં 1/2 કપ
  • લીલા મરચાં 3-4
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • ઈનો પાવડર અથવા ખાવાનો સોડા 1 ટે.સ્પૂન
  • રાઈ અને તલ 1 ટી.સ્પૂન
  • તેલ 3-4 ટે.સ્પૂન

રીત:

મગને ફણગાવવાની રીત:
મગને બે થી ત્રણ પાણીએથી ધોઈને પાણીમાં 5-6 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લો. એક કોટનના, મલમલના કપડામાં મગને બાંધી રાખો. ૮ થી ૯ કલાક બાદ એમાં ફણગા આવી જશે.

ઢોકળા બનાવવાની રીત:મગ, આદુ તેમજ મરચાંને મિક્સીમાં થોડું પાણી નાખીને બારીક વાટી લો. દહીં, ચણાનો લોટ, ચપટી હિંગ તેમજ સ્વાદ પ્રમાણે મીઠું નાખીને દસ મિનિટ માટે ખીરુ રહેવા દો.

દસ મિનિટ બાદ ઢોકળાં બનાવવાના વાસણમાં ઢોકળાં બનાવવા માટેનું પાણી ઉકળવા મૂકો. તેમાં કાંઠલો અથવા સ્ટેન્ડ મૂકી દો. એક થાળીમાં તેલ ચોપડીને આ થાળીને કાંઠલા પર મૂકી દો.

એક નાના બાઉલમાં ચાર કળછી ઢોકળાનું ખીરુ લો. તેમાં એક ટે.સ્પૂન તેલ રેડો. એક ટી.સ્પૂન ખાવાનો સોડા અથવા ઈનો નાખો અને ઢોકળાં માટે ગરમ કરવા મૂકેલા પાણીમાંથી 2 ટે. સ્પૂન જેટલું ગરમ પાણી રેડો અને કળછી વડે ખીરું હલાવો. જેવું ખીરામાં ફીણ આવે એટલે તરત ઢોકળાના વાસણમાં મૂકેલી થાળીમાં આ ખીરું રેડી દો અને વાસણને ઢાંકી દો.

પંદરથી વીસ મિનિટ બાદ ચપ્પુ વડે ઢોકળાં ચેક કરી લો. જો ચપ્પુની ધાર ચોખ્ખી નીકળે તો ઢોકળા તૈયાર છે. પાંચ મિનિટ બાદ ઢોકળાના ચોરસ કટકા કરી લો. ગેસ બંધ કરી દો. એક વઘારિયામાં બે ટે.સ્પૂન તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખીને તતળાવો અને ગેસ બંધ કરી દો. હળવેથી તેલમાં તલ નાંખીને ઢોકળાંની થાળી પર હળવેથી તેલ રેડી દો અને તવેથા વડે બધા ઢોકળાં પર ફેલાવી દો. (તલ વઘારમાં નાખતી વખતે સંભાળવું કેમ કે ગરમ તેલમાં તલ ઉડશે.)

ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે ઢોકળાં પીરસો.