અમદાવાદ શહેરનું કાંકરિયા તળાવ ઐતિહાસિક તો છે જ, સાથે સાથે અમદાવાદની એક જૂની ઓળખ છે. અમદાવાદીઓ અને બહારથી અહીં ફરવા આવતા લોકોનું પ્રિય સ્થળ છે. ઈતિહાસ પ્રમાણે, આ તળાવ કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ બાંધ્યું હતું. એ સમયે કાંકરિયા એ હૌજે-એ-કુતુબના નામે ઓળખાતું. પૂર્વ વિસ્તારનું આ તળાવ ઘણીવાર સુકૂભઠ્ઠ થઈ જતું. ગંદકી પણ થતી. પરંતુ વર્ષ 2008માં આ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું અને એની ફરતે અનેક નવા પ્રકલ્પો વિકસાવવામાં આવ્યા. તળાવની સુંદરતા પર ધ્યાન અપાયું.
શહેરની વચ્ચે આવેલા આ તળાવની અંદર અને આસપાસ સહેલાણીઓ માટે પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, કિડ્સ સિટી, મિનિ ટ્રેન અટલ એક્સપ્રેસ, બોટિંગ જેવા અનેક આકર્ષણો છે.
દર વર્ષે 25 ડિસેમ્બરથી એક અઠવાડિયા માટે અહીં કાર્નિવલ યોજાય છે, જેમાં રંગારંગ કાર્યક્રમો, એમ્યુઝમેન્ટ અને ખાણીપીણીની મોજ લોકો માણી શકે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)