નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં એનડીએની બમ્પર જીતની જાહેરાત કરી રહેલા એક્ઝિટ પોલના પરિણામોએ વિપક્ષી દળોની બેચેની વધારી દીધી છે. એક્ઝિટ પોલના તારણો સામે આવ્યા પછી રાજનૈતિક માહોલ ગરમાયો છે. ખાસ કરીને વિપક્ષમાં હલચલ વધી ગઈ છે. વિપક્ષી દળોની આશા છે કે 23 મેના રોજ આવનારું પરિણામ એક્ઝિટ પોલ કરતા અલગ રહેશે. આ જ વાતને લઈને વિપક્ષી દળો અત્યારે રણનીતિ બનાવવાના કામે પણ લાગ્યા છે. વિપક્ષી નેતાઓનો પ્રયત્ન છે કે જો ભાજપ કે એનડીએને ધાર્યા કરતાં ઓછી બેઠક મળે અને એ બહુમતીથી દૂર રહે તો પછી ત્રીજા મોરચાની સંભાવના પર પણ વિચાર કરી શકાય છે.
આ વાતને લઇને રાજધાનીમાં આજ સવારથી જ વિપક્ષી નેતાઓના કેમ્પમાં ભારે દોડધામ મચી છે.
આજે સવારે અખિલેશ યાદવ માયાવતીને મળવા માટે પહોંચ્યા હતા. બંન્ને નેતાઓ વચ્ચે આશરે 1 કલાક સુધી ચર્ચા ચાલી હતી. એક્ઝિટ પોલ્સમાં ઉત્તર પ્રદેશમાં એસપી-બીએસપીનું મહાગઠબંધન બીજેપીને મોટુ નુકસાન પહોંચાડતું દેખાતું નથી. પ્રાપ્ત વિગતો અનુસાર ચંદ્રાબાબુ નાયડૂ આજે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે. બીજી બાજુ એનસીપી ચીફ શરદ પવાર પણ વિપક્ષી નેતાઓને સાથે લેવા માટે એક્ટિવ થઈ ચૂક્યા છે. તો કોંગ્રેસમાં પણ પરિણામ આવ્યા બાદ સ્થિતી પર મંથન કરવા માટેના કામમાં લાગેલી છે.
શરદ પવાર ક્ષેત્રીય દેળોના નેતાઓનો પણ સંપર્ક કરી રહ્યા છે. માનવામાં આવી રહયું છે છે કે જો 23 મેના રોજ પણ પરિણામો અલગ આવ્યા તો બીજેપીને સરકાર બનાવવાથી દૂર રાખવા માટે વિપક્ષી દળ સંયુક્ત સરકાર બનાવવાની રણનીતિ પર કાર્ય કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર નાયડૂ આજે સાંજે ચાર વાગ્યે મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે અને બેઠકમાં રિઝલ્ટ બાદની ભાવી યોજના પર વાત થઈ શકે છે.
રવિવારના રોજ તમામ એક્ઝિટ પોલમાં મોદી સરકારના બહુમત સાથે વાપસીનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે વિપક્ષી દળ એક્ઝિટ પોલના પરિણામોને ફગાવી રહ્યા છે અને કેન્દ્રમાં સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. સુત્રો અનુસાર એક્ઝિટ પોલ બાદ કોંગ્રેસનું મંથન પણ ચાલુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મળીને પરિણામ બાદની સ્થિતી પર વાત કરી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એનસીપી ચીફ પવાર ઓડિશાના સીએમ નવીન પટનાયકના સંપર્કમાં છે. અત્યારસુધી પટનાયકે હજીસુધી પોતાનાં પત્તા નથી ખોલ્યા. બીજેપીએ પહેલાથી જ પટનાયક પર સોફ્ટ વલણ અપનાવ્યું છે. એવામાં પવાર પટનાયકના સંપર્કમાં હોવાના સમાચારોએ સસ્પેન્સ વધારી દિધું છે. જગન અને પટનાયકનું વલણ હજીસુધી બીજેપી માટે સોફ્ટ રહ્યું છે.
(ફાઈલ ફોટો)
આ વચ્ચે એવા પણ સમાચારો સામે આવ્યા છે કે યૂપીએ ગઠબંધન પરિણામોમાં પછડાટ ખાય છે તો ત્રીજા મોરચાની કવાયતને ફરીથી શરુ કરવામાં આવી છે. આ સ્થિતીમાં ત્રીજો મોરચો કોંગ્રેસના નેતૃત્વ વાળા યૂપીએ ગઠબંધન સાથે સરકાર બનાવવાનો પ્રયત્ન કરી શકે છે. તેલંગાણાના મુખ્યપ્રધાન કેસીઆર સતત ત્રીજો મોરચો બનાવવાના પ્રયત્નોમાં જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ આવેલા તમામ એક્ઝિટ પોલે બીજેપીના નેતૃત્વ વાળી એનડીએને પૂર્ણ બહુમતની સરકાર બનાવવાનું અનુમાન લગાવ્યું છે.
(ફાઈલ ફોટો)
એક અહેવાલ પ્રમાણે એનડીએના નેતાઓ પણ પરિણામોની ચર્ચા કરવા આજે સાંજે ડીનર પર મળી રહયા છે. 23 મે ના રોજ પરિણામો જાહેર ન છાય ત્યાં સુધી રાજધાનીમાં આવી રાજકીય હલચલ જોવા મળી શકે છે.