અકસ્માતોમાં ઘાયલોને મળશે 1.50 લાખ સુધી મફત કેશલેસ સારવારઃ ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે સરકારે માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકો માટે નવી યોજના શરૂ કરી છે. આને કેશલેસ ટ્રીટમેન્ટ નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અકસ્માતના 24 કલાકની અંદર પોલીસને માહિતી મળતાની સાથે જ સાત દિવસનો અથવા વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનો સારવારનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે કેશલેસ ટ્રીટમેન્ટ કેટલાંક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી અને હવે તેમાં રહેલી તમામ ખામીઓને સુધારીને ફરીથી લાગુ કરવામાં આવી રહી છે. તેનાથી પીડિતો અને તેમના પરિવારજનોને ફાયદો થશે. જો કોઈ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામે છે તો સરકાર 2 લાખ રૂપિયા આપશે. ગડકરી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન પ્રધાનો, સચિવો અને કમિશનરોની બે દિવસીય પરિષદ પછી પત્રકારો સાથે તેમણે વાત કરી હતી.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ પરિષદમાં પ્રથમ પ્રાથમિકતા માર્ગ સુરક્ષા પર હતી. તેમણે કહ્યું કે સ્કૂલ, ઓટોરિક્ષા અને મિની બસો માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે, કારણ કે આ મોટી સંખ્યામાં મૃત્યુનું કારણ બને છે.

તેમણે કહ્યું કે વર્ષ 2024માં માર્ગ અકસ્માતમાં 1.80 લાખ લોકોનાં મોત થયાં છે. આ સિવાય હેલ્મેટ ન પહેરવાને કારણે 30,000 લોકોનાં મોત થયાં છે. તેમાંથી 66 ટકા 18 થી 34 વર્ષની વય જૂથનાં છે.શાળાઓમાં બહાર નીકળવાના અને પ્રવેશનાં સ્થળોની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વર્ષેદહાડે 10,000 બાળકોનાં મોત થયાં છે. ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું અને સિગ્નલનું પાલન ન કરવું જેવા રસ્તાના નિયમોને કારણે પણ લોકોએ જીવ ગુમાવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.