|| शौच संतोष तप: स्वाध्यायेश्वर प्रणिधानानि ||
નિયમ: નિયમો પાંચ છે-જેવા કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન. યોગસૂત્રના આ શ્લોક વાંચીને તમને થશે કે આ બધું તો ખબર જ છે ને. પણ ના આનો ગૂઢ અર્થ સમજવાનો છે. સામાન્ય રીતે શૌચનો અર્થ મળત્યાગ એમ થાય છે. એ થઈ શરીરશુદ્ધિ પરંતુ મનશુદ્ધિની પણ વાત કરી છે. યોગસૂત્રમાં, મનમાં મદ, મોહ, ઈચ્છા, રાગ, દ્વેષ ઇત્યાદિને દૂર કરવા એ જ આંતરિક શૌચ છે.
કેવી રીતે થાય?
રોજ યોગ કરવા,ખાસ ઉડીયાનબંધ, પૂરક કરતા રેચક વધારે થાય તેવી રીતે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરવી. આમ કરવાથી મન આપોઆપ જતું કરતાં શીખી જશે, લેટગો કરતાં શીખે છે. મન મોટું રાખીને બીજાને માફ કરતા થઈ જવાય છે. સાથે અનાહત ચકનું ધ્યાન કરવું. લીલા રંગને અને 12 પાંદડીઓ (12 નાડીના ગુચ્છ)ને VISUALIZE કરવી. આપોઆપ સ્વભાવ બદલાઈ જશે.
મનના બીજા દોષ છે તે છે મોહ, રાગ, દ્વેષ તો એમાં પણ પ્રાણાયામ, જૂદી જૂદી ક્રિયા જ મદદરૂપ થઈ શકશે. મન જ્યારે બહુ જ સ્વાર્થનો વિચાર કરતો હોય ને એમાંથી પાછા આવવું છે એવો એક વિચાર જો આવે તો તરત ચંદ્રનાડી જાગ્રત કરવી. જમણું નસકોરું બંધ કરી ડાબા નસકોરેથી શ્વાસની આવન-જાવન કરવી. મન જેટલું ચંચળ છે, મન જેટલું જટિલ છે, પણ જો આપણે ધારીએ તો ચોક્કસ નકારાત્મક સ્વભાવમાંથી સકારાત્મક થઈ શકાતું હોય છે. જે લોકો નિયમિત યોગ કરે છે એને નકારાત્મક વિચાર ન આવે એવું નથી, રડવું પણ આવે, ક્રોધ પણ આવે પરંતુ નિયમિત યોગ કરવાથી મન પર તરત કાબૂ મેળવી શકાય છે. અને એટલે શૌચ અને સંતોષ બંને ગુણ મેળવી શકાય છે.
આગળ તપની વાત કરી છે તો, તપ એટલે પદ્માસનમાં તપ કરવા બેસવું એ નહીં, પરંતુ સુખ-દુ:ખ, માન-અપમાન, શરદી ગરમી, મોહ ત્યાગ આ દરેક સમયે મનની સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો તેને તપ કહે છે. આ ગુણ પણ સતત સજાગ રહીને આંખે પાટા બાંધીને આસની અનુભૂતિ કરવાની હોય છે (આંખે પાટા નવા યોગ શીખવા વાળા માટે નહીં).
આસન આવડી ગયું, પણ હવે NEXT LEVEL પર જવા માટે આંખે પાટા બાંધી એ આસનમાં શરીરની અંદર શું થાય છે એ અનુભવવાનું છે. લોહીનું પરિભ્રમણ, કયા સ્નાયુઓ પર ભાર વધારે કયા ઓછું, કયા સાંધા પર ભાર આવે, જમીન પર જે શરીરનો ભાગ અડે છે, તે વ્યવસ્થિત અડે છે? મન શરીરની અંદર હોવું જોઈએ અને આ આસનથી શું ફાયદો મને થશે તે વિચારે, એ ક્ષણ પૂરતા દુનિયાથી અલિપ્ત થઈ જાય ત્યારે સુખ-દુઃખમાં મન સ્થિર રહી શકે. આ NEXT LEVEL જવા માટે થોડા મહિનાઓ યોગનો અભ્યાસ કરવો પડે. એના પછી આવે છે સ્વાધ્યાય એટલે જે ભક્તિ કરીએ તો ધાર્મિક પાઠોનુ અધ્યાયન કરી ઈશ્વરમય રહેવાની વાત છે એટલે ઇશ્વર પ્રણિધાનનો ગુણ પણ આવી જાય.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન..
આ શ્લોક કહે છે. તમને કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તેના ફળની ઈચ્છાથી કર્મ ન કરશો, અને તમારું કર્મ ન કરવામાં પણ કોઈ આસક્તિ નથી. યોગ કરતા કરતા મન શાંત થાય છે. અસંતોષ, ઈર્ષા, ક્રોધથી આપ પર થઈ જાવ છો, અને એટલે ઈશ્વરને જાત સમર્પિત કરવામાં સહેજ પણ ખચકાટ કે સંકોચ નથી થતો.
યોગમાં યમ નિયમ વિશે વિતર્કરૂપી વિઘ્નો આવે તો તેનો વિરોધી ભાવો ઉત્પન્ન કરી તે વિઘ્નોનો નાશ કેવી રીતે કરવો એ પણ યોગશાસ્ત્રમાં લખેલું છે. આપણે કોઈ કામ શરૂ કરવાનો સંકલ્પ કર્યો અને જો મન કે શરીર તરફથી કોઈ વિઘ્નો ઊભા થાય. ઉદાહરણ તરીકે, પ્રમાદ, વ્યાધિ, સંશય, અવિરતિ, ભ્રાંતિ દર્શન, અલબ્ધ ભૂમિકા.
પ્રમાદ:-મનની એવી સ્થિતિ છે મન શક્તિશાળી છે, પરંતુ બેજવાબદાર રીતે વર્તે છે. વ્યાધિ:-શરીર ગની વ્યાધિ કહે છે. દુખાવા થાય અને તમને કામ શરૂ કરવામાં વિઘ્ન આવે. સંશય-મનની શક્તિ અને ઉત્સાહ એકાગ્રતા પેદા કરે છે. પરંતુ સંશય/ ફાંકા ચિત્તમા વિક્ષેપ પેદા કરી તમારા કામમાં વિઘ્ન ઊભું કરી શકે છે.
અવિરતિ:-એટલે ઇન્દ્રિય સુખની વસ્તુઓ મન પર કબજો લઈ લે ત્યારે જાગતી લાગણી આપણા કામમાં વિઘ્ન ઉભા કરી શકે. ભાતિદર્શન-ખોટું અથવા અયોગ્ય જ્ઞાન કે ભ્રમ થાય એટલે સાચું માની લઈએ તો કામ કરવામાં વિઘ્ન ઊભું થાય.
અલબ્ધ ભૂમિકત્વ -મનની એકાગ્રતા ટકાવવા અભાવ એટલે કામ કરવામાં આવે. યોગશાસ્ત્રમાં લખ્યું છે કે વિધ્નો આવવા સ્વાભાવિક છે. આપણે એ વિધ્નોને દૂર કરી પૂરી લગનથી કામને વળગી રહીએ ત્યારે સફળતા મળે, અને મનને કામમાં લગાડવું એ જ યોગ શીખવાડે છે.
૧૦૦ પગથિયાની સીડી ચઢવી હોય તો શરૂઆત પહેલા પગથીયાથી કરવી પડે. ચિત્રમાં બતાવેલ આસનો કરવા હોય તો શરૂઆત પહેલા દિવસથી કરીએ. જેમ સમય ચાલ્યા કરે છે, તેમ સતત આપણા પ્રયત્નોથી આપણો વિકાસ થાય જ કરે થયા જ કરે. “યોગ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે”.
(હેતલ દેસાઇ)
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)