અમદાવાદઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કોરોના રોગચાળાને લઈને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેથી તમામ વિદ્યાર્થીઓના આગળના પર્ફોર્મન્સને લઈને આજે પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. ઇતિહાસમાં સૌપ્રથમ વાર સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું છે. એટલે આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાંથી ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. આજે સવારે આઠ કલાકથી બોર્ડની સાઇટ result.gseb.org પર મૂકવામાં આવ્યું છે.
શાળાઓ વિદ્યાર્થીઓને તેમના પરિણામની પ્રિન્ટ કરેલી કોપી કોરોના ગાઇડલાઇન પ્રમાણે તબક્કાવાર બોલાવીને આપશે. સામાન્ય રીતે દર વર્ષે વિદ્યાર્થીઓ પોતાના બેઠક નંબરના આધારે પરિણામ જાણી શકતા હતા જોકે આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે જેના લીધે સ્કૂલોએ અગાઉની પરીક્ષાઓના આધારે પરિણામ તૈયાર કરીને બોર્ડને મોકલ્યું છે જેના આધારે વિદ્યાર્થીઓના ગ્રેડ નક્કી કરીને પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.
ધોરણ-12માં સામાન્ય પ્રવાહના કુલ 4,00,127 વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે જેમાં સૌથી વધારે C1 ગ્રેડમાં 1,29,781 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પછી C2 ગ્રેડમાં 1,08,299 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1 ગ્રેડમાં 691, A2 ગ્રેડમાં 9,455, ગ્રેડ B1માં 35,288 જ્યારે ગ્રેડ B2માં 82,010 વિદ્યાર્થીઓ પાસ થયા છે.