વોશિંગ્ટનઃ વિશ્વમાં જ્યાં કોરોના સંક્રમણના કેસો 1.21 કરોડના આંકડાને પાર કરી ગયા છે ત્યાં મૃતકોની સંખ્યા પણ 5.52 લાખને પાર પહોંચી ગઈ છે. અમેરિકામાં એક જ દિવસમાં સંક્રમિતોના તમામ રેકોર્ડ તૂટ્યા અને કુલ 60,000 જેટલા કેસ નોંધાયા. જો કે આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની શાળાઓ ખોલવાને લઈને ચેતવણી આપી છે કે જો શાળાઓને ફરી શરૂ કરવામાં નહીં આવે તો સરકાર તરફથી તેમનું ફંડિંગ રોકી દેવામાં આવશે.
ટ્રમ્પે દેશના રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓ પર દબાણ વધારવા છતાં પણ ન્યૂયોર્ક સિટી શહેરે જાહેરાત કરી કે અમારે ત્યાંના મોટાભાગના વિદ્યાર્થીઓ એક સપ્તાહમાં માત્ર 2-3 દિવસ જ શાળાએ જશે. આ સિવાયના સમયમાં તેઓ ઓનલાઈન ક્લાસમાં જોડાશે. ન્યૂયોર્ક સિટીમાં ચાર લાખથી વધારે કેસો નોંધાઈ ચૂક્યા છે જ્યારે અમેરિકામાં અત્યારસુધીમાં કોરોના વાયરસના 31.39 લાખથી વધારે કેસો થયા છે. દેશમાં 1.34 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે જાહેરાત કરી કે આવતા સપ્તાહે કેટલીક નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, નવી ગાઈડલાઈન્સ આવતા સપ્તાહે જાહેર થશે, જેનાથી શાળાઓને ખૂબ મદદ મળશે.