આ હજીરો રાણીનો છે..

અમદાવાદ શહેરના ધમધમતા ટ્રાફિક અને ચારે તરફ દબાણો વચ્ચે ઘેરાયેલા માણેકચોક વચ્ચે અનોખી ઐતિહાસિક વિરાસત આવેલી છે. જામા મસ્જિદની એકદમ નજીક અને અહમદશાહના રોજાની સામેની બાજુ આવેલો મિનારાવાળો રોજો એટલે રાણીનો હજીરો. રાણીના હજીરા તરીકે ઓળખાતા આ સ્મારકનું બાંધકામ ગુજરાતના સલ્તનત સમયમાં કરવામાં આવ્યું હતું. હાલમાં આ રોજો વેપારથી ધમધમતા માણેકચોક વિસ્તારની વચ્ચે ઘેરાયેલો છે.

આ હજીરો એના વિશિષ્ટ પ્રકારના બાંધકામ માટે જાણીતો છે. એમાં કબરો રાખવાનો ભાગ ખુલ્લો છે તથા વચ્ચેના વિસ્તારને ફરતા ચોરસમાં સુંદર લિવાન (મંડપ) પ્રકારનો આચ્છાદિત પ્રદક્ષિણામાર્ગ કરેલો છે. જમીનના સ્તરથી એ ઠીક ઠીક ઊંચાઈએ બનાવેલો છે. એમાં જવા માટે પગથિયાં છે. આ હજીરાની કોતરણીવાળી બારીઓ દર્શનીય છે. માણેકચોકના આ ભરચક વિસ્તારમાં વિશાળ જગ્યામાં મોટા પ્રમાણમાં સાદા સ્તંભ સાથેની ઐતિહાસિક ઇમારત છે. આ ઉંચા ઓટલાવાળી વિશાળ જગ્યામાં શાહી કુટુંબની સ્ત્રીઓની કબરો આવેલી છે. એવી માન્યતા છે કે આ કબરો રાણીઓ(બેગમો)ની છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)