પંચમ જોશી લગભગ સાડા દસ વાગ્યે ઓફિસમાં પ્રવેશ્યા.
‘જોશી સાહેબ, સમયસર આવી જાઓ. બહુ મોડું કરો છો તમે.’ નવા આવેલા ઓફિસરે નાકના ટેરવા પર અટકાવેલા ચશ્મા આંગળી વડે ઉપર ધકેલતા કહ્યું.
‘જી સાહેબ. આજે થોડું ઘરેથી નીકળવામાં જ મોડું થઇ ગયું.’ પંચમભાઈએ નમસ્તે કરતા સફાઈ આપી અને પોતાની સીટ સંભાળી. પંચમ જોશીને નિવૃત થવાને છ મહિનાની વાર હતી. ઓફિસમાં તેમના પેન્શનના કાગળ તૈયાર કરવા માંડેલા અને સરકારી ઘરમાં પોતાનો સમાન ધીમે ધીમે પેક કરવાની શરૂઆત કરી દીધેલી.
પંચમ જોશીએ પોતાની પાંત્રીસેક વર્ષની નોકરીમાં ક્યારેય નિયમિતતાને કે કામને લઈને કોઈની ટકોર સાંભળી નહોતી એટલે તેમને માઠું તો લાગ્યું, પણ હવે ઘણા દિવસથી આવું થઇ રહ્યું હતું. અધિકારી કહેવાય એટલે ક્યારેક તો બોલવાના ને!
આમ તો નવા નવા આવનારા બધા અધિકારીઓને પંચમ જોશીએ પોતાના કામ અને વર્તનથી પ્રભાવિત કરી લીધેલા પરંતુ છેલ્લા મહિને જે નવા અધિકારી આવ્યા તેમના મનમાં તો પંચમભાઈની એવી જ છાપ પડેલી કે તેઓ કામમાં ધ્યાન નથી લગાવતા અને નિયમિતતા જાળવવામાં માનતા નથી.
બે દિવસ પછી પંચમભાઈને કોઈ ફાઈલ પર કામ કરવાનું કહ્યું તેમાં થોડી ઢીલ થઇ અને લખાણ પણ કાચું રહી ગયું એટલે અધિકારીએ તેમને પોતાની ઓફિસમાં બોલાવીને ખુલાસો માંગ્યો, ‘જોશીજી, આ કેવું કામ કરી લાવ્યા છો તમે? મારે આવી નોટ પર સહી કરવાની?’
‘સાહેબ, હું સુધારી લાવું છું. ચિંતા ન કરશો, બરાબર ચેક કરીને લાવીશ.’ પંચમભાઈએ ટેબલ પરથી ફાઈલ લેવા હાથ લંબાવ્યો.
‘ના, ફાઈલ તો હું સુધારી લઈશ. તમે આ કારણદર્શાવો નોટિસનો જવાબ તૈયાર કરો. ઘણા સમયથી હું તમારી ઢીલાશ સહન કરી રહ્યો છું પણ હવે હદ થઇ ગઈ.’ અધિકારીએ સખ્ત શબ્દોમાં સૂચના આપતા પંચમભાઈના હાથમાં નોટિસ થમાવી દીધી.
‘સાહેબ, આટલી લાંબી નોકરીમાં કોઈ અધિકારીએ ઠપકો પણ નથી આપવો પડ્યો. મારો રેકોર્ડ જોઈ લો તમે. એક ભૂલ માટે થઈને આવી નોટિસ ન આપશો. મારો રેકોર્ડ ખરાબ થઇ જશે, સાહેબ.’ પંચમ જોશીએ હાથ જોડીને વિનંતી કરી.
‘એ બધું તમે નોટિસના જવાબમાં લખી દેજો.’ અધિકારીએ ઉપર જોયા વિના જ કહ્યું.
‘પણ સાહેબ…’
‘તમે જઈ શકો છો.’ સૂચના સ્પષ્ટ અને કડક હતી.
‘સાહેબ..’ કહેતા પંચમભાઈ હાથમાં નામોશીભરી નોટિસ લઈને તેમની ઓફિસથી બહાર આવ્યા ત્યારે તેમની આંખો ભરાઈ આવેલી. તેમણે પોતાના ટેબલ પર આવીને નોટિસ વાંચી. અનિયમિતતા, કામ પ્રત્યે બેદરકારી, જવાબદારીમાં ઢીલ અને એવા કેટલાય આક્ષેપો તેમના પર લગાવવામાં આવ્યા હતા. દોઢ પાનાની નોટિસ આજે તો તૈયાર નહિ જ થઇ હોય તે વાત પંચમભાઈ સમજી ગયા. જરૂર અધિકારી એક તકની રાહ જોઈ રહ્યા હશે અને આજે તેમને એ તક મળી ગઈ હતી.
નિરાંતે વિચારીને જવાબ આપીશ તેવું વિચારીને પંચમભાઈ સાંજે ઘરે આવ્યા. તેમની પત્ની વિભાદેવીની તબિયત સારી નહોતી રહેતી એટલે મોટાભાગના કામ પંચમ ભાઈને જાતે જ કરવા પડતા. તેમને સાંજે રસોઈ બનાવવામાં અને સાફસફાઇમાં થોડી મદદ કરી અને સાંજે પત્ની સાથે ડીનર કરીને પરવાર્યા પછી થોડીવાર ટીવી જોઈને ઊંઘી ગયા.
બીજા દિવસે ઓફિસમાં તેમણે સાહેબને મળીને વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અધિકારીએ સમય જ ન આપ્યો. કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવો તેની મૂંઝવણ તેમના મનમાં વકરવા લાગી.
એ દિવસ પણ ગયો અને એમ કરતાં કરતાં એક અઠવાડિયું વીતી ગયું. પંચમભાઈ રોજ વિનંતી કરે અધિકારીને મળવા માટે પણ તેમને ઓફિસમાં જવાની પરવાનગી જ ન મળે. ‘સાહેબ વ્યસ્ત છે.’ તેવું કહી દેવામાં આવે.
આ નોટિસનો જવાબ શું આપવો તેની અસમંજસ વધવા લાગી. આખરે રવિવારે બેસીને તેમણે જવાબ તૈયાર કર્યો. પોતાની આટલા વર્ષોની સેવાને નોંધી. તેમને મળેલી પ્રસંશા અંગે અને હંમેશા ફરજ પ્રત્યે પ્રતિબદ્ધ હોવા અંગે પણ લખ્યું અને અધિકારીને ચોક્કસ કોઈ ગેરસમજ થઇ હોવી જોઈએ અને છતાંય પોતે સાવચેત રહેશે અને ભવિષ્યમાં ક્યારેય એવી ફરિયાદની તક નહિ આપે તેવી ખાતરી આપી જવાબ પૂરો કર્યો.
બીજા દિવસે તેમણે સવારે અધિકારીની નોટિસ સાથે બીડીને પોતાનો જવાબ ઓફિસમાં રજૂ કર્યો. પટ્ટાવાળાએ ફાઈલ અધિકારીની ઓફિસમાં આપી દીધી. જવાબ વાંચીને અધિકારી વાત કરવા બોલાવશે અને બધું રાબેતા મુજબ થઇ જશે તેવી પંચમભાઈને ખાતરી હતી. પરંતુ સાંજ સુધી તો અધિકારીએ તેમને બોલાવ્યા નહિ. બીજા બે દિવસ વીતી ગયા. ન તો અધિકારીએ તેમને બોલાવ્યા કે ન તો કોઈ જવાબ આવ્યો. પંચમભાઈને એક બેચેની થવા લાગી. જેમને હંમેશા ઓફિસના બધા કામમાં આગળ રહેવાની આદત હોય તેમની સાથે આવું વર્તન થાય તો ચોક્કસ આકરું જ પડે.
ચોથા દિવસે તેમના ટેબલ પર અધિકારી તરફથી એક કાગળ આવ્યો. તેમની નોટિસનો જવાબ સ્વીકારાયો નહોતો અને તેમને બે દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પંચમભાઈની આંખે જાણે અંધારા આવી ગયા. ખૂબ મુશ્કેલીથી તેમણે પોતાની જાતને સંભાળી.
સસ્પેનશનના બે અને રવિવાર મળીને કુલ ત્રણ દિવસમાં પંચમભાઈએ ખૂબ વિચાર કર્યો. તેમના ગળેથી કોળિયો ન ઉતરે. તેમની પત્ની વિભાદેવીએ કેટલીય વાર કારણ પૂછ્યું પણ તબિયત સારી નથી તેવું કહીને તેમણે ટાળી દીધું. રવિવારની રાત્રે પંચમભાઈને ઊંઘ ન આવી. લગભગ રાત્રે ત્રણેક વાગ્યે અચાનક તેમના મનમાં એક વિચાર આવ્યો અને તેમણે નિર્ણય કરી લીધો.
સોમવારે સવારે ઓફિસે જઈને તેમણે પોતાની પાસે બચેલી બધી રજાઓ માટે અરજી કરી દીધી. રોજ રોજ અપમાન સહેવા કરતા રજા ગાળીને ઘરેથી જ નિવૃત થવું તેવો નિર્ણય પંચમ જોશી કરી ચૂક્યા હતા.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)