ગાધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગ થનારા 3550 જેટલા વીવીપેટ મશીનોને ચૂંટણી આયોગે ક્ષતિગ્રસ્ત ગણાવ્યા છે. સૌથી વધારે ખરાબ વીવીપેટ મશીનો જામનગર, દેવભૂમી દ્વારકા અને પાટણ જિલ્લામાં મળ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 70,182 વીવીપેટ મશીનો ચૂંટણીમાં ઉપયોગમાં લેવાશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બીબી સ્વૈને જણાવ્યું કે ખરાબ મશીનોને તેના કારખાનામાં પાછા મોકલવામાં આવશે. જે મશીનોમાં ખામી બહાર આવી છે તેને જલદી જ રીપેર કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર વીવીપેટ મશીનોમાં સેન્સર કામ ન કરવા, પ્લાસ્ટિકની બોડી તૂટેલી હોવી, અને મતદાન પેટીને ઈવીએમ સાથે જોડવામાં સમસ્યા સર્જાવી તેવી તકલીફો પ્રકાશમાં આવી છે. ચૂંટણી આયોગે મતદાન દરમિયાન ખરાબ થનારા વીવીપેટ મશીનને બદલવા માટે 4150 જેટલા મશીનો વધારે મંગાવ્યા છે. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા સીટો છે અને બે ચરણમાં મતદાન થશે.