“મમ્મીઇઇઇ ઇઇઇ…. શું યાર તું પણ સવાર સવારમાં આ રાગડા ચાલુ કર્યુ છે? નવું વર્ષ બગાડવું છે કે? દર વર્ષે તને આ શું સૂઝે છે કે તું આ એકને એક પ્રસંગ ટેપરેકોર્ડર પર સાંભળે રાખે?” આસ્થા ભરઊંઘમાં ચીસ પાડતા બોલી.
અત્યંત પ્રેમાળ સ્વરે અવની આસ્થાને સમજાવવા લાગી, “બેટા, આજે નૂતન વર્ષ છે અને એ ભગવાન રામજીના વનવાસ પછી અયોધ્યામાં પરત ફરવાની ખુશીમાં યુગોથી ઉજવાય છે. દરવાજે અને ઘરમાં દિવડા, આસોપાલવના તોરણ, રંગોળી, મીઠાઈ, નવા કપડાં અને વડીલોના આશિષથી હિંદુ ધર્મનો આ સૌથી મોટો તહેવાર ઉજવાય છે અને એના કારણે હું દર વર્ષે ટેપરેકોર્ડર પર ભરતમિલાપવાળો પ્રસંગ અને ભગવાન શ્રીરામના સ્વાગતમાં અયોધ્યાવાસીઓએ ઉજવેલા ઉત્સવ વિશે સાંભળતી હોઉં છું.”
“અચ્છા મમ્મી, પણ દર વર્ષે તો બહુ બધા સગા-સંબંધીઓ અને મિત્રો આવતા હોય છે. ઘરે તો આપણે બધાને નાસ્તો કરાવીએ છીએ અને આપણે પણ જ્યાં જઈએ ત્યાં નાસ્તો કરતા હોઈએ છીએ, પણ આ વખતે તો આપણે પણ ક્યાંય નહીં જવાય અને અહીં પણ કોઈ નહિ આવે આ કોરોનાના કારણે. તો પછી આપણે કેમ આ વખતે પણ આટલો બધો નાસ્તો બનાવ્યો?” કુતૂહલવશ આસ્થાએ પૂછ્યું.
“એ હું આરતી કરી લીધા બાદ પૂજા ઘરમાં જણાવીશ” કહીને સ્મિત વેરતી અવની એના કામે લાગી ગઈ.
અવની અત્યંત સેવાભાવી અને પરગજુ હતી. કોઈનું દુઃખ એનાથી ન જોવાતું. આ વર્ષે કોરોના વાયરસના કારણે મેડિકલ સ્ટાફ, પોલીસકર્મીઓ અને સફાઈ કામદારની ડ્યુટી વધી ગઇ હોવાથી અવની અવારનવાર આ કર્મચારીઓને ચા-નાસ્તો, લીંબુ શરબત અને ઠંડુ પાણી કે બપોરના સમયે ઠંડી છાશ પીવરાવતી. આલોક પણ અવનીની આ સેવાકીય પ્રવૃતમાં હમેશ સહકાર આપતો. આ વખતે તો કોવિડના કારણે ક્યાંય જવાનું નહોતું અને કોઇ મળવા આવે એમ પણ નહોતું, છતાંય અવનીએ દિવાળીના તહેવારને દર વર્ષની જેમ જ ઉત્સાહપૂર્વક ઉજવવાનું નક્કી કર્યું હતું. દર વખતની માફક આ વખતે પણ ફરસાણ અને મીઠાઈ બનાવી હતી.વહેલી સવારમાં જ ઘરમાં બધા જાગી ગયા હતા. આલોક, આસ્થા અને આરુષ- ત્રણેય અવનીની આજ્ઞા પ્રમાણે તૈયાર થઈને પૂજાઘરમાં પહોંચી ગયા હતા. અવનીએ બધાને દિવડાની થાળી આપી અને આરતીની થાળી પોતે લીધી. દરેક સભ્યોએ આરતી કરી લીધા પછી અવનીએ બધાને બેસવા જણાવ્યું. મંદિરમાં બેસવાનું કહીને અવની શું કહેવા માંગતી હશે એ જાણવાની જિજ્ઞાસા ત્રણેના ચહેરા પર સ્પષ્ટ વંચાતી હતી. અવનીએ હસતા હસતા કહ્યું, “હું જાણું છું કે તમને ત્રણેને અહીં બેસાડવાનું કારણ જાણવામાં જ રસ છે, તો સાંભળો. આપણે દરેક લોકો નવા વર્ષમાં કેટલાક સંકલ્પો કરતા હોઈએ છીએ. આ વખતે કોરોના વાઇરસે દેશમાં મચાવેલી તબાહી એ સંકેત છે એ વાતનો કે આપણે ક્યાંક ખરેખર કરવા જેવા સંકલ્પો કરવાનું ચૂકી ગયા છીએ. અનેક લોકો મૃત્યુ પામ્યા અને કેટલાય લોકો બેસહારા થયા. આપણે એ પણ જોયું કે પાણી માફક પૈસો વાપરી શકનારનો પૈસો પણ જિંદગી બચાવવા માટે ટૂંકો પડ્યો. ‘પૈસાથી બધું જ ખરીદી શકાય’ એવું આપણે માનતા હોઈએ છીએ પરંતુ એ પણ નજર સામે છે કે પૈસાથી શ્વાસ નથી ખરીદાતા માટે, આ વખતે આપણે એવા સંકલ્પ લઈશું કે જે ઈશ્વરના સંકેતને સમજીને લેવાયા હોય…”
આલોક, આસ્થા અને આરુષ એકબીજા સામે જોઇ રહ્યા. અવનીએ આગળ કહ્યું, “આજે આપણે પહેલો સંકલ્પ એ લઈશું કે હંમેશા બધાને મદદગાર થવાની કોશિશ કરીશું. પૈસાનુ મૂલ્ય સમજીને એને બચાવશું અને ખર્ચની અગત્યતા સમજીને જ એને ખર્ચ કરીશું. લોકડાઉન દરમ્યાન રોજીરોટીના ફાંફાં પડ્યા હોય એવો વર્ગ બહુ મોટો હતો તો જેણે બચતનો મહિમા જાણ્યો એ માથું ઉંચકીને ટકી શક્યા એટલે આપણે પણ બચતને મહત્વ આપીશું.
આપણી પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારને ધ્યાનમાં રાખીને આપણે ઘણા સંકલ્પો લેતા હોઈએ છીએ પણ આ વર્ષે કુદરતી આફ્તથી આપણે બચી શકીએ અને અન્યને પણ બચાવી શકીએ એવા સંકલ્પ લઈએ. કુદરત આપણને ઘણું આપે છે પણ આપણે બદલામાં પ્રદુષણ સિવાય શું આપીએ છીએ? કોરોનાકાળના લોકડાઉને આપણને પર્યાવરણની શુદ્ધિની અસર બતાવી, એનું મહત્વ સમજાવ્યું અને એને નજરઅંદાજ કરવાની સજા પણ આપી. તો હવે આપણે પર્યાવરણનું પણ જતન કરવાનો સંકલ્પ લઈએ”.
આલોક આસ્થા અને આરુષ એકસાથે બોલી ઉઠ્યા, “મંજુર…”
બધા નવા વર્ષને આવકારવામાં લાગી ગયા. આલોક આટલી સમજુ અને સુશીલ પત્ની મળવા બદલ મનોમન ઇશ્વરનો આભાર માની રહ્યો. નવા વર્ષની શરૂઆત એ નવા જીવનની શરૂઆત કરવાનો અવસર છે. ઈશ્વર જ્યાં સુધી આ તક આપે છે ત્યાં સુધી આપણે આપણી કમીઓને દૂર કરવાના પ્રયાસ કરીએ એ જ સાચી ઉજવણી છે.
(નીતા સોજીત્રા)