બેંગલુરુઃ કર્ણાટક સરકારે અનામતનો લાભ આપવા માટે મુસલમાનોને પછાત વર્ગ (OBC)માં સામેલ કર્યા છે. આ મામલે માહિતી રાષ્ટ્રીય પછાત પંચે પ્રેસ રિલીઝ જારી કરીને આપી છે. NCBCએ બુધવારે કર્ણાટક સરકારના આંકડાનો હવાલો આપતાં પુષ્ટિ કરી છે.
રાષ્ટ્રીય પછાત પંચે કહ્યું હતું કે કર્ણાટક સરકારના આંકડા અનુસાર કર્ણાટકના મુસલમાનોની બધી જાતિઓ અને સમાજોને રાજ્ય સરકાર હેઠળ રોજગાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે OBCની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. શ્રેણી II-B હેઠળ કર્ણાટકના બધા મુસલમાનોને OBC માનવામાં આવશે. પંચે કહ્યું હતું કે શ્રેણી-1માં 17 મુસ્લિમ સમુદાયોને OBC માનવામાં આવે છે, જ્યારે શ્રેણી-2Aમાં 19 મુસ્લિમ સમુદાયોને OBC માનવામાં આવ્યા છે, એમ પંચે કહ્યું હતું.
જોકે NCBCએ અનામતના ઉદ્દેશો માટે મુસ્લિમ સમાજને પછાત જાતિના રૂપમાં વર્ગીકૃત કરવાના કોંગ્રેસ સરકારના નિર્ણયની ટીકા કરતાં કહ્યું હતું કે એણે સામાજિક ન્યાયના સિદ્ધાંતને નબળો બનાવ્યો છે. આ પગલાથી રાજ્યમાં અન્ય પછાત વર્ગના અધિકારોને નુકસાન થયું છે, એમ પંચે કહ્યું છે.