નવી દિલ્હી – આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. સંસદમાં તેમણે આ બીજી વાર બજેટ રજૂ કર્યું છે. આ વખતના બજેટમાં એમણે સામાન્ય માનવીને મોટી રાહત આપી છે અને 2.5 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે એમણે હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે.
એવી જ રીતે, જેમની વાર્ષિક આવક પાંચ લાખથી વધારે હોય અને 7.5 લાખ સુધીની હોય તો એમણે 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે, જે દર અત્યાર સુધી 20 ટકા હતો. 7.5 લાખથી 10 લાખ સુધીની વાર્ષિક આવકવાળાઓ માટેનો આવકવેરા સ્લેબ 20 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો છે. એવી જ રીતે, 10 લાખથી 12.50 લાખ સુધીની આવકવાળાઓ માટેનો ટેક્સ સ્લેબ 30 ટકાથી ઘટાડીને 20 ટકા કર્યો છે. 12.50 લાખથી 15 લાખ સુધીની આવકવાળાઓએ 25 ટકા અને 15 લાખથી વધુ આવકવાળાઓએ 30 ટકા વેરો ચૂકવવો પડશે.
આવકવેરાનો નવો સ્લેબ વૈકલ્પિક હશે. નવી ટેક્સ છૂટનો લાભ લેવા માટે જૂના ટેક્સમાંની છૂટને છોડી દેવી પડશે. મતલબ કે, આનો ફાયદો ત્યારે મળશે જ્યારે તમે તમને મળનારી છૂટને છોડી દેશો.
નાણાં પ્રધાને કહ્યું કે 15 લાખ સુધીની આવકવાળાઓ જો હાલની છૂટનો લાભ જતો કરશે તો તેમને કરવેરાના નવા દરનો લાભ લઈને વાર્ષિક 78,000 રૂપિયાની બચત થશે.
નાણાંપ્રધાન નિર્મલા સીતારામને બજેટ વક્તવ્યમાં કહ્યું કે, 2022ની સાલ સુધીમાં અમારી સરકાર કિસાનોની આવક બમણી કરી દેશે. કુલ 6.11 કરોડ કિસાનોને ફસલ બીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
અગાઉ, નિર્મલા સીતારામન એમનાં બજેટ ફોલ્ડર સાથે આજે સવારે 10 વાગ્યે સંસદભવન પહોંચી ગયાં હતાં.
2019માં જ્યારે ભાજપ-NDAની સરકારે લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને તેની બીજી ટર્મ શરૂ કરી હતી ત્યારબાદ સપ્ટેંબરમાં સીતારામને એમનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.
બજેટ-2020 હાઈલાઈટ્સ…
આખા બજેટ-2020નાં મહત્ત્વપૂર્ણ પગલાં
• એલઆઇસીનો આઇપીઓ લવાશે
• ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ નાબૂદ કરાયો
• વ્યક્તિગત કરવેરાના દરને સરળ બનાવાયા
• હોમ લોન માટેનું 1.5 લાખ રૂપિયાનું એક્ઝેમ્પશન વધુ એક વર્ષ માટે લંબાવાયું
• 5 લાખ રૂપિયા સુધીની બૅન્ક ડિપોઝિટને સુરક્ષિત કરાઈ
• 2020-21 માટેની રાજકોષીય ખાધ 3.5 ટકા રહેવાનો અંદાજ
******
સંસદમાં બજેટ-2020 રજૂ કરાયા બાદ શેરબજારમાં નિરાશા વ્યાપી ગઈ. સેન્સેક્સ 446 પોઈન્ટ તૂટ્યો
******
જૂતા-ચંપલો અને ફર્નિચર પરની કસ્ટમ્સ ડ્યૂટી વધારવામાં આવી
સસ્તી હોમ લોનના વ્યાજ પર હવે 1.5 લાખની રાહત
આધાર કાર્ડ મારફત તરત જ PAN કાર્ડ મળશે
કસ્ટમ્સ ડ્યૂટીમાંથી 14 રાહત સરકારે પાછી ખેંચી
******
નાણાં પ્રધાન નિર્મલા સીતારામનનું બજેટ ભાષણ સમાપ્ત થયું. લોકસભાની કાર્યવાહી 3 ફેબ્રુઆરી સુધી સ્થગિત રાખવામાં આવી.
******
આટલાં વર્ષોની સૌથી લાંબી બજેટ સ્પીચ હોવાની શક્યતા.
નિર્મલા સીતારામન 2 કલાક 40 મિનિટથી ઊભાં હતાં, તેમને તકલીફ થવા લાગી.
આખરે તેમણે બેસવું પડ્યું, અને બ્રેક લીધો.
******
કંપનીઓ માટેના કરવેરાના સુધારા
• હવે કંપનીઓએ ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ ભરવો નહીં પડે, જેને ડિવિડંડ મળે તેણે જ ટેક્સ ભરવાનો રહેશે
• વીજનિર્માણ કરતી કંપનીઓએ ઓછા દરે કરવેરો લાગુ પડશે. નવી કંપનીઓને 15 ટકાના દરે લાગુ પડશે.
******
કરવેરાની જોગવાઈઓ
• પ્રત્યક્ષ કરવેરામાં વ્યક્તિગત કરદાતાને રાહત
• વ્યક્તિગત કરદાતાની સુવિધા માટે નવા દર ઘટાડાશે
• અમુક ડિડક્શન જવા દઈને ઓછા દરનો લાભ લઈ શકાશે
• 2.5 લાખ રૂપિયા સુધીની આવક હાલની જેમ કરમુક્ત, 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે
• 5થી 7.5 લાખ રૂપિયા સુધીની આવક માટે કરવેરાનો દર 10 ટકા
• 7.5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક માટે કરવેરાનો દર 15 ટકા
• 10 લાખથી 12.5 લાખ રૂપિયા સુધીની આવક માટે કરવેરાનો દર 20 ટકા
• 12.5 લાખથી 15 લાખ માટે કરવેરાનો દર 25 ટકા
• 15 લાખ રૂપિયાથી વધારેને 30 ટકા
******
પ્રાપ્ત ટ્રેન્ડ્સના આધારે વર્ષ 2020-21 માટે જીડીપીનો નોમિનલ ગ્રોથ 10 ટકાનો અંદાજવામાં આવ્યો છેઃ નિર્મલા સીતારામન
******
રાજકોષીય ખાધ માટેનાં પગલાં
• સરકારે કરવેરાની આવક વધારવા માટેનાં પગલાં ભર્યાં છે, જો કે, તેનાં પરિણામ મળવામાં સમય લાગશે
• 2019-20 માટેની રાજકોષીય ખાધ 3.8 ટકા રહેવાની ધારણા
• વર્ષ 2020-21 માટેની રાજકોષીય ખાધ 3.5 રહેવાનો અંદાજ
• 2020-21 માટેના ખર્ચનો મોટો હિસ્સો મૂડીગત ખર્ચમાં જશે
******
સરકાર એલઆઇસીમાંથી પોતાનો અમુક હિસ્સો વેચશે
******
નાણાકીય બજાર માટેનાં પગલાં
• અમુક સરકારી સિક્યૉરિટીઝમાં ભારતીયોની સાથે સાથે વિદેશી રોકાણકારોને પણ રોકાણ કરવા દેવાશે
• ડેટ આધારિત ઈટીએફ સફળ રહ્યું છે. હવે ખાસ સરકારી સિક્યૉરિટીઝ માટેનું ડેટ ઈટીએફ લવાશે
• એનબીએફસી અને એચએફસીની પ્રવાહિતાની સમસ્યાને નાથવા માટે નવી વ્યવસ્થા કરાશે
• ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ માટે 22,000 કરોડ રૂપિયા અપાયા છે
• ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે. હવે ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ બનાવાશે
• આઇડીબીઆઇ બૅન્કમાંથી સરકારનો બાકીનો હિસ્સો વેચી દેવાશે
*******
બૅન્કોમાં મૂકાતી રકમ હવે 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધી સલામત રહેશે
• 5 ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે નાણાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર રચાશે.
• સરકારે 3,50,000 કરોડ રૂપિયા જાહેર ક્ષેત્રની બૅન્કોને આપ્યા છે
• અમુક સરકારી બૅન્કોને વધુ નાણાં પ્રાપ્ત કરવા માટે આઇપીઓ લાવવા દેવાશે
• ડિપોઝિટરોનાં નાણાં સંપૂર્ણપણે સલામત રહે એ માટે શેડ્યુલ્ડ કોમર્શિયલ બૅન્કોની સલામતી માટેની વ્યવસ્થા છે. ડિપોઝિટર વીમો 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યો
******
કરદાતાઓને હેરાનગતિ થતી અટકશે
• દરેક નાગરિક પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે
• બિઝનેસને કરવેરા તંત્રમાં વિશ્વાસ હોવો જોઈએ
• આ બજેટ દ્વારા કરદાતા માટેનું ચાર્ટર રજૂ કરાયું
• કરદાતાઓને ખાતરી કરાવવામાં આવશે કે તેમને કોઈ હેરાનગતિ નહીં કરવામાં આવે. તેના માટે કાયદા ઘડાશે
• કંપનીઝ ઍક્ટમાં આવશ્યક સુધારા કરાશે.
• નોન-ગેઝેટેડ સ્તરે સમાન પ્રકારના હોદ્દાઓ માટે અલગ અલગ પરીક્ષાઓના સ્થાને રાષ્ટ્રીય ભરતી એજન્સી સ્થાપવામાં આવશે, જે કોમન પરીક્ષા લેશે
• ડેટા કલેક્શનનું આધુનિકીકરણ કરવામાં આવશે
• 2022માં જી-20 પ્રેસિડન્સી પરિષદ થવાની છે. તેના માટે તૈયારીઓ શરૂ કરવા 100 કરોડ રૂપિયા ફાળવાયા
********
- સંપત્તિનું સર્જન કરનારાઓનો દેશમાં આદર કરવામાં આવશે. કરવેરા વસૂલી માટે એમની પજવણી કરાય એ સાંખી નહીં લેવાયઃ નિર્મલા સીતારામન
******
સારો દેશ કેવો હોય એના વિશે થિરુવલ્લુવરે શું કહ્યું છે તેની વાત કરતાં નાણાપ્રધાને તેમની પંક્તિઓ રજૂ કરી, જેનો અનુવાદ આ પ્રમાણે છેઃ
• સારા દેશના પાંચ રત્નો – રોગચાળો ન હોય, સમૃદ્ધ હોય, સારો પાક થવો જોઈએ, સુખ હોવું જોઈએ, સલામતી હોવી જોઈએ.
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમાં શું કર્યું? – આરોગ્ય માટે આયુષ્માન ભારત, સમૃદ્ધિ લાવનારાને આદર, સારા પાક અર્થે કૃષિ માટેની યોજનાઓ, સુખ માટે ઈઝ ઑફ લિવિંગ, સલામતી માટે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ટોચની પ્રાથમિકતા આપી છે.
********
• ગુજરાતના પુરાતત્ત્વીય પર્યટન ધામ ધોળાવિરાનો વિકાસ કરવામાં આવશે
• 2020-21માં 85,000 કરોડ રૂપિયા અનુસુચિત જાતિ માટે ફાળવાશે
• 2020-21માં 53,700 કરોડ રૂપિયા અનુસુચિત જનજાતિ માટે ફાળવાશે
• ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ફોર હેરિટેજ ઍન્ડ કન્ઝર્વેશન બનાવાશે
• પાંચ પુરાતત્ત્વ સ્થળોનો વિકાસ કરવામાં આવશે, જેમાં ગુજરાતના ધોળાવિરાનો સમાવેશ
• ઝારખંડના રાંચીમાં આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવશે
• લોથલમાં મેરિટાઇમ મ્યુઝિયમ બનાવાશે. 3,150 કરોડ રૂપિયા સાંસ્કૃતિક મંત્રાલય માટે ફાળવાશે
******
અન્ય મહત્ત્વપૂર્ણ પગલાંની જાહેરાત
• 2024 સુધીમાં 100 નવાં ઍરપોર્ટ બનાવાશે
• 2020-21માં પરિવહન ક્ષેત્ર માટે 1.7 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ
• ઇનોવેશન પર આધારિત નવું અર્થતંત્ર વિકસાવવામાં આવશે
• દેશમાં ખાનગી ક્ષેત્ર ડેટા સેન્ટર પાર્ક બનાવી શકશે. સરકારે તેના માટે મંજૂરી આપવાનું નક્કી કર્યું
• ગામોમાં આંગણવાડી, સરકારી શાળાઓ, પોલીસ સ્ટેશન, વગેરેને ડિજિટલ કનેક્ટિવિટી આપવાનું આયોજન
• 2020-21માં 6,000 કરોડ રૂપિયા ભારત નેટ કાર્યક્રમ માટે ફાળવાશે
• 1 લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર લિંક આપવામાં આવશે
******
ભારતીય રેલવે માટે પગલાં
• ખાનગી ક્ષેત્રના સહકારથી રેલવેનો વિકાસ
• મુંબઈ-અમદાવાદ વચ્ચે પર્યટન માટે તેજસ ટ્રેનનો ઉપયોગ
******
આર્થિક વિકાસ માટેનાં પગલાં
• વેપારસાહસિકતા આજે પણ ભારતની શક્તિ છે, જે સદીઓથી રહી છે
• રોકાણ માટે મંજૂરી આપનારો વિશેષ કક્ષ બનાવવામાં આવશે
• 5 નવાં સ્માર્ટ શહેર બનાવાશે
• દેશમાં મોબાઇલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની યોજના લવાશે
• રાષ્ટ્રીય ટેક ટેક્સટાઇલ મિશન સ્થાપવામાં આવશે
• દરેક જિલ્લાને નિકાસનું કેન્દ્ર બનાવવાનું વડા પ્રધાનનું સ્વપ્ન
• 20,300 કરોડ વેપાર-વાણિજ્ય માટે ખર્ચવામાં આવશે
• આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 100 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે
******
શિક્ષણ ક્ષેત્ર માટેની જોગવાઈઓ
• વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ડિગ્રી લેવલ સુધીનું શિક્ષણ પૂરું પાડવામાં આવશે
• વધુ રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે
• એશિયન અને આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ માટે ઇન્ડ-સેટ પરીક્ષા લેવામાં આવશે, જેથી તેઓ ભારતમાં શિક્ષણ લેવા આવી શકે
• મેડિકલ ડૉક્ટરની અછતને દૂર કરવા માટે સરકાર હાલની જિલ્લા સ્તરની હૉસ્પિટલની સાથે મેડિકલ કૉલેજ સાંકળવામાં આવશે. સરકાર-ખાનગી ક્ષેત્રના સહકારથી આ મેડિકલ કૉલેજો ખોલવામાં આવશે.
• શિક્ષકો, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ માટે વિદેશમાં માગ છે. આથી આરોગ્ય મંત્રાલય અને કૌશલ્ય વિકાસ મંત્રાલય તેના માટે વિશેષ તાલીમ પૅકેજ લવાશે.
• 2020-21માં શિક્ષણ ક્ષેત્ર માટે 99,300 કરોડ રૂપિયાની ફાળવણી
******
આરોગ્ય – સ્વચ્છતા માટે સરકારનાં પગલાં
• ‘ટીબી હારેગા, દેશ જિતેગા’. 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય
• 69,000 કરોડ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવાયા છે
• આયુષ્માન ભારત યોજનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે
• 2020-21માં 12,300 કરોડ સ્વચ્છ ભારત મિશન માટે ખર્ચાશે
• જલ જીવન મિશન માટે 3.6 લાખ કરોડની ફાળવણી કરાશે
******
- દેશમાં કૃષિ ક્ષેત્ર માટેનું સરકારનું આયોજન
• ખેડૂતની આવક બમણી કરવાનું લક્ષ્ય
• સરકાર વેરહાઉસ માટે ગૅપ ફન્ડિંગ પૂરું પાડશે
• ગામના સ્તરે મહિલાઓને ધાન્ય લક્ષ્મી બનાવવામાં આવશે, જેઓ ગામને આવશ્ય બિયારણ પૂરું પાડશે
• ખેડૂતો માટે ગામના સ્તરે પાકના સંગ્રહ માટેની યોજના
• બાગકામ ક્ષેત્રમાં અનાજ કરતાં વધુ પાક થઈ રહ્યો છે. તેના યોગ્ય માર્કેટિંગ અને સહયોગ માટે દરેક જિલ્લાના સ્તરે તેને સંબંધિત એક પ્રૉડક્ટને પ્રોત્સાહન આપવામાં આવશે
• શૂન્ય ખર્ચની ખેતીની વિભાવના રજૂ કરાઈ
• નાબાર્ડ રિફાઇનાન્સ સ્કીમને વિસ્તૃત બનાવાશે
• કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમનો પ્રસ્તાવ
• દૂધનું ઉત્પાદન વર્ષ 2021 સુધીમાં 108 મિલ્યન મેટ્રિક ટન સુધી લઈ જવાશે
• 2022-23 સુધીમાં મત્સ્યોદ્યોગમાં ઉત્પાદન 200 લાખ ટન સુધી લઈ જવાશે
• 20 લાખ ખેડૂતોને સૌર ઊર્જાથી સંચાલિત પંપ આપવામાં આવશે
• કૃષિ ઉડાન યોજના શરૂ કરવામાં આવશે - 2022ની સાલ સુધીમાં કિસાનોની આવક બમણી કરીશું. કુલ 6.11 કરોડ કિસાનોને ફસલ બીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છેઃ નિર્મલા સીતારામનઆ બજેટના ત્રણ પાયા1. મહત્ત્વાકાંક્ષી ભારતઃ દરેકને સારું જીવનધોરણ
2. આર્થિક વિકાસઃ બધાને આવરી લેનારો વિકાસ, જે સબકા સાથ સબકા વિકાસની પ્રતિઘોષ છે
3. દેખભાળ રાખનારો સમાજઃ માનવીય અને કરુણામય સમાજ - ******
નવા દાયકાનું પ્રથમ બજેટ રજૂ થઈ રહ્યું છે, નિર્મલા સીતારામને કહ્યું,
• લોકોએ અમારી આર્થિક નીતિઓમાં વિશ્વાસ મૂક્યો છે
• સરકાર તંદુરસ્ત બિઝનેસ માટે પ્રતિબદ્ધ
• ટેક્નોલોજીની મદદથી અર્થતંત્રને ધમધમતું કરવાની પ્રતિબદ્ધતા
• અર્થતંત્રનાં ફંડામેન્ટલ્સ મજબૂત છે
• 2014-19ના ગાળામાં વહીવટમાં આમૂલ પરિવર્તન લાવ્યા છીએ
• ફુગાવો નિયંત્રણમાં રખાયો છે. સરકારે માળખાકીય સુધારાઓ માટે પગલાં ભર્યાં છે
• ડરામણું ઇન્સ્પેક્ટર રાજ નાબૂદ થઈ ગયું છે
• દરેક ચીજવસ્તુ પરનો વાસ્તવિક કરવેરાનો દર ઘણો ઘટી ગયો છે
• જીએસટીને કારણે દરેક પરિવારને 4,000 રૂપિયાની બચત થવા લાગી છે
• મોદી સરકારમાં 16 લાખ નવા કરદાતાઓ ઉમેરાયા છે
******
- ભારત સરકારે 2015-16ના વર્ષ દરમિયાન 27 કરોડ 10 લાખ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાની કામગીરી બજાવી હતીઃ નાણાંપ્રધાન સીતારામન
- કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારામને કહ્યું, હું દૂરંદેશી નેતા સ્વર્ગીય અરૂણ જેટલીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
- નાણાં પ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં એમનું બજેટ વક્તવ્ય શરૂ કર્યું છે.
- બજેટની રજૂઆત. કાર્યવાહી નિહાળવા માટે નિર્મલા સીતારામનનાં પુત્રી વાંગમયી સંસદભવન પહોંચ્યાં.
- સંસદભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય બજેટ-2020ને મંજૂરી આપવામાં આવી છે.
- ઔપચારિકતા અને પરંપરા અનુસાર, નાણાંપ્રધાન નિર્મલા સીતારામન એમનાં બજેટ ફોલ્ડર સાથે રાષ્ટ્રપતિ ભવનમાં ગયાં હતાં અને રાષ્ટ્રપતિ કોવિંદને બજેટની કોપી સુપરત કરી હતી.
- કેન્દ્રીય બજેટ-2020ની કોપીઓને સંસદભવન ખાતે લાવવામાં આવી છે.