અમદાવાદ– અમદાવાદથી ડાકોર જવાનો માર્ગ પગયાત્રીઓથી ઉભરાયો છે. ઠેરઠેર સેવાના કેમ્પ અને પદયાત્રીઓ જય રણછોડ માખણચોર બોલતાં બોલતાં ડાકોર જવા નિકળ્યા છે. માત્ર અમદાવાદ નહી, પણ ગુજરાતમાંથી પદયાત્રીઓ ડાકોર પગપાળા જઈ રહ્યા છે. ફાગણ સુદ પુનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડ સાથે હોળી રમવા અને દર્શન કરવા માટે લાખો ભાવિક ભક્તોએ ડાકોરની વાટ પકડી છે. દર વર્ષે લાખો વૈષ્ણવો ડાકોરમાં રાજા રણછોડના દર્શન કરીને ધન્ય બને છે, તેવી જ રીતે આ વર્ષે પણ પગપાળા જનારા ભક્તોની સંખ્યા વધી છે.
અમદાવાદથી ડાકોર જવાના માર્ગ પર જય રણછોડ… જય રણછોડ બોલતાં જાવ અને ચાલતા જાવ… નો નાદ સંભળાઈ રહ્યો છે. ડાકોરના ઠાકોર રાજા રણછોડરાય સાથે હોળી રમવી અને તેનો લહાવો લેવો અનન્ય હોય છે. કેટલાય ભાવિક ભકતો ભક્ત બોડાણાને યાદ કરીને પગપાળા ડાકોર દર્શન કરવા ઉપડી જાય છે.
પગપાળા ડાકોર જતા હરીભક્તોની સેવા કરવા માટે રસ્તામાં અનેક સેવાભાવી લોકો દ્વારા વિવિધ પ્રકારના કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા છે. આ કેમ્પમાં શુદ્ધ અને સાત્વીક ભોજન, છાશ, ફ્રુટ, ચા-પાણી અને નાસ્તા સહિતની સુવિધાઓ પદયાત્રીઓને વિનામુલ્યે આપવામાં આવે છે. કહેવાય છે કે મનુષ્ય સેવા એ જ પ્રભુ સેવા, આ જ વાતને ચરીતાર્થ કરતા સેવાભાવી લોકો અનેક રૂપે પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. પદયાત્રીઓના આરોગ્યને જો કોઈ અસર પહોંચી હોય તો તેમના માટે ખાસ આરોગ્ય કેન્દ્રો પણ પદયાત્રાના માર્ગમાં ઉપ્લબ્ધ છે. અહીંયા હોમીયોપેથી, એલોપેથી, અને આયુર્વેદિક દવાઓની સેવા પુરી પાડવામાં આવે છે.
અમદાવાદથી ડાકોર જવાનો આખો માર્ગે અત્યારે જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યો છે. ડાકોરના રાજા રણછોડરાય સાથે હોળી રમવા માટે ભક્તો અનન્ય ઉત્સાહ સાથે પગપાળા ડાકોર જવા માટે નીકળ્યા છે. કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એવી જ રીતે ભક્તોના મનમાં પણ એક જ ખેવના છે અને એ છે શ્રી હરીના દર્શન કરવાની, મુખમાં એક જ નામ છે જય રણછોડ માખણ ચોર, અને હ્યદયમાં એક જ વસ્તુ છે અને એ છે શ્રી હરી પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને પ્રેમ. આમ ઈશ્વર સાથે બંધાયેલા પ્રેમના બંધનના કારણે લાખો હરીભક્તો ડાકોર પગપાળા નીકળ્યા છે. અને હોળીના દિવસે આ તમામ હરીભક્તો ડાકોર પહોંચી શ્રી હરી સાથે ફાગણનો આ પવિત્ર અવસર ઉજવશે.
અહેવાલ- હાર્દિક વ્યાસ