સુદ્રઢ તેમ જ સ્થિતિસ્થાપક શરીર, ચમકતી ત્વચા, યોગ્ય વજન, શાંત મન અને સુંદર સ્વાસ્થ્ય: યોગ દ્વારા આપ આ સઘળું એક સાથે મેળવી શકો છો. સામાન્યતઃ એવું સમજવામાં આવે છે કે યોગ એટલે કેટલાંક આસનો, કે જેનો શરીરને સપ્રમાણ રાખવામાં ઉપયોગ થાય, વાસ્તવમાં એવું નથી. શરીર, મન અને શ્વાસનું સાયુજ્ય એ યોગ છે. જયારે શરીર, શ્વાસ અને મનની સંવાદિતતા આપ સિદ્ધ કરો છો ત્યારે જીવન નિષ્પંદ, આનંદિત અને સમૃદ્ધ બની રહે છે. યોગથી થતા લાભ નિશ્ચિત છતાં સૂક્ષ્મ સ્તરે અનુભવાય તેવા હોય છે. અહીં આપણે યોગથી થતા 10 મુખ્ય લાભની વાત કરીએ.
૧. સંપૂર્ણ સ્વાસ્થ્ય: શારીરિક આરોગ્યની સાથે સાથે જયારે આપ માનસિક અને ભાવનાત્મક સ્તરે સંતુલિત છો ત્યારે આપ સાચા અર્થમાં સ્વસ્થ છો. આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના પ્રણેતા તથા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી અનુસાર, “ રોગ ની ગેરહાજરી એ જ માત્ર સ્વાસ્થ્ય નથી. સ્વાસ્થ્ય એ જીવનની ગતિમય અભિવ્યક્તિ છે. આપ કેટલાં આનંદિત, પ્રેમલ અને ઉત્સાહપૂર્ણ છો તે સૂચવે છે કે આપ કેટલાં સ્વસ્થ છો.” તો યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનું સંયોજન એ એક સંપૂર્ણ યોગ છે.
૨. યોગ્ય વજન: જો આપનું વજન વધારે છે તો આપ સૂર્યનમસ્કાર અને કપાલભાતિ પ્રાણાયામ દ્વારા તેને સરળતાપૂર્વક ઓછું કરી શકો છો. એ ઉપરાંત યોગની નિયમિત સાધના દ્વારા આપ આપના શરીરને ક્યારે અને કેવા ખોરાકની જરૂર છે તે પણ જાણી શકો છો. જેને લીધે આપનું વજન નિયંત્રણમાં રહે છે.
૩. તણાવ મુક્તિ: દિવસ દરમ્યાન માત્ર થોડો સમય યોગ-સાધના કરવામાં આવે તો આપ શરીર અને મનમાં એકત્રિત થતા તણાવને આસાનીથી દૂર કરી શકો છો. યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન એ તણાવ મુક્તિ માટે અસરકારક છે.
૪. આંતરિક શાંતિ: આપણને સહુને શાંત, પવિત્ર અને પ્રાકૃતિક સુંદર સ્થળોની મુલાકાત લેવી ગમે છે. એ જ પ્રકારની શાંતિ આપણી અંદર પણ છે જ. યોગ અને ધ્યાન દ્વારા આપ દરરોજ આવી અંતર્યાત્રા દ્વારા ગહન શાંતિનો અનુભવ કરી શકો છો. વિક્ષિપ્ત મનને શાંત કરવા માટે યોગ એ ઉત્તમ સાધન છે.
૫. રોગપ્રતિકારક શક્તિમાં વૃધ્ધિ: આપણું અસ્તિત્વ શરીર, મમ અને આત્માનો સુભગ સંગમ છે. શરીરનું અસંતુલન મનને અસર કરે છે એ જ રીતે ઉદાસ અથવા ચંચળ મન શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે. યોગાસન દ્વારા અંગોને પુષ્ટિ મળે છે, સ્નાયુઓ મજબૂત બને છે, શ્વાસોચ્છવાસની યોગ્ય પ્રક્રિયા અને ધ્યાન દ્વારા તણાવ દુર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
૬.સજગતાપૂર્ણ જીવન: મન હમેશાં પ્રવૃત્તિમય હોય છે, ભૂત અને ભવિષ્ય વચ્ચે સતત ઝોલાં ખાતું રહે છે, પરંતુ વર્તમાનમાં રહી શકતું નથી. મનની આ અવસ્થા પ્રત્યે સજગ બની જવાથી આપમેળે તણાવમાંથી મુક્તિ મળે છે. યોગ અને પ્રાણાયામ આવી સજગતા આપનામાં પ્રેરે છે. જેના દ્વારા મન ફરીથી વર્તમાન ક્ષણમાં આવે છે, તથા આનંદિત અને કેન્દ્રિત બને છે.
૭. સુચારુ સંબંધો: યોગ અભ્યાસ દ્વારા આપ આપના જીવનસાથી, માતા-પિતા, મિત્રો અને પ્રિયજન સાથે સુંદર સંબંધો જાળવી રાખો છો. એક વિશ્રાંત, આનંદિત અને સંતોષપૂર્ણ મન, સંવેદનશીલ સંબંધોને સરસ રીતે જાળવી શકે છે. યોગ અને ધ્યાન દ્વારા મન સુંદર અને શાંત બને છે. અને આવું મન આપના નિકટના સ્વજનો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો સ્થાપિત કરે છે.
૮. ઉર્જાનું સિંચન: વ્યસ્ત દિવસના અંતે આપ શું આપ થાકી જાઓ છો? દિવસભર આપ એક સાથે ઘણાં કાર્યો કરો છો જેના કારણે આપ અતિશય થાક અનુભવો છો. પરંતુ માત્ર થોડા સમય નો પ્રતિદિન યોગાભ્યાસ આપનામાં અદભૂત પ્રાણ શક્તિનું સિંચન કરે છે. કામકાજ દરમ્યાન માત્ર ૧૦ મિનીટનું ધ્યાન આપને ફરીથી તાજગી આપે છે અને ઉર્જાનો સંચાર કરે છે.
૯. સુદ્રઢ અને સ્થિતિસ્થાપક શરીર: યોગાભ્યાસ દ્વારા આપના શરીરની સ્થિતિસ્થાપકતામાં વધારો થાય છે. શરીર સુડોળ અને દ્રઢ બને છે. નિયમિત અભ્યાસથી આપની દેહ-મુદ્રા છટાદાર બને છે. શરીરમાં થતા દુખાવાથી મુક્તિ મળે છે.
૧૦. અંત:સ્ફૂરણા: યોગ અને ધ્યાન દ્વારા આપ અંત:સ્ફૂરણા સિદ્ધ કરી શકો છો. જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં ઉત્તમ પરિણામ મેળવવા માટે ક્યારે શું કરવું જોશે તે આપ સહજતાપૂર્વક અંત:પ્રેરણાથી સમજી જાઓ છો. નિયમિત યોગ ના અભ્યાસ દ્વારા આપ સ્વયં આ અનુભવી શકશો.
યોગાભ્યાસ એક નિરંતર પ્રક્રિયા છે. માટે સાધના કરતાં રહો! જેટલાં આપ નિયમિત રહેશો એટલાં વધુ ને વધુ ગહન અનુભવો કરી શકશો અને યોગનો પૂર્ણ લાભ મેળવી શકશો.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)