દિવાળી, એટલે પ્રકાશનું પર્વ. વર્ષનો સૌથી મોટો તહેવાર એટલે પણ દિવાળી. ભારતીય સંસ્કૃતિમાં સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાં એક છે.
ઘૂઘરા-ગુજરાત
ઘૂઘરાનું નામ સાંભળતા જ ભલભલાના મોંમાંથી પાણી છૂટી જાય. ઘૂઘરા વગર તો ગુજરાતીઓની દિવાળી જ અધૂરી ગણાય. હવે તો ઘૂઘરા બજારમાં તૈયાર પણ મળે છે. જો કે આજે પણ આ પરંપરાગત વાનગીઓ ગુજરાતી હોંશે હોંશે બનાવે છે. એક સમય હતો જ્યારે ઘૂઘરા માત્ર સોજીના જ બનાવવામાં આવતા, પરંતુ હવે એમાં પણ અનેક વેરાયટી છે. જેમ કે બેક્ડ ઘૂઘરા, કાજુ-બદામના ઘૂઘરા, સૂકા મેવાના રસાણ ઘૂઘરા, ખજૂરના ઘૂઘરા, તલના ઘૂઘરા, શાહી ઘૂઘરા.
અનારસા-મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રીયન દિવાળીની ઉજવણીનો મહત્વનો ભાગ, અનારસાએ ચોખાના લોટ અને ગોળથી બનેલી મીઠાઈ છે. મહારાષ્ટ્રમાં એને દિવાળીના ફરાળ એટલે કે મીઠા અને સ્વાદિષ્ટ નાસ્તા તરીકે માણવામાં આવે છે. આ એક ડીપ-ફ્રાઈડ મીઠા ભજીયા જેવી વાનગી છે જેમાં ખાસ કરીને ખસખસ વધારે હોય છે.
બાબરુ-હિમાચલ પ્રદેશ
બાબરુ એ હિમાચલ પ્રદેશની પ્રખ્યાત વાનગી છે. જે ખાસ કરીને દિવાળી સમયમાં બનાવવામાં આવે છે. બબરુ બનાવવા માટે, ઘઉંના લોટમાં, અજમો, મીઠું અને હળદર જેવા મસાલાનો ઉપયોગ કરીને કણક તૈયાર કરવામાં આવે છે. કણકમાંથી પરાઠા અથવા પૂરી વણી એમાં કાળા ચણાની દાળમાંથી બનાવેલી સ્વાદિષ્ટ સ્ટફિંગ અડધા ભાગમાં ભરવામાં આવે છે. બાકીનો અડધો ભાગ ફોલ્ડ કરી ભરણને અંદરથી સીલ કરાય છે. દિવાળીમાં આ વાનગી ખીર અથવા રબડી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
નારીકોલ લારુ – આસામ
આસામની લોકપ્રિય મીઠાઈ છે જે નારિયેળના લાડુ તરીકે પણ ઓળખાય છે. તે કાપલી નાળિયેર, લીલી એલચી પાવડર, ઘી અને ખાંડનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને દિવાળી સમયમાં આ વાનગી એકબીજાને આપવામાં આવે છે. તલ અને નારિયેળમાંથી તૈયાર થતી આ ડીશ આરોગ્યવર્ધક અને સ્વાદિષ્ટ છે.
છોડો શાક- પશ્ચિમ બંગાળ
ભારતભરમાં દિવાળી સમયે મીઠાઈ બનાવવાની પરંપરાની તુલનામાં પશ્ચિમ બંગાળ છોડો શાક નામનું એક સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર કરવામાં આવે છે. જેમાં 14 લીલા પત્તાવાળા શાકનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાળી પૂજા માટે બનાવવામાં આવતી એક ખાસ ડિશ છે, જેને ઘણા તહેવારો અને ખાસ દિવાળીમાં બનાવવામાં આવે છે.
ગવલુ-આંધ્ર પ્રદેશ
ગવલુ મૂળ આંધ્ર પ્રદેશની મીઠાઈ છે, જે ખાસ કરીને દિવાળીના સમયમાં બનાવવામાં આવે છે. ગવલુ એ માત્ર મીઠાઈ જ નહીં પરંતુ આંધ્રપ્રદેશમાં એને સમાજના સાંસ્કૃતિક વારસાના એક ભાગ તરીકે પણ જોવામાં આવે છે. ગવલુ, એના સ્વાદ અને સામગ્રી સાથે, સ્થાનિક પ્રથા અને પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
માવા કચોરી – રાજસ્થાન
જોધપુર (રાજસ્થાન)ની આ સ્વાદિષ્ટ વાનગી દિવાળીના તહેવારોમાં ખૂબ ખવાય છે. આ માવા કચોરી સૂકા મેવા અને માવાથી ભરપૂર હોય છે. જેને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. માવા કચોરી ખાવામાં ખૂબ હેવી હોય છે પરંતુ દિવાળીમાં દરેક ઘરમાં અવશ્ય બને છે.
શુફ્તા- કાશ્મીર
જમ્મૂ અને કાશ્મીરનું એક પારંપરિક ગળ્યું વ્યંજન એટલે શુફ્તા. મિશ્રિત સૂકા મેવા અને ખાંડની ચાસણી અને મસાલાથી બનાવવામાં આવે છે. જેમાં ઘણા ડ્રાયફ્રુટ્સ હોય છે. ડ્રાયફ્રૂટ્સને પહેલાં પાણીમાં પલાળવામાં આવે છે અને પછી ઘી અને મસાલા સાથે થોડી ખાંડ મિક્સ કરી બનાવવામાં આવે છે. લોકો આ વ્યંજનનો સ્વાદ વધારવા માટે અંદર ગુલાબની પાંદડીઓ અને કેસર પણ મિક્સ કરે છે. દિવાળીમાં આ વાનગી વધારે બનાવવામાં આવે છે.
હેતલ રાવ