મહેશ ભટ્ટની ‘નામ’ થી સલીમ ખાનનું નામ થયું

સંજય દત્ત અને કુમાર ગૌરવની ફિલ્મ ‘નામ’ (૧૯૮૬) ની વાર્તા જ નહીં નામ પણ પહેલાં અલગ હતું. આ ફિલ્મની યોજનામાં સલીમ ખાનના પ્રવેશ પછી ઘણું બધું બદલાયું હતું. કુમાર ગૌરવે પિતા રાજેન્દ્રકુમાર વિશેના પુસ્તકમાં જણાવ્યું છે કે ૧૯૮૧ ના વર્ષમાં નિર્દેશક મહેશ ભટ્ટ બે ભાઇઓની એક વાર્તા લઈને આવ્યા હતા અને એનું નામ ‘હમેશા’ હતું. નિર્માતા મુકેશ ભટ્ટ હતા.

આ ફિલ્મની બે ભાઇઓની ભૂમિકા માટે કુમાર સાથે સંજય દત્તને લેવામાં આવ્યો હતો. દરમ્યાનમાં સંજય રીહેબ સેન્ટર જતો રહ્યો હોવાથી ફિલ્મ કાગળ પર અટકી ગઈ હતી. એ પછી કુમારે મુકેશના નિર્માણ અને મહેશના નિર્દેશનમાં ફિલ્મ ‘આજ’ (૧૯૮૭) શરૂ કરવામાં આવી હતી. એ થોડી બનીને અટકી ગઈ હતી અને ‘નામ’ પછી રજૂ થઈ હતી. સંજય સ્વસ્થ થઈને પાછો ફર્યો ત્યારે ફિલ્મોની શોધમાં હતો અને કુમારે મહેશ ભટ્ટને ફિલ્મ ‘હમેશા’ પર કામ કરવાની વાત યાદ કરાવી.

મહેશ પાસે કોઈ નિર્માતા ન હોવાથી કુમારે પિતા રાજેન્દ્રકુમારને વાત કરી. એમણે મહેશ પાસેથી વાર્તાનો વિચાર જાણી નિર્માણ માટે હા પાડી પણ સારા પુત્રની ભૂમિકામાં સંજયને બદલે કમલ હસનને લેવા કહ્યું. અને ખરાબ પુત્રની ભૂમિકા કુમારને કરવા કહ્યું. દરમ્યાનમાં ૧૯૮૪ માં કુમારના લગ્ન સંજય દત્તની બહેન નમ્રતા સાથે થઈ ગયા. કુમારે પિતાને આગ્રહ કર્યો અને સંજયને ફરી ફિલ્મમાં લેવા મજબૂર કર્યા. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવા માટે મહેશ ભટ્ટે સલીમ ખાનનો વિચાર કર્યો. ત્યારે તે જાવેદ અખ્તરથી અલગ થઈ ગયા હતા. પણ કોઈ સારી વાર્તા પર જ કામ કરવા માગતા હતા. જ્યારે મહેશ ભટ્ટે વાર્તાનો મુખ્ય પ્લોટ સંભળાવ્યો ત્યારે સલીમે કહી દીધું કે આ વાર્તા પર ફિલ્મ બનાવી શકાય નહીં.

‘નામ’ ની મૂળ વાર્તા એવી હતી કે એક સ્ત્રી પોતાની સૌતનના પુત્રને ઉછેરે છે. એને સગા પુત્રથી વધુ ચાહતી હોય છે. અંતમાં સૌતનનો પુત્ર એને મારી નાખે છે. સલીમનું કહેવું હતું કે આ વિચારને દર્શકો સ્વીકારી શકશે નહીં. જો પુત્ર મા માટે કુરબાની આપી દે તો બરાબર કહેવાય પણ પુત્ર પાલક માની હત્યા કરે એ વાત પચાવી શકાય એમ નથી. રાજેન્દ્રકુમારને મહેશની વાત યોગ્ય લાગી અને વાર્તાના પ્લોટમાં ફેરફાર માટે રાજી થઈ ગયા. એ પછી મહેશ ભટ્ટે બીજો ફેરફાર સૂચવ્યો કે કુમારને બદલે સંજય સગી માના નાલાયક પુત્રની ભૂમિકામાં વધુ યોગ્ય રહે એમ છે અને કુમાર સારા પુત્રની ભૂમિકામાં જામશે. કુમારની હીરોઈન તરીકે પૂનમ આવી હતી. પાછળથી ફિલ્મમાં એની ભૂમિકા ટૂંકી થઈ ગઈ હોવાથી ‘મહેમાન કલાકાર’ તરીકે નામ લખવા કહ્યું હતું. એની વાત માનવામાં આવી ન હતી.

ફિલ્મના તમામ કલાકારો નક્કી થયા પછી અનુપમ ખેરે સલીમ પાસે પોતાની સંપૂર્ણ ભૂમિકા જાણવા આગ્રહ કર્યો હતો. અનુપમે પોતાના દ્રશ્યો જાણીને ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. અનુપમે ફિલ્મ અચાનક છોડી દેતા મુશ્કેલી ઊભી થઈ હતી ત્યારે સલીમ એમની વહારે આવ્યા હતા અને પરેશ રાવલનું નામ સૂચવ્યું હતું. સલીમે પરેશનું ‘અર્જુન’ માં કામ જોયું હતું અને થિયેટરના અનુભવ વિશે માહિતી મેળવી એ પછી ‘રાણા’ ની ભૂમિકા અપાવી હતી. કુમાર ગૌરવે નવી વાર્તા સાથે નવું નામ ‘નામ’ સૂચવ્યું ત્યારે રાજેન્દ્રકુમારને પસંદ આવ્યું ન હતું. પણ સલીમ અને મહેશને ગમ્યું હોવાથી એમણે એ જ રખાવ્યું હતું. કેમકે એક સ્ત્રી પોતાની સૌતનના પુત્રને ઉછેરે છે અને એક નામ- ઓળખ આપે છે.

‘નામ’ નો સ્ક્રિનપ્લે સંપૂર્ણ તૈયાર થઈ ગયા પછી એની શરૂઆત રાજેન્દ્રકુમારને પસંદ આવી ન હતી. પણ સલીમ પોતાના લેખનમાં ફેરફાર કરવા તૈયાર ન હોવાથી એમણે ઝૂકવું પડ્યું હતું. જાવેદથી અલગ થયા પછી સલીમ ખાનની એકલાની આ પહેલી ફિલ્મ હતી.