રવિઃ ‘આ બધી વસ્તુઓ તે બે વર્ષથી વાપરી નથી, કાઢી નાખને!’
સુધાઃ ‘ના, ના, મારે કદાચ જરૂર પડે એટલે રાખી મૂકી છે.’
આ વાર્તાલાપ દરેક ઘરમાં થતો હશે. ઋષિ પતંજલિએ અષ્ટાંગ યોગમાં આસન, પ્રાણાયામ સુધી જતા પહેલા જે યમ અને નિયમની વાત કરી છે. જેમાં યમમાં એક વ્રત લેવાનું છેઃ જો શરીર -મન-આત્માનો એકાકાર કરવો હોય તો એક એક કુટેવો છોડવી પડે. બીજાની વસ્તુઓ લઈ લેવી કે ઉપયોગ કરી લેવાની વૃત્તિ એ અસ્તેયનું વ્રત લેવાનું કહયું છે.
કોઈ વસ્તુની લાલસા કે ચોરી લેવાની વૃત્તિ પણ તમારા આગળ વધવાના રસ્તામાં અવરોધરૂપ બની શકે છે. કોઈને વિચાર ચોરી લેવો, કોઈનો આઈડિયા ચોરીને પોતાનું નામ એના ઉપર જાહેર કરવું એ પણ સ્તેય છે. સ્તેય એટલે ચોરી, અસ્તેય એટલે ચોરી ન કરવી. દુરુપયોગ, ગેરવહીવટ, વિશ્વાસભંગ અને ઉચ્ચપત પણ ચોરીમાં ગણાય છે.
સાધકે જો જીવનમાં સારા કામ કરવા હોય અને સારું જીવન જીવવું હોય તો આ બધી કુટેવો ત્યજવી પડે. અસ્તેય વ્રતનું પાલન કરે છે તે સઘળી સમૃદ્ધિનો વિશ્વાસપાત્ર કોષાધ્યક્ષ છે. એવી જ રીતે ઋષિ પતાંજલિએ અપરિગ્રહની વાત કરી છે. પરિગ્રહ એટલે સંઘરવું કે ભેગુ કરવું. અપરિગ્રહ એટલે જે વસ્તુની જરૂર ન હોય તે રાખવી જોઇએ નહીં. તેવી જ રીતે તાત્કાલિક જરૂર ન હોય તેવી વસ્તુ સંઘરવી જોઈએ નહીં . કોઈની દયાથી કે મહેનત વિનાનું માંગીને વસ્તુ લેવી નહીં. એમ કરવું એ આત્માની નિર્ધનતા દર્શાવે છે અપરિગ્રહના પાલનથી યોગીનું જીવન શક્ય તેટલું સાદું અને સરળ બને છે.
એ મનને એવું કેળવે છે તેને કોઈ વસ્તુનો અભાવ કે ખોટ સાલતી નથી. પરિણામે તેને જે જોઈએ તે જ્યારે ત્યારે આપમેળે મળી જ આવે છે.
અત્યાર સુધી વાત થઇ વસ્તુની. હવે થોડું ઊંડા ઉતરીએ તો અપરિગ્રહ એટલે કે મનમાં કોઈ વાત સંઘરવી નહીં. ન ગમતી પરિસ્થિતિ, જેને તમે ટાળી શકવાના નથી કે ટાળી શક્યા નથી, તો તેને મનમાં ભરી રાખવાથી શું ફાયદો છે? કોઈના માટે રાગદ્વેષ રાખીએ તો મનનો એક ખૂણો એમાં જ ભરાઈ જાય છે અને વખતોવખત એ વિચાર સળવળે એટલે મન ડિસ્ટર્બ થઈ જાય છે અને એની અસર કામ પર પડે છે, તબિયત પર પડે છે અને તમારી સાધના પર પડે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે અમુક લોકો કાયમ ગુસ્સામાં જ હોય છે. બધાની ફરિયાદ કર્યે રાખે છે. બધા જોડે એને વાંકું જ પડયે જાય છે. તો આ બધું કેમ?
એટલા માટે કે એના મનમાં કોઈ વિચારે પરિગ્રહ કરી લીધો છે અને એનાથી એ મુક્ત નથી થઈ શક્યો. એટલે એ પોતાના મનનો કચરો, પોતાનો વિષાદ બીજા ઉપર ઠાલવે છે. સંસ્કૃતમાં વાક્ય છે, ‘વિશાદો રોગ વર્ધનાનામ’ અર્થાત, વિષાદથી, ચિંતાથી, સતત અસંતોષથી રોગ વધે છે.
તો અપરિગ્રહ વ્રત લઈ એનું પાલન કરવા અમુક આસન અને પ્રાણાયામ કરવા જોઈએ. સંસ્કૃતમાં બીજું પણ એક વાકય છે, ‘ઉત્સાહો બલ વર્ધનાનામ…’ એટલે કે મન પ્રસન્ન હોય, મન શુદ્ધ હોય, મન શાંત હોય તો શરીર સારું રહે છે.
પરિણામે યોગી એવી માનસિક શક્તિ પ્રાપ્ત કરે છે, જેનાથી આપણું જગત નિર્મળ આનંદમાં રહીને મોહ-માયા-યાતનાથી મુક્ત રહે છે. તેમજ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ નવમા અધ્યાયમાં અર્જુનને આપેલી સાંત્વના તે સ્મરણમાં રાખે છે. શ્રીકૃષ્ણ કહે છે, “જે મને અનન્ય ભાવે ભજે છે, જેમનું મન પ્રત્યેક ક્ષણે મારામાં છે અને જે મારા ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખે છે તેમની હું સદા રક્ષા કરું છું અને તેના યોગક્ષેમનો બધો ભાર ઉપાડું છું.”
આનાથી મોટી હૈયાધારણ મનુષ્ય માટે બીજી કઈ હોઈ શકે ? તો પછી, દરરોજ નિયમિત રીતે એક દિવસ પણ પાડ્યા વિના યોગાસન ,પ્રાણાયામ અને ધ્યાન કરવું જ જોઈએ.
(હેતલ દેસાઇ)
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)