નવી દિલ્હીઃ સ્ટેટ બેન્કે ઓનલાઇન ફ્રોડના કેસો વધતાં તેના ગ્રાહકોને અલર્ટ કર્યા છે. સ્ટેટ બેન્કે તેના 44 કરોડ ગ્રાહકો માટે ચેતવણી જારી કરતાં કહ્યું છે કે તેઓ બેન્ક સંબંધિત કોઈ પણ ડિટેલ મોબાઇલ ફોનમાં ક્યારેય સેવ ના રાખે, કેમ કે આવું કરવાથી ગ્રાહકને બહુ ભારે પડી શકે છે. તેમનું એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે.
બેન્કે તેના ગ્રાહકોને ચેતવતાં કહ્યું છે કે જોકોઈએ પોતાની બેન્કિંગ ડિટેલ્સ જેવા કે પિન નંબર, એટીએમ, અથવા ક્રેડિટ કાર્ડ નંબર, CVV અથવા OTP મોબાઇલમાં સેવ કરી રાખ્યા છે, તો એને તરત ડિલીટ કરી દો.
સ્ટેટ બેન્કે વેબસાઇટ પર ગ્રાહકો ચેતવણી આપતો સંદેશ લખ્યો છે કે સતત વધતા ઓનલાઇન ફ્રોડના કેસો જોતાં લોકોએ વધુ સતર્કતા રાખવાની જરૂર છે.
કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ તેમના બેન્ક એકાઉન્ટ નંબર, પાસવર્ડ અથવા પિન નંબરનો ફોટો પાડીને મોબાઇલમાં સેવ કરી લે છે, પરંતુ ડેટા લીક થવાની દશામાં આ પ્રકારે માહિતીનો દુરુપયોગ કરીને કોઈનું પણ એકાઉન્ટ ખાલી કરી શકાય છે. જેથી આવી માહિતી જો મોબાઇલ ફોનમાં હોય તો તરત ડિલીટ કરી દેવી જોઈએ.