ગેંગસ્ટર ગોલ્ડી બરાડ મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ, માહિતી આપનારને કરોડોનું ઇનામ

અમેરિકાની તપાસ એજન્સી FBIએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી ગોલ્ડી બરાડની ધરપકડ માટે 10 લાખ ડોલર (આશરે ₹9.26 કરોડ)ના ઇનામની જાહેરાત કરી છે. FBIએ 28 સપ્ટેમ્બર, 2026ના રોજ સતવિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડને પોતાની મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં સામેલ કર્યો હતો. આ યાદીમાં સ્થાન મેળવનાર તે 543મો ભાગેડુ છે. FBIના જણાવ્યા અનુસાર, ગોલ્ડી બરાડ ઉત્તર અમેરિકામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો કથિત મુખ્ય સભ્ય છે. આ ગેંગ પર અમેરિકા અને કેનેડામાં હત્યા, ગોળીબાર, અપહરણ, ખંડણી અને ડ્રગ્સ તથા હથિયારોની દાણચોરી જેવા ગંભીર ગુનાઓમાં સામેલ હોવાના આરોપ છે.

FBIના જણાવ્યા અનુસાર, ગોલ્ડી બરાડ વિરુદ્ધ અમેરિકાની ફેડરલ કોર્ટમાં સંગઠિત ગુનાહિત ગેંગ ચલાવવાનું કાવતરું, ખંડણી અને ડ્રગ્સના વિતરણના કાવતરા સહિતના ગંભીર આરોપો નોંધાયેલા છે. 7 જુલાઈ, 2026ના રોજ ‘ઓપરેશન હાર્ડબોલ’ હેઠળ ત્રણ આંતરરાષ્ટ્રીય ગુનાહિત ગેંગ સાથે સંકળાયેલા 37 લોકો વિરુદ્ધ આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. તેમાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડની ગેંગના સભ્યોનો પણ સમાવેશ થાય છે.

કેનેડાએ પણ જાહેર કર્યું 1.7 કરોડ રૂપિયાથી વધુનું ઇનામ

બીજી તરફ, કેનેડાએ પણ ગોલ્ડી બરાડને દેશના 25 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં પ્રથમ સ્થાન આપ્યું છે. કેનેડાના ‘બોલો પ્રોગ્રામ’ દ્વારા તેની ધરપકડમાં મદદરૂપ માહિતી આપનારને 2.5 લાખ કેનેડિયન ડોલરનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઇનામની સમયમર્યાદા 2 નવેમ્બર, 2027 સુધી રાખવામાં આવી છે.
કેનેડાની વિનિપેગ પોલીસને 20 સપ્ટેમ્બર, 2023ના રોજ થયેલી સુખદૂલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુનેકેની હત્યાના કેસમાં ગોલ્ડી બરાડની શોધ છે. આ હત્યા મામલે 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ગોલ્ડી બરાડ અને કરણબીર સિંહ વિરુદ્ધ ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાનું કાવતરું ઘડવાના આરોપસર ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યા હતા.