નિયમથી ન જીવીએ તો આરોગ્યની અનેક સમસ્યાઓ નડે

યમ અને નિયમ અષ્ટાંગયોગનું પહેલું અને બીજું ચરણ. નિયમમાં – શૌચ, સંતોષ, ઈશ્વરપ્રાણધાન, તપ અને સ્વાધ્યાય. નિયમ એટલે શું? આચારસંહિતા માત્ર ચૂંટણી આવે એટલે જ લાગુ પડે એવું નહીં. આચારસંહિતા જીવનમાં પણ હોવી જોઈએ. જો નિયમથી ન જીવીએ તો માનસિક અને શારીરિક રીતે તંત્ર ખોરવાઈ જાય. સરળ ઉદાહરણ લઈએ તો રોજ સવારે સ્નાન કરવું. આ શું છે નિયમ છે – શૌચ છે, શુદ્ધિ છે. જો એમ ન કરીએ તો પહેલા શરીર બગડે પછી મન પણ બગડે. જીવનમાં આપણા માટે જરૂરી હોય તે બધા નિયમો, મૂલ્યો પાળવા જોઈએ. મહાન આદર્શો જીવનને તેજસ્વી, નિર્મળ, પવિત્ર અને દીવ્ય બનાવે છે. કોઈ પણ પ્રકારના ધ્યેય વિનાના કાર્યો અને પ્રાર્થનાનું કોઈ મૂલ્ય નથી. તપ વિનાનું જીવન પ્રેમ વિનાના હૃદય જેવું છે. તપ વિના મન પરમાત્મા સુધી પહોંચી શકતું નથી. તપના ૬ પ્રકાર છે – કાચિક (શરીરનું તપ)*, વાચિક (વાણીનું તપ) અને માનસિક (મનનું તપ).

* બ્રહ્મચર્ય, અહિંસા, શ્રમ કરવો એ શરીરનું તપ છે. આળખ, પ્રમાદ, ચિત્તવિજ્ઞેપમાં અટવાઈ જઈએ તો એ તપ ન કહેવાય.

* કોઈની નિંદા ન કરવી, સત્ય બોલવું, મધુર બોલવું એ વાણીનું તપ છે. જો એમ ન કરીએ તો કજિયો, કંકાસ, અશાંતિ પ્રસરી જાય.

* મન સદા શાંતિમાં, આનંદમાં રહે તેવી વૃત્તિ કેળવવી. સુખ અને દુઃખમાં સમતા રાખવી. આત્મસંયમ જાળવવો એ મનનું તપ છે.

પરંતુ અત્યારના આ સંક્રમણ કાળમાં શેની જરૂર છે? તો જરૂર છે નિયમની, તપ, સ્વાધ્યાયની. સ્વાસ્થ્ય સારું રાખવા રોજ યોગ, કસરત કરવા, ચાલવા જવું, કોઈ રમતનો શોખ કેળવવો જોઈએ જેનાથી શારીરિક અને માનસિક બંને રીતે લાભ થાય. અત્યારે જે વાઈરસ હુમલો કરે છે તે ગળામાં કે ફેફસાંમાં કે ઘણાને મગજમાં કે ઘણાને પેટ સુધી પહોંચી જાય છે. તેથી આપણા શરીરની રચનાને સમજીએ અને કયા પ્રાણાયમ ઉપયોગી છે તે જાણીએ.

માનવ શ્વસનતંત્રમાં બે ફેફસાં છે. જમણા ફેફસાને ત્રણ ખાના હોય છે અને ડાબા ફેફસાને બે. ફેફસાં એ શ્વસનતંત્રના મુખ્ય અવયવો છે. ફેફસાંથી શરીરમાં ઓક્સિજન લાવવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે. લાલ રક્તકણો ફેફસાંમાંથી ઓક્સિજન લઈ શરીરના તમામ કોષોમાં ઓક્સિજન વહન કરવા માટે જવાબદાર છે. શરીરના કોષોને ઓક્સિજન આપે છે.

ફેફસાંની અંદર નાના એર કોથળા છે. જ્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વિનિમય થાય છે.

આપણી આજુબાજુ જે હવા છે તે બધી હવા એ બધો ઓક્સિજન નથી. એ હવાને નાક વાટે અંદર લઈએ છીએ. તેમાંથી 21% જ ઓક્સિજન છે. એટલે જ ઊંડા શ્વાસ લેવાનું યોગમાં કહેવામાં આવે છે. અત્યારના સમયમાં હું યોગના વર્ગમાં રોજ કહું છું કે બે વસ્તુ ખાલી કરવાની જરૂર છે. જો એ બે વસ્તુ ખાલી કરતાં આવડી જાય તો જીવન માણી શકાય. પહેલું, શ્વાસને ખાલી કરો. બને એટલો વધારે શ્વાસ કાઢો તો નવો ભરાઈ શકશે. એટલે ઊંડો શ્વાસ લેવો હોય તો પહેલા વધારે શ્વાસ બહાર કાઢવાનો.

બીજું ખાલી કરવાનું, આપણું મન. મન પર ભાર લઈને ફરવું ન જોઈએ. મનમાં રહેલા ઉદ્વેગ, ચિંતા, ક્રોધ, અદેખાઈ – આ બધું ખાલી કરી નાખો. કાઢી નાખો. પછી જુઓ મન શાંત અને પ્રફુલ્લિત થઈ જશે. મન સારું એનું શરીર પણ સારું જ હોય. માટે જ પ્રાણાયમમાં exhalation વધારે કરવું. એનાથી inhalation આપોઆપ વધી જશે. બીજું, બને એટલું ડાબા પડખે સૂવું. જેથી સૂર્યનાડી સક્રિય થઈ જાય છે. સૂર્યનાડી શરીરમાં ઊર્જા લાવે છે. આ બધામાં એક ત્રીજું અવયવ પણ મહત્ત્વનું છે અને તે છે, ડાયાફાર્મ, જે ફેફસાંની નીચેના ભાગમાં આવેલા છે. શ્વાસ લો ત્યારે એ નીચે નમે છે અને શ્વાસ બહાર કાઢો ત્યારે સપાટ થાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.

એટલે જ યોગમાં ટટ્ટાર બેસવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જે આગળ નમીને, ખભા આગળ રાખીને, ખૂંધ કાઢીને બેસે છે તેમને ગેસની તકલીફ વધારે થાય છે. કારણ કે ડાયાફાર્મ બરાબર કામ નથી કરતા. આસનમાં અમુક એવી પોઝિશન હોય છે કે જે ફેફસાંને પહોળા કરે છે અને ઊંડા શ્વાસ લેવામાં મદદરૂપ થાય.