ધારી લે કે એ ઘટના જ ન ઘટી હોત, સમય-સંજોગોએ તારી મંઝીલ બદલી ન હોત તો? ‘આલાપ વેડ્સ સ્વરા’ ને બદલે ‘આલાપ વેડ્સ સારંગી’ એમ જ કંકોતરી બની હોત તો? કદાચ, દુનિયા અલગ હોત. જિંદગીના અવિરત પ્રવાસમાં હું તને મારી મંઝિલ માનતી હતી, મારા થાક્યા ચરણનો વિસામો સમજતી હતી, પણ આલાપ, તારા સંજોગો મારું નસીબ બની ગયા. સમયના એ વળાંકે તું વળી ગયો સ્વરા નામની કેડી તરફ અને હું ત્યાં જ ઉભી રહી તારી વાટ જોતી રહી. મારી આસપાસ તારી યાદોનું અને તારા વિચારોનું અડાબીડ જંગલ રચાયું ને બસ, ત્યારથી હું ભટક્યા કરું છું આ જંગલમાં.
પણ ધારો કે એવું કાંઇક થાય કે હું અને તું સમયના અફાટ વિસ્તરેલા આ રણમાં ક્યાંક આમને-સામને થઈ જઇએ તો?
ક્યારેક મારું મન મને આવા ય વિચારો આપે ખરા. વર્ષોથી વિખૂટા પડી ગયેલા હું અને તું સાવ અચાનક ક્યાંક મળી જઈએ ને પછી જે ઘટના ઘટે એની કલ્પનાઓમાં મારા કેટલાય દિવસો ટૂંકા થઇ જાય છે.
જો કે હું જાણું છું કે આવું નહીં જ થાય, આમ છતાં જો આવું કાંઇક થયું તો?
તો-
તું આલાપ, રાઈટ? અને તું સારંગી જ ને? જા, જા, આવા તો કોઈ જ ડાયલોગ ન આવે હોં. મનના અરીસામાં જેને જડી રાખ્યા હોય એને ગમે તેટલા વર્ષેય કાંઈ આવું થોડું પૂછવું પડે? પછી તો આપણે બન્ને વર્ષો પહેલાં મળતા એ હોટેલમાં જઈએ. બહુ ઉત્સાહમાં આવીને ભૂતકાળની આદત મુજબ હું બે ચા ઓર્ડર કરું અને તું મને વચ્ચે જ અટકાવીને એક કોફી ઓર્ડર કરે. હું આશ્ચર્યભાવથી તને તાક્યા કરું અને તું મને કહે, “સારંગી, બદલાતા સમય સાથે મેં કેટલાય સમાધાન કર્યા એમાંનું સૌથી મોટું, સૌથી અઘરું અને સૌથી વધુ પીડાદાયક સમાધાન એટલે આ ચા થી કોફી સુધીની સફર.”
પછી કલાકો સુધી આપણે સમયનું ભાન ભૂલીને આપણે છૂટા પડ્યા પછીના સમયની વાતો કરીએ. ધીમે ધીમે સંધ્યાનું સામ્રાજ્ય છવાય અને ફરી આપણે છૂટા પડીએ.
કલ્પનામાં અલગ પડતી વખતે આ વાત હું તને કહી રહી છું કે, બદલાવ તો જીવનનો ક્રમ છે. તારું ચા થી કોફી સુધીનું સમાધાન એ માત્ર આદતનું-વ્યસનનું સમાધાન છે. વ્યસન તો બન્ને છે. તું ફક્ત મીઠાશથી ઉબાઈ ગયાનો વિચાર લાવીશ તો કોફીની કડવાશ તને ગમશે.
પરંતુ સાથે સાથે મારી જાતને હું એ પણ કહું છું કે, ચા થી કોફી સુધીનું તારું સમાધાન એ માત્ર વ્યસનનું સમાધાન નથી, હકીકતમાં તો એ સપનાઓનું હકીકત સાથે સમાધાન છે. ભૂતકાળનું વર્તમાન સાથે સમાધાન છે અને ચાહતનું મુકદ્દર સાથે સમાધાન છે.
(લેખિકાઃ નીતા સોજીત્રા)