કપરી સ્થિતિમાં મનોબળ કેવી રીતે મજબૂત કરવું?

કેમ છો? ચાલો એ કહો કે છેલ્લા એક વર્ષમાં કેટલી તણાવપૂર્ણ ઘટનાઓનો તમે સામનો કર્યો છે? કોરોના, તાવ, હોસ્પિટલ, ઓક્સિજન, પ્રાણવાયુ આ બધાની અછત માંથી પસાર થવું પડયું છે? તો આવી તણાવગ્રસ્ત સ્થિતિમાં જ્યારે વ્યક્તિ હોય ત્યારે Dr.Hans selye ના કહેવા પ્રમાણે મનમાં એક અલાર્મ વાગે છે કે આ જોખમ આવી પડ્યું છે તેમાંથી ભાગી જવું છે કે સામનો કરવો છે.

હવે જો આ પરિસ્થિતિમાંથી દૂર ભાગવાનો વિચાર કરીએ તો વધારે ને વધારે એમાં સંપળાતા જઈએ. જેમ કાદવમાં પડ્યા હોઈએ તો જેટલા વધારે હાથ-પગ હલાવી બહાર નીકળવાના પ્રયત્નો કરીએ એટલાં અંદર ખુપાતા જઈએ એવી રીતે. એટલે બીમાર પડ્યા, શું થશે? કેવી રીતે આમાંથી બહાર નીકળી શું?  પેલાની તબિયત બગડતી જાય છે, મારી  સાથે પણ આવું જ થશે ને ઉધરસ વધી ગઈ, ઊંઘ હરામ થઈ ગઈ અને બ્લડ પ્રેશર વધી ગયું, હ્રદયના ધબકારા વધી ગયા, ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ તકલીફ વધી, રોગપ્રતિકારક શક્તિ ઘટી વગેરે વગેરે….. આ બધું માત્ર મનમાં આવેલા પેલા નકારાત્મક વિચારથી જ થયું.

કાલ્પનિક તકલીફો પ્રત્યક્ષ જોવા લાગ્યા ને તબિયત વધારે બગડી. પરંતુ જે બીજો રસ્તો છે કે સામનો કરવો, લડત આપવી. તો ઉધરસ છે પણ એની સામે વિચાર આવ્યો કે દવા લીધી છે સારું થઈ જ જશે મારે ક્યાં કોઈ તકલીફ લાંબી ચાલે છે. તાવ આવ્યો છે પણ મટી જશે, મને કંઈ ચિંતા નથી. ભગવાન છે ને બધું બરાબર કરશે. પ્રતિબદ્ધતા નિયંત્રણ અને પડકાર આ ત્રણ ગુણો દરેકે પોતાનામાં વિકસાવવા જેવા છે.  લાંબા અને સુખી જીવન માટેનું વિજેતા સંયોજન છે.

ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च

તેથી ( ઇન્દ્રિયજયથી ) મનાયિત્વ એટલે દેહને પણ મનના જેવા વેગ, વિકરણભાવ એટલે ઇન્દ્રિયોને દેહ વિના પણ ઈચ્છિત દેશકાળમાં સ્વતંત્રપણે કામ કરવાની શકિત અને પ્રધાન એટલે તમામ પ્રકૃતિ ઉપર વિજ્ય પ્રાપ્ત થશે.

પડકાર ઝીલવા એટલે મનોબળ ખૂબ મજબૂત હોવું. Willpower , inner strength , આ બધા ગુણો હોય, ત્યારે જીવનનો કપરો સમય તમે ડગ્યા વિના, અડગ રહી, સારી રીતે પસાર કરી શકો. આ ગુણો આવે કેવી રીતે? તો એનો જવાબ છે – નાના નાના સંકલ્પો કરીને, એને પાળીએ એટલે મનોબળ મજબૂત થાય. દાખલા તરીકે- કાલે સવારે મારે જમવું નથી, એક ભોજન skip કરું. સાંજે જમીશ,એકવાર કરીશ. શું થશે? સમય પ્રમાણે ભૂખ તો લાગશે પણ તમે સંકલ્પ કર્યો છે કે નહીં જમવું  એટલે એમાં તમે ટકી ગયા, મનોબળ મજબૂત થઈ ગયુ.

એવું જ યોગમાં છે- કોઈ આસન કરીએ, એમાં પાંચ મિનિટ રોકાવાનો સંકલ્પ કરીએ, હાથ-પગ, શરીરના અંગોમાં દુખાવો થશે, શરીર ધ્રૂજે શરૂઆતમાં પણ ધીમે ધીમે શરીરના મસલ્સને આદત પડી જશે અને આ આસનમાં તમે ટકી શકશો. અથવા તો ધ્યાનમાં ક્યારેય બેઠા જ ન હોઇએ, પરંતુ આજે તો દસ મિનિટ આંખો બંધ રાખવી છે. ધ્યાનમાં બેસવું છે. ધ્યાન લાગે- ન લાગે, વિચારોનું ઘોડાપૂર આવે, પણ આંખ બંધ રાખી સ્થિર બેસીએ ત્યારે મનોબળ મજબૂત થઈ જાય. એટલે એનો બીજો અર્થ એ થયો કે આપણે આપણી ઇન્દ્રિયો ઉપર ધીમેધીમે વિજય પ્રાપ્ત કર્યો.

सच्चपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्व ज्ञातृत्वं ।।

પુરુષ અને બુદ્ધિના એકબીજાથી જુદાપણા ઉપર સંયમ કરવાથી સર્વ વસ્તુઓનું અધિષ્ઠાતાપણુ તથા સર્વશતા પ્રાપ્ત થાય છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)