પનીરની ઈન્સ્ટન્ટ મીઠાઈ

કોરોના સંક્રમણ તેમજ લૉકડાઉનને કારણે આ રક્ષા બંધનમાં તમને મીઠાઈ બહારથી લેવામાં મુશ્કેલી પડતી હોય તો તમે ઈન્સ્ટન્ટ મીઠાઈ ઘરે જ બનાવી શકો છો!

સામગ્રી:

1 કપ દૂધ, 1 કપ પનીર (નાના ટુકડામાં તોડેલું અથવા ખમણેલું), 1 કપ કાજૂ, 1 કપ સાકર, 1/4 ટી. સ્પૂન એલચી પાવડર, 2 ટે. સ્પૂન ઘી, 1/2 કપ બદામ પિસ્તાની કાતરી

કાજૂને મિક્સીમાં બારીક પીસી લો. ત્યારબાદ પનીર ઉમેરીને એ પણ ક્રશ કરી લો. હવે એમાં સાકરનો પણ બારીક પાવડર કરી લેવો.

એક જાડા તળિયાવાળી કઢાઈમાં ઘી ઉમેરીને ગેસ પર ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો અને પનીર- કાજૂનું મિશ્રણ ગઠ્ઠા ના થાય તે રીતે ધીરે ધીરે મિક્સ કરી દો. એલચી પાવડર પણ ઉમેરી દો.

હવે ઝારા વડે આ મિશ્રણને એકસરખું હલાવતા રહો. ગેસની આંચ મધ્યમ રાખવી. મિશ્રણ ઘટ્ટ થવા આવે એટલે ગેસની આંચ ધીમી કરી દો અને હાથમાં લઈ એના ગોલા વળે છે કે નહીં એ જોઈ લો. જો ગોલા વળે તો ગેસ બંધ કરી દો. થોડીવાર બાદ મિશ્રણ થોડુ ઠંડુ થયા બાદ એને એક થાળીમાં ઘી ચોપડીને પાથરી દેવું. બદામ પિસ્તાની કાતરી ઉપરથી સજાવી દો . અડધો કલાક પછી એના ચોસલા પાડવા. તમે એના ગોલા વાળીને પેંડા પણ બનાવી શકો છો.