કર્મના મંચ પર આધ્યાત્મિક જ્ઞાનનો પ્રયોગ કરો

આખા વિશ્વને સમેટીને આપણા નાના રૂમમાં સમાવી દીધું છે. આપણે એક વિશ્વ ગામમાં રહીએ છીએ. જીવંત પ્રસારણના રૂપમાં વિશ્વની દરેક ઘટના આપણી આંખો સુધી પહોંચી જાય છે. પરંતુ એના કારણે માનસિક તણાવ વધી રહ્યો છે. મનુષ્ય સંવેદન વગરનો બની રહ્યો છે.

ઉપર જણાવેલ ક્રાંતિઓ સિવાય પણ દરેક વર્ગ તથા વિચારધારાના લોકોએ પોતાની રીતે ક્રાંતિ (પરિવર્તન) લાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ બધી ક્રાંતિઓના આધારે શાંતિ સ્થાપન ન થઈ શકી. શાંતિ સ્થાપન કરવાનું આ કામ ફક્ત આધ્યાત્મિક કાંતિ દ્વારાજ શક્ય બને તેમ છે. આના પરિણામે માનવ સમાજ કાયમી શાંતિનો અનુભવ કરી શકે છે. આપને એ સ્પષ્ટ કરી દઈએ કે 1936-37ના વર્ષમાં નિરાકાર પરમ પિતા પરમાત્મા શિવબાબાએ પ્રજાપિતા બ્રહ્મા બાબાના માધ્યમ દ્વારા ક્રાંતિની શરૂઆત કરાવી છે.

પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માબાબા અખંડ ભારતના સમયે સિંધ હૈદરાબાદના એક પ્રસિદ્ધ સોના-ચાંદી, હીરાના વેપારી હતા. તેઓ ભક્તિ પૂજામાં ખૂબ લાગણીશીલ તથા સાત્વિક જીવન વ્યવહાર વાળા હતા. તેમની ઉંમર 60 વર્ષની થતા પરમાત્મા શિવ પિતાએ જૂની દુનિયાના વિનાશ તથા નવી સતયુગી દુનિયાના સાક્ષાત્કાર કરાવ્યા. સત્યતા તથા પવિત્રતા યુક્ત નવી દુનિયા સ્થાપન કરવા માટે પોતાની સર્વ મિલકત તથા તન ઈશ્વરીય સેવામાં સમર્પણ કર્યું. સાથે જ એક એવી આધ્યાત્મિક ક્રાંતિની શરૂઆત કરી જેના દ્વારા માતાઓ, બાળકો સામાન્ય વ્યક્તિથી લઈને વિશેષ વ્યક્તિ સુધી બધા માટે આધ્યાત્મિકતા અપનાવવાનો માર્ગ સરળ બની ગયો. શરૂઆતમાં તેઓને સમાજનો ઘણો સામનો કરવો પડ્યો. તેઓએ આ સામનો અહિંસા પૂર્વક તથા દિવ્યતા પૂર્વક કર્યો. તેઓએ જે ઝડપ તથા રીતથી સફળતા પ્રાપ્ત કરી તે અસાધારણ, અદભુત અને અદ્વિતીય છે.

આજે વિશ્વના સાતેય ખંડોમાં આ ક્રાંતિ અશાંતિનું નિવારણ લાવી સદગુણોની સુગંધ ફેલાવી રહી છે. આ ક્રાંતિનો મૂળ શબ્દ આધ્યાત્મ ભારત માટે તથા વિશ્વ માટે નવો નથી. આધ્યાત્મના બે રૂપ અત્યાર સુધી વિશેષ પ્રચલિત છે. એક તો ભક્તિ તથા કર્મકાંડ આધારિત દેવી દેવતાઓ, ગુરુ વગેરેની પૂજા. તથા બીજું સંસારને દુઃખ- અશાંતિનું સ્થાન માનીને તેને છોડીને જંગલો પહાડોમાં ચાલ્યા જવું. પરંતુ આ બંને પ્રકારની ક્રિયાઓ વ્યક્તિગત સ્વાર્થ પર આધારિત રહી તથા તે સામાજિક હીત જાળવવામાં સફળ ન થઈ શકી.

આધ્યાત્મિકતાનું વાસ્તવિક રૂપ તે છે કે જેના દ્વારા મન, વચન કર્મ, તન, ધન, સમય, શ્વાસ, શક્તિની એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે કે, દરેક સેકન્ડે તેનું તથા સમાજનું પણ ભલું થતું રહે. જેવી રીતે સમગ્ર શરીરનું ધ્યાન રાખ્યા વગર શરીરના કોઈ એક અંગને મજબૂત નથી બનાવી શકાતું તેવી જ રીતે સમાજને મજબૂત કર્યા વગર વ્યક્તિનું હિત સંભવ નથી. સંત વિનોબા ભાવેજીને પોતાના જીવનના અનુભવ વિશે લખ્યું છે કે, મારા જીવનનું લક્ષ હિમાલયની ગુફાઓમાં તપસ્યા કરવાનું બનાવ્યું હતું, પરંતુ મહાત્મા ગાંધીજી એ કહ્યુંકે સમાજની સમસ્યાઓથી મોં ફેરવી લઈને છુપાઈને આવી રીતે જીવન જીવવું નકામું છે, પોતાના આધ્યાત્મિક જ્ઞાનનો કર્મના મંચ પર પ્રયોગ કરો અને જનતાનું દુઃખ દૂર કરો.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)