આજે સવારથી જ મોહા દીવા, તોરણ, મીઠાઈ અને રંગોળીથી દિવાળીને વધાવી રહી હતી. મનમાં નક્કી જ હતું કે સાંજે તો પૂરા વિધિ-વિધાન સાથે પૂજા પણ કરવી છે. પૂજાની બધી સામગ્રી પણ તૈયાર કરી રાખી હતી.
મોહા અત્યંત ઉત્સાહી હતી. મોહિત પણ મોહાની સમજણ અને એના ઉત્સાહને કાયમ સરાહતો. મોહા જેટલી ઉત્સાહી હતી એટલી જ એ પરદુખભંજન પણ ખરી. બીજાને તકલીફમાં જોઈને એની આંખો છલકાઈ જતી. અત્યંત પરગજુ, સાલસ અને સંસ્કારી પત્ની મળ્યા બદલ મોહિત હંમેશા ઈશ્વરનો ઉપકાર માનતો છતાં મોહિતને આજે આશ્ચર્ય એ વાતનું હતું કે આટલા વર્ષોમાં પહેલીવાર મોહાએ આર્ટિફિશિયલ દીવા મંગાવ્યા હતા. મીણબત્તી અને સેલ વાળા ઇલેક્ટ્રિક દિવાથી આખું ઘર પ્રકાશિત કરવાની મોહાની જીદ સામે મોહિત ઝૂકી ગયો કેમ કે એ સમજતો હતો કે મોહા- કે જે તહેવાર અને એની સાથે જોડાયેલા રિત-રીવાજોને આટલું મહત્વ આપે છે એ જ્યારે આર્ટિફિશયલ દીવા મંગાવે ત્યારે કોઈ તો રહસ્ય હોય જ. દર વર્ષે દિવાળીના દિવસે 108 દીવાથી આખું મંદિર શણગારનાર મોહા કાયમ કહેતી,” દિવાળીના દિવસે તો તેલના દિવા જ હોય.
આર્ટિફિશિયલ દીવાથી તમે ઘર અજવાળી શકો, પરંતુ આત્માના અંધકારને દૂર કરવા તો સૂતરની વાટને તેલમાં ડૂબાવીને પ્રગટાવેલો સાચો દીવો જ જોઈએ.”
મોહિત આર્ટિફિશયલ દિવા અને મીણબત્તીઓ લઈને આવ્યો પછી મોહાને પૂછ્યું, “મોહ, તેલના સાચા દિવાને આટલું મહત્વ આપનાર તું આ વખતે આર્ટિફિિશયલ દીવા પ્રગટાવીશ? મને આ નથી સમજાતું.” મોહાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા,એ બોલી “મોહિત, આ વર્ષે કોવિડ-19ના લીધે હજારો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે, લાખો લોકોના ઘરમાં એક ટાઇમનું ભોજન બનાવવાના ય પૈસા નથી અને આપણે લક્ષ્મીજીને રીઝવવા તેલના કોડિયા કરીએ ? અરે, ઘરની રોશની તો ઇલેક્ટ્રિક દિવાઓથી પણ કરી શકાશે પણ આ 108 કોડિયાનું તેલ બચાવીને ફક્ત 8 જ પરિવારના પેટનો અગ્નિ બુઝાવી શકીએ એ કરવાની આપણી ફરજ નથી? ઈશ્વર કેટલે પહોંચશે? થોડું આપણે એના કામમાં પણ સહાયરૂપ થવું જોઈએ.
મોહિત એકદમ ખુશ થઈ મોહાને આલિંગન આપતા બોલ્યો, “મોહ, હું અને આપણાં બાળકો. ખૂબ કિસ્મતવાળા છીએ કે અમારા જીવનમાં તારા જેવી પરગજુ સ્ત્રી આવી છે”. એ સાંજે વિધિવત રીતે પૂજન પણ કરવામાં આવ્યું પણ પૂજાના સમયે મોહાએ બન્ને બાળકોને પાસે બોલાવી દિવાળીની પૂજાનો મહિમા સમજાવતા કહ્યું, ‘ જુઓ બાળકો, દિવાળીની રાત્રે બધાજ લક્ષ્મીપૂજન કરતા હોય છે. આ દિવસે લક્ષ્મીનું પૂજન કરવાથી સદાય ઘર અને વ્યવસાયના સ્થળે લક્ષ્મીજીનો વાસ રહે છે એવુ માનવામાં આવે છે પણ બાળકો, મને મારા મમ્મી-પપ્પાએ શીખવ્યું છે એ મુજબ આજ સુધી હું જે પૂજા કરતી આવી છું એ હું તમને શીખવી રહી છું. આપણાં ઘરમાં મેં દર દિવાળીએ સરસ્વતીનું જ પૂજન કર્યું છે.
દીપાવલીની મંગલકામના.