જૂનાગઢ: ગુજરાતના જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવકનો શ્રી ગણેશ થઈ ગયો છે. આ સિઝનની શરૂઆતમાં 200 થી 300 બોક્સની આવક નોંધાઈ છે, જે કેરીના શોખીનો માટે આનંદના સમાચાર છે. ઉનાળાની શરૂઆત સાથે જ લોકો આતુરતાથી કેરીની રાહ જોતા હોય છે, અને આ વખતે તાલાળાની કેસર કેરી વેચાણ માટે યાર્ડમાં પહોંચી છે. હરાજીમાં 10 કિલોના બોક્સનો ભાવ 1000 થી 1500 રૂપિયા સુધી મળ્યો છે. જોકે, નિષ્ણાતોના મતે, ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણની અનિશ્ચિતતાને કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ ઓછું રહેવાની શક્યતા છે.
બીજી તરફ, અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પણ કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. અમરેલી, જે કેસર કેરીના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર ગણાય છે, ત્યાં કેસર અને હાફૂસ કેરીની પધરામણી થઈ છે. અહીં બે ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ, જેનો ભાવ 3000 થી 5500 રૂપિયા સુધી બોલાયો, જ્યારે સરેરાશ ભાવ 4800 રૂપિયા રહ્યો.
છેલ્લા 8-10 વર્ષથી ગ્લોબલ વોર્મિંગની અસર કેસર કેરીના ઉત્પાદન પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વારંવાર મોર ફૂટવા, કમોસમી વરસાદ અને રોગજન્ય જીવાતોના કારણે ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. જોકે, સરકાર દ્વારા મગફળી જેવા પાકો માટે વળતર આપવામાં આવે છે, પરંતુ કેસર કેરીના ખેડૂતો માટે આવી કોઈ નીતિ હજુ સુધી જોવા મળી નથી.
