ક્યારે યોગમાં ચમત્કારો થઈ શકે એવું સાંભળ્યું છે? એવું માન્યામાં જ ના આવે, કે એવા તે કેવા ચમત્કારો થઈ શકે? યોગ એટલે આસન, પ્રાણાયામ, શુદ્ધિકરણની પ્રક્રિયા, બંધ અને શરીરમાં રહેલા પાંચ વાયુ. પરંતુ આ બધાની મદદથી ચમત્કાર સર્જી શકાય છે. યોગ સૂત્રમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જરૂરી કામ પતાવી પાછા પોતાના સ્થાને આવી જવું. કોઈ બીજાના શરીરમાં પ્રવેશ કરવાની ક્ષમતા ધરાવવી. અચાનક કોઈ અકસ્માતમાં પાણીમાં ડૂબતા હોઈએ અને એ વખતે શું કરવું તો બચી શકાય. એનો ઉલ્લેખ યોગશાસ્ત્રમાં થયેલો છે. એટલે હવે એ પણ સમજી શકાય કે ઋષિ-મુનિઓ દિવસોના દિવસો સુધી, મહિનાઓના મહિના સુધી, વર્ષો અને સદીઓ સુધી એક જ જગ્યાએ કેવી રીતે સ્થાન ગ્રહણ કરીને બેસી શકે છે!! એ સાધના કરવા બેસે ત્યારે કેમ ઠંડી, ગરમી, વરસાદની અસર એમને નથી થતી? પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે નિયમિત, રોજ, રોજ, રોજ, સાતત્યતા જાળવીને યોગાભ્યાસ કરવામાં આવે ત્યારે. આસનોમાં સ્થિરતા, પ્રાણાયામમાં પ્રાણ પર કાબૂ મેળવતા આવડે ત્યારે કંઈ પણ સિદ્ધ પ્રાપ્ત થાય. એ સિદ્ધિ હાંસલ થઈ જાય પછી આ ચમત્કારો થઈ શકે છે.
वन्धकारणशैथिल्यात्प्रचारसंवेदनाथचित्तस्यपरशरीरावेश: ।।
”બંધનું કારણ શિથિલ થવાથી અને ચિત્તમાં બધાય પ્રચાર સ્થાનોનું એટલે શરીરની નાડીઓનું યથાર્થ જ્ઞાન હોવાથી યોગી “પર” શરીર પ્રવેશ પણ કરી શકે છે”
યોગી એક શરીરમાં રહેતો હોવા છતાં બીજા કોઈના મૃતદેહમાં પ્રવેશ કરીને પણ ગતિ આપી શકે છે. અથવા કોઈ જીવના મનુષ્યના દેહમાં પણ પ્રવેશ કરીને, તથા તેના મન ઈન્દ્રિયોનો અવરોધ કરી કેટલા વખત માટે શરીર મારફત પોતે પણ કામ કરી શકે છે. પ્રકૃતિ અને પુરુષનો વિવેક બરાબર પ્રાપ્ત થયા પછી જ યોગી એ પ્રમાણે કરવા સમર્થ બને છે. તેના શરીરમાં પ્રવેશ કરવાની તેને ઈચ્છા હોય તેના શરીર ઉપર તે સંયમ કરે છે એટલે તરત જ તેમાં પ્રવેશ કરી શકે છે કારણ કે તેનો આત્મા જેમ સર્વવ્યાપક છે, તેમ તેનું મન પણ સર્વવ્યાપી મનનો જ એક અંશ છે. સાધારણ રીતે મન જો કે શરીરની નાડીઓ દ્વારા જ કાર્ય કરી શકે છે, પણ જ્યારે યોગી નાડીઓના બંધનથી પોતાને મુક્ત કરી દે છે- ત્યારે બીજાના શરીર મારફત કામ કરવાની શક્તિ પણ તેને પ્રાપ્ત થઇ શકે છે.આપણે બાળપણથી જ સાંભળતા આવ્યા છીએ કે આપણા દેવતાઓ પણ ક્યારેક બીજાના શરીરમાં પ્રવેશ કરીને કાર્યો કરેલા છે એ વાર્તાઓ સહુ કોઇ જાણે જ છે
उदानजयाज्जऌकङ्कण्टकादिष्वसङ्गउत्क्रान्तिश्र्च ।।
ઉદાનવાયુનો સંયમ વડે જપ કર્યાથી યોગી પાણીમાં તેમજ કાદવમાં ડૂબતો નથી અને કાંટા ઉપર પણ ચાલી શકે છે તથા ઉર્ધ્વગમન પણ કરી શકે છે.
આપણા શરીરમાં પાંચ પ્રકારના વાયુ આવેલા છે દરેક વાયુ એક એનર્જી છે. વાયુ જ શરીરને કામ કરાવે છે અને વાયુનું અમુક ચોક્કસ સ્થાન છે. આપણે જોઈએ કે અપાનવાયુ, સમાનવાયુ, પ્રાણવાયુ, ઉદાન વાયુ, અને વ્યાન વાયુ.
દરેક વાયુના ચોક્કસ સ્થાન છે. એ દરેક સ્થાન વિશે, દરેક વાયુ વિશે અત્યારે વાત નથી કરતા. અત્યારે આપણે માત્ર ઉદાનવાયુ ની વાત કરીએ છીએ. જે નાસિકાના અગ્રભાગેથી માંડીને મસ્તક પર્યંત વાયુને ઉદાનવાયુ કહે છે. અને યોગી જ્યારે તેના આસનો કરે છે, એનું તપ, સ્વાધ્યાય, ધ્યાન, ધારણા કરે છે ત્યારે તેના શરીરનું વજન ઘણું હલકું બની જાય છે. તે પાણીમાં ડૂબી જતો નથી. તેમ કાદવમાં ગરી જતો નથી. તેમ કાંટા ઉપર પણ, તલવારની ધાર ઉપર પણ તે ચાલી શકે છે. વળી અગ્નિની વચમાં તે વગર હરકતે ઊભો રહી શકે છે. અને પોતાની મરજીમાં આવે ત્યારે શરીરનો ત્યાગ પણ કરી શકે છે.
જેમને સિદ્ધિ પ્રાપ્ત કરવી છે જેમને કશુંક મેળવવું છે એ રોજ એકના એક આસનો, એકના એક પ્રણાયામનો અભ્યાસ કરીને, એના તપ કરીને, એનો જપ કરીને જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આપણે સંસારી લોકો રોજ નવા નવા આસનો, રોજ જુદા જુદા પ્રાણાયામ, ધ્યાનના પ્રકારો, શુદ્ધિકરણની પ્રક્રિયા અને બંધના પ્રકારોનો અભ્યાસ કરીએ છીએ. કારણ કે આપણે આપણા શરીર અને મન ઉપર કામ કરવું છે. સિદ્ધિ મેળવવી એટલે- શરીર અને મનથી ઉપરની વાત થઇ છે. જ્યારે આપણે શરીર અને મનને સારી રીતે ટકાવી કામ કરવું છે એટલે રોજ જુદા જુદા આસનો અને રોજ જુદા જુદા પ્રાણાયામ આપણે કરીએ છીએ