ગાંધીનગર– ગુજરાતમાં આગામી ૯ ડિસેમ્બરના રોજ યોજનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા તા.૧૪ નવેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસ પક્ષ પોતાના પક્ષના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી શનિવાર મોડી સાંજ સુધી સતાવાર જાહેરાત કરવામાં આવશે. ભાજપની 70 ઉમેદવારોના નામની પ્રથમયાદી શુક્રવારે જાહેર થઈ ચૂકી છે.વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતમાં કરેલ ઝંઝાવતી પ્રચાર–મુલાકાત ભાજપ માટે ખતરારૂપ સાબિત થઈ રહી છે. રાહુલ ગાંધી દ્રારા આ વખતે રાજયના જુદા જુદા સંપ્રદાયના તીર્થમંદિરોની મુલાકાત પણ ચર્ચાનો મુદો બની ગયો છે. કોગ્રેસ પક્ષ આ વખતે રાજયમાં મધ્યમવર્ગ અને હિંદુત્વની દિશામાં ધ્યાન આપી પ્રગતિ કરતી દેખાઈ રહી છે. રાહુલ ગાંધીની આ તમામ મુલાકાતમાં ક્યાંય પણ કઈ અજુગતું બોલાઈ ના જવાય અને ભાજપ પક્ષને ફાયદો થાય, તેનું ધ્યાન પણ ચોક્કસ રાખવામા આવી રહ્યું છે અને પક્ષના કાર્યકરોને પણ સંયમ જાળવવા તાકીદ કરવામાં આવી છે.ગુજરાતમાં આ વખતે રાહુલ ગાંધીને પ્રજા દ્વારા મળેલ સાથ કોંગ્રેસનાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ આ વખતે ૧૩૦ કરતાં વધારે નવા ચહેરા ઉતારવાના મૂડમાં છે અને ખાસ કરીને યુવા વર્ગને વધુને વધુ તક મળે તેમજ તમામ જ્ઞાતિને પૂરતો ન્યાય મળે તે દિશામાં ચોક્કસ ગંભીરતાપૂર્વક વિચાર કરી લેવામાં આવ્યો છે.