ભારતના બિલિયોનેર્સ ભારતને શું દેશે?

“લ્યો, આ સાંભળો રણઝણસિંહ…” અમે અમારા મોબાઈલમાં આવેલી લેટેસ્ટ માહિતી રણઝણસિંહને વાંચી સંભળાવી.

“આ કોરોના વાયરસને લીધે જે દુનિયાભરમાં મંદી આવી ગઈ છે એમાં ૨૩૭ જેટલા બિલિયોનેરની સંખ્યા ઘટી ગઈ છે!”
“તો?” રણઝણસિંહે એકાક્ષરી પ્રશ્ન કર્યો.
અમે જરા થોથવાયા.

“તો એટલે? દુનિયાનાં અર્થતંત્રો અટકી ગયાં છે.”
“અર્થતંત્રની ભાષા મને ઝટ હમજાતી નથી મન્નુ. પણ મને ઈ કિયે કે શું દુનિયાભરમાં જેટલી કરન્સી નોટું છે ઈ ગાયબ થઈ ગઈ? સોનું ઓગળીને કોલસો થઈ ગ્યું? ચાંદી ઓગળીને લોઢું થઈ ગઈ? નહીં ને?”
“તો ?” હવે અમે સામે સવાલ કર્યો.
“ભાઈ મન્નુ, બિલિયોનેર્સની સંખ્યા ૨૩૭ ને બદલે બે હજાર સાડત્રીસ જેટલી ઘટી જાશે એમાં શું ફરક પડી જવાનો છે? સવાલ ઈ છે કે આ અબજો-ખર્વોની સંપત્તિના માલિકો આજે દુનિયાના શું કામમાં આઈવા?”
“કેમ, મોટા મોટા બિલિયોનેર્સે તોતિંગ રકમનાં દાન કર્યા છે.”
“વર્લ્ડની વાત કરે છે કે ઇન્ડિયાની?”
“હા, લ્યો ને, ઈન્ડિયામાં પણ ટાટા, અંબાણી, અદાણી… ભલભલા કુબેરપતિઓએ દાન જાહેર કર્યા છે.”
“મન્નુડા…” રણઝણસિંહે ઊંડો શ્વાસ લઈને ઊંડો સવાલ કર્યો.

“શું તને ખબર છે કે ભારતમાં માત્ર ૧ ટકા ધનવાનો પાસે ભારતની કુલ ૫૮ ટકા જેટલી સંપત્તિ છે?”
“હા, એ આંકડા મેં વાંચ્યા હતા. પણ એનું શું?”
“એનું ઈ, મન્નુડા… કે ભારતની વસ્તીના એક ટકાનો અર્થ થયો કે આ દેશમાં કમ સે કમ તેર લાખ લોકો એવા છે જે અતિશય… અતિશય ધનવાન છે.”


“હા, તો -”
“એમાંથી કેટલા લોકોએ કરોડો રૂપિયાનાં દાન દીધાં? મન્નુડા. પચ્ચીસ-પચાસ કરોડનાં દાન દેનારા ફેમસ ધનપતિઓનાં નામોની સંખ્યા ગણવા બેસ, તો આંગળીના અડધા વેઢા ય પુરા થાતા નથી! હાલ, ઈ છોડ, મને ઈ કિયે કે જે રાજકીય નેતાઓની સંપત્તિ પાંચ જ વરસમાં પાંચ કરોડથી પંચાવન કરોડની થઈ જાય છે એમાંના કેટલા રાજકારણીઓએ દાન નોંધાયવા?”
“હં…” અમે વિચારે ચડી ગયા.
“મન્નુડા, સાવ સીધો હિસાબ ગણ, જો ઓલ્યા તેર લાખ ધનવાનો ફક્ત બબ્બે કરોડનું દાન કરે તો કુલ છવ્વીસ લાખ કરોડનું ભંડોળ જમા થઈ જાય!”
“હા…. આવું તો મેં ગણ્યું જ નહોતું.”
“મન્નુડા, તારું ગણિત તો કાચું જ છે, હાર્યે હાર્યે ઈતિહાસ પણ કાચો છે.”
“હવે આમાં ઈતિહાસ ક્યાં આવ્યો?”
“છેલ્લા ૫૦૦ વરસનો ઇતિહાસ ઉખેળીને જોઈ લે મન્નુડા, દેશની મુસીબત વખતે પોતાની સંપત્તિ દેશને ચરણે ધરી દેનારો ધનપતિ એક જ જડશે… ભામાશા!”
“અને અમીચંદ? અમીચંદ કેટલા ?”

અમે પૂછ્યું, પણ રણઝણસિંહે જવાબ નો દીધો.

-મન્નુ શેખચલ્લી