આ બેઠક આઝાદી પછીથી સતત નવ વખત કૉંગ્રેસના કબ્જે રહી, પણ એ પછીની સાત ચૂંટણીમાં અહીં ભગવો લહેરાયો છે. અત્યારે ભાજપ માટેની સૌથી સલામત બેઠકોમાંની એક બેઠક જામનગરની છે. અહીં કૉંગ્રેસના બે મજબુત ધારાસભ્યોને તોડી ભાજપે પક્ષમાં સમાવી લીધા છે.
1989થી 1999 દરમિયાન થયેલી પાંચેય લોકસભા ચૂંટણીમાં ભાજપના ચંદ્રેશકુમાર પટેલે અહીં વિજય મેળવ્યો હતો, એ પછી 2004 અને 2009માં આ બેઠક ફરી કૉંગ્રેસના કબ્જે ગઈ ને આહિર પ્રતિનિધિ વિક્રમ માડમ વિજયી બન્યા, પણ 2014માં ભાજપનાં પૂનમ માડમે એમના જ કાકા વિક્રમ માડમને પોણા બે લાખ મતોથી પરાજય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2014માં મતદાન પછી પરિણામ પહેલાં જ કૉંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે પોતાની હાર સ્વીકારી લીધી હતી. આ વખતે વિક્રમભાઈએ સામેથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.
જોકે ગ્રામ્ય વિસ્તારમાં કૉંગ્રેસનું થોડું પ્રભુત્વ છે. કુલ 16,36,110 મતદાતોઓમાંથી આશરે 2,50,000 પટેલ, 1,79,000 મુસ્લિમ, 1,63,000 આહિર અને 1,60,000 દલિત મતદારો છે. આ લોકસભા મતવિસ્તારમાં કાલાવાડ, જામનગર(ગ્રામીણ), જામનગર(ઉ), જામનગર(દ), જામજોધપુર, ખંભાળિયા ને દ્વારકા વિધાનસભા બેઠકો સમાયેલી છે, જેમાંથી ત્રણ ભાજપ અને ચાર કૉંગ્રેસ પાસે છે. અહીંના કુલ મતોની સરસાઈમાં ભાજપ કૉંગ્રેસ પર દસેક હજારની લીડ ધરાવે છે.
ભાજપે પૂનમ માડમને જ ફરી ટિકિટ આપી છે તો કૉંગ્રેસ તરફથી પહેલાં આ બેઠક પર હાર્દિક પટેલના નામની ચર્ચા હતી, પણ હાર્દિકનું ચૂંટણી લડવાનું હાલ કાયદાકીય રીતે શક્ય ન હોવાથી કૉંગ્રેસે પણ આહિર અગ્રણી મૂળુ કંડોરિયાને મેદાનમાં ઊતાર્યા છે.
આ વખતે અહીં 28 ઉમેદવારો ચૂંટણીમાં ઊભા છે, જે એક બેઠક પર સૌથી વધુ ઉમેદવારીમાં રાજ્યમાં સેકેન્ડ હાઈએસ્ટ છે.