એ ટ્રેનની નહીં, પ્રેમની ટિકિટ હતી જે મને મળવા દોડતી આવી…

પ્લેટફોર્મ પર ટ્રેન દોડવાની શરૂ થઈ કે તરત જ તેણે ચાલતી ટ્રેન પરથી નીચે ઊતરતાં પહેલાં અમારી બે વર્ષની બેબીને વહાલ કર્યું અને મારા ગાલ પર હળવી ટપલી મારતાં સંભાળ લેવાની સાથે પ્રવાસની શુભેચ્છાઓ આપી.

આ ઘટના 12 વર્ષ પહેલાંની છે, જ્યારે કર્ણાવતી એક્સપ્રેસ અમદાવાદ-મુંબઈ વચ્ચે પ્રવાસ કરવા માટે સૌની પસંદની પહેલી ટ્રેન હતી. વીક-એન્ડમાં હું મુંબઈ મારી બહેનને ત્યાં જતી હતી. સવારના સાડા પાંચ વાગ્યા હતા અને બહાર હજી અંધારું હતું. મુસાફરો ટ્રેનમાં પોતપોતાની જગ્યાએ ગોઠવાતા હતા અને તેમની દૈનિક ક્રિયાઓમાં વ્યસ્ત હતા ત્યારે મારું ધ્યાન અચાનક એક યુવક તરફ ગયું. એ થોડો તરંગી લાગતો હતો. અમે અમારી સીટમાં બરાબર ગોઠવાઇ ગયા હતા. સૌ પોતપોતાની સીટમાં ગોઠવાઈ ગયા હતા. મેં પણ મારી બેબીને ખૂબ ભાવતા બોર્નબોન બિસ્કિટ આપ્યા અને એક રમૂજી ચિત્ર કથાની બુક તેના હાથમાં આપી.

આશરે 45 મિનિટ પસાર થયા બાદ ટિકિટ ચેકર અમારી સીટ પાસે આવ્યો અને મારી ટિકિટ માગી. મેં ટિકિટ મારા પર્સમાં શોધી. પર્સ ખૂબ ફંફોસ્યા બાદ મને એકાએક યાદ આવ્યું કે ટિકિટ તો ઉતાવળમાં મારા પતિના પેન્ટના ખિસ્સામાં જ રહી ગઈ હતી.

હું એ સમયે ગર્ભવતી હતી અને મને બે માસનો ગર્ભ હતો. મારી બેબીની ધમાલને કારણે થોડી થાકી પણ ગઈ હતી.મેં ટીસીને કહ્યું કે હું ટિકિટ ઘરે ભૂલી ગઈ છું. તેના હાવભાવ પણ તરત બદલાઈ ગયા. તેમણે મારી સામે થોડી શંકા અને જિજ્ઞાસાથી જોયું અને હું સાચું બોલું છું કે ખોટું એ સમજવાનો પ્રયત્ન કરતા હોય એવું મને લાગ્યું.

મને એ વખતે મારા પતિ પર ખૂબ ગુસ્સો આવ્યો અને તેના વર્તન પર ચીઢ ચઢી કે તે આટલો બેજવાબદાર કેવી રીતે હોઈ શકે? ( ખરેખર તો એ મારી ભૂલ હતી. મારે જ ટિકિટની લેવાની સતર્કતા રાખવી જોઈતી હતી), પણ એ બધું ભૂલીને મેં ટીસીને હળવું સ્મિત આપ્યું.

તેમણે એકદમ કડકાઈભર્યા અવાજમાં પૂછ્યું, પ્લીઝ, તમારું નામ જણાવશો? તેના મોટા કર્કશ અવાજથી આજુબાજુવાળા બધા લોકોનું ધ્યાન અમારી તરફ ખેંચાયું. બધા એકદમ વાતચીત બંધ કરીને મારી તરફ જોવા લાગ્યા કે હવે શું થાય છે? મેં પણ તેમને મારું નામ ઘણું રુક્ષતાથી આપ્યું એટલે તેમણે તેનું લિસ્ટ તપાસ્યું. મારું નામ લિસ્ટમાં હતું જ, પણ એટલું જ હતું કે મારી પાસે ટિકિટ નહોતી! એ પછી મેં તેમને પુરાવારૂપે મારા વિવિધ ક્લબના કાર્ડસ અને ઓળખપત્ર બતાવ્યા. મારી આજુબાજુના એક-બે મુસાફરોએ પણ ટીસીને વિનંતી કરી કે ઉતાવળમાં બહેન ભૂલી ગયા હશે.

એટલે ટીસીએ મને શંકાનો લાભ આપ્યો. ટીસીએ મને કહ્યું કે હું એક મહિલા છું અને મારી સાથે એક બાળક પણ છે જેથી તે મને બહુ હેરાન નહીં કરે, પણ તેમણે જતાં-જતાં કહ્યું કે મારે ફરી એક ટિકિટ તો ખરીદવી જ પડશે. મેં તેમની સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો, પણ વ્યર્થ હતો. તેમણે કહ્યું કે હું એક વાર બધાની ટિકિટ તપાસી લઉં. પછી હું તમારી પાસે દંડ વસૂલવા આવીશ. મને પૈસા ચૂકવવામાં કોઈ પ્રકારનો વાંધો નહોતો, પણ મારી બેજવાબદારી અને આજુબાજુવાળાની નજરમાંથી ઊતરી જવાનો અહેસાસ થતો હતો.

મારી ટ્રેન ચાલી રહી હતી અને મને મારી જાત પર ગુસ્સો આવતો હતો. એટલામાં થોડી જ મિનિટોમાં આણંદ આવ્યું. સ્ટેશને થોડી વાર ઊભી રહ્યા બાદ ટ્રેન ફરી ચાલવા લાગી અને મેં અચાનક મારા પતિને સામેથી આવતા જોયા. તેમના વાળ અસ્તવ્યસ્ત હતા અને તે ઝડપથી શ્વાસ લઈ રહ્યા હતા, જાણે દોડીને ના આવ્યા હોય! તેમણે મને અમારી ટિકિટ આપતાં કહ્યું, માફ કરજે, ઉતાવળમાં હું તને ટિકિટ આપવાનું જ ભૂલી ગયો.

હું એ વખતે એકદમ ભાવવિભોર થઈને તેને ગળે લગાડવા ઇચ્છતી હતી, પણ પરિસ્થિતિ અને જગ્યા જોઈને અટકી ગઈ. મેં એકદમ આનંદિત થઈને તેની સામે સ્મિત કર્યું. મને એવું લાગ્યું હતું કે ટ્રેનમાંથી ઊતરીને જ્યારે તેણે જ્યારે કારની ચાવી માટે ખિસ્સામાં હાથ નાખ્યો હશે ત્યારે તેને મારી ટિકિટ હાથમાં આવી હશે, પણ ટ્રેન ત્યારે શરૂ થઈ ગઈ હશે અને તે ઝડપથી ટ્રેન તરફ દોડ્યો હશે અને ટ્રેનના છેલ્લા ડબ્બામાં ચઢી ગયો હશે, પણ છેલ્લા ડબ્બામાંથી અમારી તરફ આવતાં તેને કેન્ટીનનો ડબ્બો નડ્યો હશે, કેમ કે એ ડબ્બામાં અંદરથી લોક મારેલું હોય કે શક્ય છે કે ત્યાંથી ડબ્બામાં આવી શકાતું ના હોય. એટલે કદાચ તે આણંદ સ્ટેશન આવે તેની રાહ જોતા હશે. આણંદ આવ્યું એટલે તે દોડતા મારા ડબ્બામાં આવી ગયા અને મને ટિકિટ આપી.

ટ્રેનમાં એ વખતે હું મારી જાતને સૌથી ભાગ્યશાળી માનતી હતી અને મારી કોઈ મોટી જીત થઈ હોય એમ હું ગર્વથી ડબ્બામાં આજુબાજુ જોતી હતી. મેં તેમને કહ્યું કે તમારે આટલી બધી મુસીબત લેવાની જરૂર નહોતી. મારી ચિંતા દૂર થતાં મેં તેમને પૂછયુ,

હવે, તમે પાછા કેવી રીતે જશો?

હું વડોદરા સ્ટેશને ઊતરીશ અને વળતી ટ્રેનમાં પાછો જઈશ, એમ તેમણે કહ્યું.

વડોદરાને તો હજી ઘણી વાર છે, મેં ચિંતા કરતાં કહ્યું.

વાંધો નહીં, મને મારા ફેમિલી સાથે રહેવાનો એક કલાક વધુ મળશે, એમ તેમણે મને ચીઢવતાં કહ્યું. 

હા, તેઓ વડોદરા ઊતર્યા, પણ આ વખતે અમે પણ તેની સાથે નીચી ઊતરી ગયા. મેં મારી બહેનને ત્યાં જવાનું માંડી વાળતાં ફરી ક્યારેક જવાનું નક્કી કર્યું. એ પછી અમે અમારા ઘરે સાથે પરત ફર્યા….

(રક્ષા ભરડિયા)

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]