સુમનભાઈ પત્રકાર બન્યા ત્યારથી જ તેમની ધારદાર કલમ અને નીડર પત્રકારત્વ માટે જાણીતા હતા. તેમને કોઈનો ડર, દબાવ કે પ્રભાવ ગમતો નહિ અને તેઓ ક્યારેય કોઈનું પણ સાંભળતા નહિ. સરકાર સામે લખવામાં પણ તેઓ ક્યારેય અચકાતા નહિ. ક્યારેક સમાચારપત્રના તંત્રીએ તેમના લેખો કાપવા પડતા કે પડતા મુકવા પડતા. તેમના લખેલા લેખો વાંચીને તો કેટલીયવાર સ્થાનિક સરકારો સામે દેખાવો પણ થતા.
આજે સવારથી તેમને અકળામણ થઇ રહી હતી. આજે તેઓ નિર્ણય કરી શકતા નહોતા કે કલમને કઈ દિશામાં વાળે. સચ્ચાઈ તરફ કે શાંતિ તરફ? ગાંધીજીના સિદ્ધાંતોને અનુસરનારા સુમનભાઈ સમાજમાં અશાંતિ ફેલાવવા તો ક્યારેય ઇચ્છતા જ નહોતા પરંતુ જે સાચું છે તે લખવાનું ચુકે તો શું તેમનો પત્રકારત્વનો ધર્મ લાજે? શું જે છે તેવું લખવું તેમનો ધર્મ છે કે પછી જે લખે છે તેની અસર શું થશે તેના અંગે વિચારવું પણ તેમની ફરજ છે?
આજે સવારે જ તેમને ખબર મળેલી કે સરકારમાં ઉદ્યોગ મંત્રીએ કોઈ કંપનીને મંજૂરી આપવા માટે લાંચ લીધી છે. પહેલા તો તેમણે પોતાના રાઇટિંગ ટેબલ પર બેસીને તરત જ એક મોટો લેખ લખી નાખેલો એ મંત્રી વિરુદ્ધ.
કંપનીના માલિકે શા માટે લાંચ આપવી પડી? કઈ મંજૂરીઓ બાકી હતી? ક્યાં કાગળ ખૂટતા હતા? તે તપાસ કરવા સુમનભાઈએ પહેલા તો ઉદ્યોગ ખાતામાં પોતાના પરિચિતને ફોન કરીને વાત શરુ કરી.
‘આ નવું કારખાનું શરુ થઇ રહ્યું છે તેના માટે બધી પરવાનગીઓ આપી દેવાઈ હતી?’ તેમણે પૂછ્યું.
‘કેમ છો સુમનભાઈ? હા, મારી માહિતી પ્રમાણે તો તેના માલિકે બધી જ પરવાનગીઓ માટેની પ્રક્રિયા સમયસર જ પુરી કરી લીધેલી. અમારે ત્યાંથી તો કોઈ રીતે વાંધો ઉઠાવાયો નહોતો.’ ફોન પર સામેથી જવાબ મળ્યો.
‘તમને પુરી ખાતરી છે?’ સુમનભાઈએ ફરીથી એકવાર પૂછ્યું.
‘આજ સુધી આટલા પદ્ધતિસર અને અને ક્લિર પેપર મેં કોઈના જોયા નથી. પર જો જો હો, તમે રહ્યા પત્રકાર. મારુ નામ ન છાપી દેતા ક્યાંક.’ સામેથી અવાજ આવ્યો.
‘ના ભાઈ ના, ચિંતા ન કરો. થેન્ક યુ.’ સુમનભાઈએ વાત પૂરી કરી.
અજબ કહેવાય. જો તેમના બધા જ કાગળ પુરા હતા તો આટલી મોટી લાંચ શા માટે આપવી પડી તેમને? જમીન કેવી રીતે મળી? તેમાં તો કઈ ગફલાં નથી? તેના માટે પણ ફોન કરીને પૂછી જોયું સુમનભાઈએ. પણ તેમાંય કંઈ સમસ્યા નહોતી.
સુમનભાઈ હવે વધારે વિચારમાં પડ્યા. કેવી રીતે આ મામલાના મૂળ સુધી પહોંચવું અને કેવી રીતે એ મંત્રી અને કંપનીના મલિકને ખુલ્લા પાડવા? સાંજ સુધીમાં તેમનો મગજ બહેર મારી ચુક્યો હતો અને હવે તેમને સમજાતું નહોતું કે કેવી રીતે આ વાતને ખુલ્લી પાડવી.
‘એકવાર કંપનીના મલિક સાથે વાત કરી લઉં ‘તો?’ અચાનક તેમના મનમાં વિચાર આવ્યો અને તેમને ક્યાંકથી એ કંપનીના માલિકનો સંપર્ક સાધ્યો. પોતાનો પરિચય આપીને તેમણે વાત શરુ કરી.
‘તમારી કંપનીનું કામ કેવું ચાલે છે?’ સુમનભાઈએ પૂછ્યું.
‘થેન્ક યુ. જલ્દી જ કામ શરું થશે. રાહ જોઈ રહ્યા છીએ.’ માલિકે કહ્યું.
‘મેં સાંભળ્યું છે કે તમારે મોટી રકમ મંત્રીને આપવી પડી છે?’
‘તમને અહીંની રાજનીતિ તો ખબર જ છે.’
‘પણ મેં બધી તપાસ કરી છે કે તમારી પાસે તો બધી જ મંજૂરી હતી અને તમારું કામ પણ કાયદેસર છે તો પછી શા માટે?’ સુમનભાઈએ પોતાને મુંઝવી રહેલો સવાલ પૂછ્યો.
‘સુમનભાઈ, તેને પ્રોજેક્ટ કોસ્ટમાં ગણી લઈશું. બીજો કોઈ રસ્તો નહોતો.’
‘પણ શું ફાયદો?’ હું તો તેના વિરુદ્ધ અવાજ ઉઠાવીશ. કાલે સવારના સમાચારપત્રમાં આ આર્ટિકલ લખીશ.’ સુમનભાઈએ કડક અવાજમાં કહ્યું.
‘અને પરિણામ શું આવશે?’ માલિકે ફોન પર પૂછ્યું.
‘હું મંત્રીની ખુરશી હલાવી દઈશ.’ સુમનભાઈનો અવાજ મક્કમ હતો.
‘અને મારી કંપનીનું શું? તે બંધ નહિ થઇ જાય?’ કંપનીના માલિકે કહ્યું.
‘કેમ? તમારી પાસે તો બધા જ કાગળ છે ને?’
‘અને પ્રોજેક્ટમાં વિલંબ થશે. કોર્ટમાં ઈન્કવાયરી થશે અને આખરે તે ક્યારેય ચાલુ નહિ થાય. પરિણામે બે હજાર લોકોની રોજગારીની તકો પણ જતી રહેશે. નિર્ણય તમારા હાથમાં છે.’ આટલું બોલીને કંપનીના માલિકે ફોન મૂકી દીધો.
સુમનભાઈએ ટેબલ પર પડેલો આર્ટિકલ ઉઠાવ્યો અને તેના એક એક શબ્દને ફરીથી વાંચ્યો અને બારી બહાર નજર કરી ફરીથી વિચાર્યું કે સત્ય કે સમૃદ્ધિ? અને પછી નિર્ણય કરી લીધો.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)