મુંબઈઃ ગુજરાતીઓના લોકપ્રિય સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક તંત્રી અને લેખક વજુ કોટક લિખિત ચિંતનકણિકાઓ ‘પ્રભાતનાં પુષ્પો’થી ભાગ્ય જ કોઈ ગુજરાતી વાચક અજાણ હશે. વર્ષો સુધી ‘ચિત્રલેખા’ના ઉઘડતાં પાને પ્રકાશિત થયેલી આ કોલમ ‘પ્રભાતનાં પુષ્પો’ અત્યંત લોકપ્રિય નીવડી છે એ કહેવાની જરૂર નથી.
હવે ‘ચિત્રલેખા’ અને વજુ કોટકના ચાહકો માટે ખુશખબર છે કે ‘પ્રભાતનાં પુષ્પો’નું ઓડિયો સંસ્કરણ પણ રિલીઝ થવા જઈ રહ્યું છે.
10 જૂન, શનિવારે મુંબઈમાં બીકેસીસ્થિત એનએસઈ બિલ્ડિંગ ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાનાર આ ખાસ કાર્યક્રમમાં ‘પ્રભાતનાં પુષ્પો’ના ઓડિયો સંસ્કરણનું લોકાર્પણ જાણીતા કથાકાર પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યા, સિદ્ધહસ્ત કલાકાર મનોજ જોશી, જાણીતા લેખક અને વક્તા જય વસાવડા, મહારાષ્ટ્ર સરકારના પ્રવાસન વિભાગના મંત્રી મંગલ પ્રતાપ લોઢા અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે.
‘પ્રભાતનાં પુષ્પો’ના લખાણોને સ્વર આપ્યો છે જાણીતા ઉદ્દઘોષક હરીશ ભીમાણીએ. જ્યારે સંગીત છે દીપક શાહનું. હરીશ ભીમાણી પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં પ્રભાતનાં પુષ્પોના લખાણો પરથી જાણીતા કલાવૃંદ દ્વારા બે વિશેષ પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવનાર છે. લક્ષ્ય શર્મા, કંચન ખિલારે અને સાત્વિક મહાજન જેવા કલાકારો આજ ચિંતનકણિકાઓને સ્ટેજ પર પર્ફોર્મ કરશે. ‘સ્ટોરી સર્કસ’ ગ્રુપના ફાઉન્ડર ઉલ્કા મયુરે આ પરફોર્મન્સનું વિઝયુલાઈઝેશન, કોરિયોગ્રાફી અને નિર્દેશન કર્યું છે.
કાર્યક્રમનું સંચાલન નેહલ ગઢવી કરશે. વાચકો આ કાર્યક્રમને ‘ચિત્રલેખા’ના Facebook પેજ પર અને YouTube ચેનલ પર જીવંત નિહાળી શકશે.