કદાચ એટલે જ બે આંખો હોતી હશે…

આલાપ,

બાલ્યાવસ્થામાં એવા વિચારો આવે કે ઈશ્વરે એક નાક, એક જીભ , એક મોં આપ્યું છે તો આંખો બે કેમ? પણ આજે સમયે મને આ સવાલનો જવાબ આપ્યો છે. આજે મારી એક આંખમાં ખુશીનું અને બીજી આંખમાં દુઃખનું આંસુ છે. અને બન્ને લાગણી એકસરખી તીવ્ર છે. કદાચ એકસાથે બે લાગણીઓ વ્યક્ત કરવા માટે જ બે આંખો હોતી હશે. હેં, ને?

આલાપ, તને યાદ છે? વર્ષો પહેલાં તેં મને એક પેન ગિફ્ટ કરેલી જેની કૅપ પર મારું નામ લખાયેલું હતું ને મેં તને પૂછેલું, “આલાપ, હવે તો ભણવાનું પૂરું થયું હવે મારે પેનનું શું કામ?” તેં એકદમ વ્હાલપૂર્વક કહેલું, “સારું, હું ઇચ્છુ છું કે તું લેખનપ્રવૃત્તિ કર. મારે તને એક સફળ લેખિકા તરીકે જોવી છે. તારામાં એ શક્તિ છે. ઈશ્વરે તને શબ્દોની, વિચારોની, કલ્પનાશક્તિની અદભુત ભેટ આપી છે. આ એક એવું કાર્ય છે જે શીખવાથી નથી આવડતું હોતું એ તો ઈશ્વરની કૃપા હોય એને જ મળે. તારા લેખ પ્રકાશિત થાય અને લેખના અંતે તારું નામ વાંચું ત્યારે મને ગર્વ થાય તારા મારી સાથે હોવાનો”

મને મારી જાત પર ભરોસો ન હતો પરંતુ તારી શ્રદ્ધા અને તારી ઈચ્છાથી ઉપર મારા માટે બીજું શું હોય? ને ધીમે ધીમેં મેં લખવાની શરૂઆત કરી.

મગજમાં જન્મતી કલ્પનાનું વિસ્તરેલું આકાશ હ્ર્દયમાં ભરેલી લાગણીની વિશાળ ધરતીને મળ્યું અને પછી તારી કલમથી શરૂ થઈ મારી એક લેખક તરીકેની સફર. ઈશ્વર પાસે સમય નામનો અદભૂત પાસો છે. એ પાસો ફેંકે ત્યારે આપણા દરેક ગણિત પળવારમાં ખોટા પડી જાય છે એ હકીકત ત્યારે સમજાઈ જ્યારે હું સફળ લેખિકા બનવા તરફ જઈ રહી હતી, પણ તું સફળ બિઝનેસમેન બની ચૂક્યો હતો. નફા-નુકશાન બરાબર સમજતો થઈ ગયો હતો. લાગણી અને સપનાંઓ ખરીદવા -વેચવાની કળામાં પારંગત થઈ ચૂક્યો હતો અને આપણે છૂટા પડ્યા. આલાપ, આજે તારી સારું સફળ લેખિકા તરીકે સન્માનિત થવા જઈ રહી છે.

ધારો કે તેં આ સપનું ન બતાવ્યું હોત તો?

…તો લાખો કરોડો સામાન્ય માણસોની ભીડમાં એક સારંગી પણ શ્વસતી હોત. ન એની કોઈ ઓળખ હોત, ન કોઈ અસ્તિત્વ. તારા જવા પછી એ તૂટી ગઈ હોત, એની પાસે ન તો કોઈ દિશા હોત કે ન જીવવાનો આધાર. તારા ગયા પછી તારી આપેલી પેનમાં તને જોવાનું શરૂ કર્યું. આ પેન સાથે વાતો કરતી રહી, એની સાથે હસી અને એની જ સામે રડી. આજે મને સમજાય છે કે આ માત્ર પેન નથી, આ તારું સપનું, આશા, ઉમ્મીદ, મારું અસ્તિત્વ, મારી ઓળખ અને તારા વિના મારા જીવવાનો સહારો છે.

તું જ્યાં પણ હશે હું માનું છું કે બહુ જ ખુશ હશે એ વાતથી કે આજે તારી સારુંએ તારું સપનું પૂરું કર્યું છે. સમય કેટલાક સપનાંઓને હકીકતમાં ફેરવે છે જેમ મારું લેખિકા બનવાનું તેં જોયેલું સપનું અને કેટલીક હકીકતને સપનું બનાવી દે છે જેમ આપણાં આજીવન સાથે રહેવાની મને લાગતી હકીકત. આજે સમજાય છે કે સમયથી બળવાન દુનિયામાં કંઈ જ નથી.

-સારંગી

(નીતા સોજીત્રા)