સ્વાસ્થ્ય ટકાવી રાખવાના આ આઠ સરળ સિધ્ધાંત અપનાવો અને જીવનને પ્રફુલ્લિત બનાવો

ગ્લોબલ વેલનેસ ગુરુ અને સિંગાપોરસ્થિત સિનિયર કન્સલ્ટન્ટ સુજાતા કૌલગી અહીં શેર કરે છે એમનાં શ્રેષ્ઠ સ્વાસ્થ્ય મંત્રો, સાથે દર્શાવ્યાં છે સરળ અને વ્યવહારુ દ્રષ્ટાંતો, જે દ્વારા તમે તમારા જીવનને પ્રફુલ્લિત બનાવી શકો છો.


અત્યંત ભાગદોડવાળા શહેરી જીવનમાં આપણે અટવાઈ જઈએ એ સ્વાભાવિક છે. એને કારણે આપણે બધી ચીજ પર ધ્યાન આપી શકતાં નથી. આપણે સતત ડેડલાઈન પ્રમાણે જ ચાલવું પડે છે અને યાદી પ્રમાણે કામો પૂરા થાય છે કે નહીં એ જોતાં રહેવું પડે છે. આ દેખીતી રીતે અંતહીન દોડમાં આપણે વિહ્વળ અને ચિંતાતુર રહેવાના જ અને પરિણામે વારંવાર બીમાર પડવાના. જો આની પર સમયસર ધ્યાન આપવામાં ન આપીએ તો આપણા શરીર અને મનને નુકસાન થઈ શકે છે, આપણે થાકી જઈએ કે ભાંગી પડીએ.

મારી પાસે ગ્રાહકો આવે છે જેમને ઘણી વાર ડોક્ટરો જ મારી પાસે મોકલતા હોય છે. અથવા મેં જેમને તંદુરસ્તી અપાવી હોય એમની પાસેથી જાણકારી મેળવીને લોકો મારી પાસે આવતાં હોય છે. મોટા ભાગનાં લોકો મારી પાસે શારીરિક કે માનસિક સ્થિતિ સુધારવા માટે કે ઉપચારાત્મક તંદુરસ્તી મેળવવા માટે આવે છે અથવા એમની જીવનશૈલીને સુધારવા માટે આવે છે. માંદગીમાંથી તંદુરસ્તી મેળવવાની સફરમાં અંગત કાળજી લેવાની હોય છે. અહીં હું આરોગ્યનાં કેટલાંક સિદ્ધાંતો આપની સાથે શેર કરું છું જેનાથી તમને ફાયદો થશે એવી આશા રાખું છું.


૧.

A ફોર અવેરનેસ (જાગૃતિ)

શરૂઆત કરીએ ધ્યાન અને નિરીક્ષણની ક્રિયાથી.

તમે આ લેખ વાંચી રહ્યા છો, સાથોસાથ તમારી આસપાસમાં આવી રહેલા અવાજોને પણ સાંભળો, તમે બેઠાં હો કે સૂતાં હો. આમાંનું કંઈ પણ બદલ્યા વગર તમે માત્ર તમારાં શ્વાસોચ્છવાસ પર ધ્યાન આપો. વધુ ત્રણ વખત શ્વાસ લો – શ્વાસ અંદર લો અને હળવેકથી બહાર કાઢો. તમારે એ જોવાનું છે કે ધ્યાન કેન્દ્રિત કરવામાં કરેલા આ ફેરફારને તમારું શરીર અને તમારું મન કેવી રીતે પ્રતિસાદ આપે છે.

જાગ્રત રહેવાની આદત કેળવીને તમે તમારી રોજિંદી સામાન્ય પ્રવૃત્તિઓ કરી શકો છો, જેમ કે ચાલવાની, વાત કરવાની, વાંચન કરવાની, રાંધવાની, નાહવા જવાની, ફોન ચેક કરવાની કે કોઈ મીટિંગમાં જવાની વગેરે પ્રવૃત્તિઓ. તમને માલુમ પડશે કે તમારાં પ્રત્યાઘાતો હવે પહેલાંની જેવા ઉતાવળીયા, આંચકાભર્યા કે અણઘડ નથી રહ્યા પણ શાંત બની ગયા છે. આનાથી ટેવાઈ ગયા બાદ તમને જણાશે તમે ખૂબ જ હળવાશ અનુભવી રહ્યાં છો, સંતુલિત બની ગયા છો અને ધીરજ રાખતા થઈ ગયા છો.


૨.

હરતાં ફરતાં રહો

નવી શક્તિ સંચાર કરવા કસરત કરો

યોગ, તાઈ ચી, કી ગોંગ તથા અન્ય શારીરિક કસરતો – આ બધાં જ બળ પ્રાપ્ત કરવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરની લવચીકતા વધારવા માટેના શક્તિશાળી માધ્યમો છે. હું અંગત રીતે તેમજ જેમની સાથે હું કામ કરું છું એવા ઘણા ક્લાયન્ટ્સના અનુભવના આધારે આ બધાની ક્ષમતાને માનું છું. આનાં ખાતરીપૂર્વકના પરિણામોનું રહસ્ય છે સાતત્યતા અને નિયમિતતા.

મારી સલાહ છે કે તમે કંઈક એવું શરૂ કરો જેમાં તમને આનંદ આવે અને તમે એને વળગી રહો.

કંઈક એવું શોધી કાઢો જે કરવામાં તમને આનંદ આવે એટલું જ નહીં, પણ એ કરવામાં આસાની પણ રહે. તમારી નજીકમાં કોઈક યોગા ક્લાસ જોઈન કરો અથવા ઝડપથી ચાલવાનું રાખો કે સ્વિમિંગ શરૂ કરો. તમારા ધ્યેયને ઝડપથી અને અસરકારક રીતે હાંસલ કરવામાં તમને કોઈ સારા પ્રશિક્ષક કે માર્ગદર્શક મદદરૂપ થઈ શકે.


૩.

સમજદારીપૂર્વક ખાવ, સ્વાસ્થ્યપ્રદ ખાવ

મૂડ માટે ફૂડ.

તમે શું ખાવ છો એ મહત્ત્વનું નથી, પણ તમે કેવી રીતે ખાવ છો, કેટલું ખાવ છો, એ કેવી રીતે બનાવાયું હોય, કેવા પ્રકારનું કોમ્બિનેશન તમે ખાવ છો, તમારું શરીર એને કેટલું ગ્રહણ કરી શકે છે – આ બધી બાબતો મહત્ત્વ માગી લેનારી છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે આજકાલ એક શબ્દ બહુ સાંભળવા મળે છે અને તે છે હ્યુમન માઈક્રોબીયોમ અર્થાત તમારા શરીરની અંદરની ઈકોસિસ્ટમ, જે તંદુરસ્તી વધારે છે અથવા એમાં અડચણ ઊભી કરે છે. આમાં હું તમને કોઈ જાદુઈ ગોળી આપતી નથી, પરંતુ હું તમને પ્રોત્સાહિત કરીશ કે તમે જે ખાવ એનો આનંદ લો, તમને ભાવે એ ચીજ પ્રત્યે પ્રેમ રાખો. વધુ પડતું ન ખાવ અને વાસી ખોરાક પણ ન ખાવ.

તમે જે ખાદ્યપદાર્થ ખરીદો એનાં લેબલ બરાબર વાંચો. શક્ય હોય ત્યાં સુધી તાજાં અને ઓર્ગેનિક ખાદ્યપદાર્થો ખાવ. શરીરને બરાબર હાઈડ્રેટ કરતા રહો. જરૂર પડે તો સપ્લીમેન્ટ્સ લો, પરંતુ અકરાંતિયા ન બનો.


૪.

ધ્યાન ધરો

સમય ફાળવો.

દરરોજ આત્મચિંતન કરવા અને એકાંતમાં રહેવા માટે થોડીક મિનિટો ફાળવો. શ્વાસોચ્છવાસની સાદી રીત શીખીને કે ધ્યાન ધરવાની ક્રિયા કરીને તમે આંતરિક શાંતિ મેળવી શકશો અને આત્મશુદ્ધિનો અનુભવ કરી શકશો. નવી શક્તિ મેળવવા માટે દરરોજ થોડોક સમય કાઢો. તમારા બધા ડીવાઈસીસને બાજુ પર મૂકી દો. એક સમય નક્કી કરો અને એને વળગી રહો. મને અમુક કામ સવારે વહેલા કરવાનું ગમે. તમે તમારી પસંદગી મુજબ અન્ય સમય નક્કી કરી શકો.


૫.
આરામ કરો અને તાણમુક્ત રહો

સારો આરામ તમારી સમગ્ર શરીરરચના પર આશ્ચર્યજનક અસર લાવશે. મારી સાવ સાદી સલાહ છે કે તમારો ફોન બીજા જ રૂમમાં મૂકી દો, બારીઓનાં પડદા નીચે પાડી દો જેથી પ્રકાશ અંદર ન આવે અને રાતે સૂવા જતાં પહેલાં સ્નાન કરી લો. થાકને ભગાડવા માટે આરામની ગુણવત્તા અને પ્રમાણ, બંનેનું સરખું મહત્ત્વ હોય છે. આમ કરવાથી તમે આખો દિવસ તાજગીનો અનુભવ કરશો અને જાગ્રત રહેશો.


૬.
જુદા જુદા શોખ કેળવોદરેક જણ નિતનવી ખૂબીઓ શીખી શકે છે.

કંઈક નવું શીખો, તમારી જાતે જ કંઈક નવું શોધી કાઢો – કોઈક નવો શોખ કેળવો. તમારી રચનાત્મક્તાને કેળવો. તમે એવી જ રસપ્રદ વ્યક્તિઓને મળી શકો અને જીવનમાં આનંદની લાગણી અને હેતુને પામી શકો.


૭.
સંબંધોને જાળવો

લોકોને પ્રાધાન્ય આપો

તમને જીવનમાં ઝળકવામાં મદદરૂપ થાય એવા લોકો સાથે સંપર્ક રાખો. એવી વ્યક્તિઓ તમારા આત્મવિશ્વાસને વધારવામાં અને તમારી આત્મશક્તિને વધારવામાં મદદરૂપ થઈ શકે. કોઈ મતભેદો હોય તો વાતચીત વડે અને સ્પષ્ટ સંદેશવ્યવહાર વડે એને દૂર કરો.

જીવનને ઝેરી બનાવે એવા સંબંધોને પડતા મૂકો અને તમને સતત માનસિક તાણ કરાવે એવી વ્યક્તિઓથી દૂર રહો. જેમ સ્પેન્સર કેમ્પબેલે કહ્યું છે કે, ‘વ્યક્તિને પ્રેમ કરો ચીજવસ્તુઓને નહીં, ચીજવસ્તુઓનો ઉપયોગ કરો વ્યક્તિઓનો નહીં.’


૮.
સ્વયંસેવક બનો

કંઈક આપો તો જ કંઈક મળશે

કોઈ બીજાના ચહેરા પર સ્મિત આવે એવું કંઈક કરો. તમારી ટેલેન્ટ, સાધનો કે કૌશલ્યને અન્યોની સાથે શેર કરો.
આ અજમાવી જુઓઃ અન્યો માટે તમે કરી શકો એવી પાંચ ચીજની એક યાદી બનાવો. આમાં અમુક સાદા કાર્યો રાખી શકો જેમ કે કોઈ વૃદ્ધ વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવી, જેમને સાંભળવાની તકલીફ હોય એમને કંઈક વાંચી સંભળાવવામાં મદદરૂપ થવું કે તમારો સમય કે પૈસાનું દાન કરવું. કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા વગર કામ કરજો. જ્યારે આપણે અન્યોને માટે કોઈક સેવા બજાવીએ છીએ ત્યારે એમાંથી નિશ્ચિતપણે આનંદ મળે છે.


વિશ્વભરમાં યોગા અને વેલનેસ એક્સપર્ટ તરીકે જાણીતાં બનેલાં સુજાતા કૌલગીનો જન્મ ભૂતાનમાં થયો, પણ એમનો ઉછેર અને ઘડતર થયા ગુજરાતમાં. શિક્ષણ પણ એમણે ગુજરાતમાં જ લીધું હતું. કારકિર્દીની શરૂઆતમાં તેઓ એક અંગ્રેજી સામયિકમાં પત્રકાર પણ રહી ચૂક્યાં છે.

અમેરિકા અને જાપાન સહિત વિશ્વના અનેક દેશોમાં રહી ચૂક્યાં છે અને હાલ સિંગાપોરમાં સ્થાયી થયાં છે, પણ દિલથી તેઓ હજી ગુજરાતી જ છે.

તેઓ માને છે કે વ્યક્તિનાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ શાંતિ માટે આરોગ્ય, યોગ્ય જીવનશૈલી, આહાર, વિચાર, વ્યવહાર, યોગસાધના અને ધ્યાન જરૂરી છે અને આ વિશે એમની પાસે જે જ્ઞાન છે તેનો લાભ નિયમિત રીતે ‘ચિત્રલેખા.કોમ’નાં વાચકોને આ કોલમ દ્વારા આપતાં રહેશે.