નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (GST)માં લોટરી અને જુગાર (ગેમ્બલિંગ)ના સમાવેશને કાયદેસર ગણાવ્યો છે. લોટરીમાં ઇનામની રકમ પણ ટેક્સના દાયરામાં આવે છે. એક ખાનગી લોટરી કંપનીએ લોટરીને GSTમાં સામેલ કરવાના સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. એક ખાનગી કંપની Skill Lottoએ લોટરી પર GST લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
અરજીકર્તા લોટરી ડીલર્સનું કહેવું હતું કે સેન્ટ્રલ GST એક્ટ 2017 અને નોટિફિકેશનમાં ખોટી રીતે લોટરીઓને ગુડ્સ માની લેવામાં આવ્યો હતો, જ્યારે એ એક્શનેબલ ક્લેમ્સમાં આવે છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે સાત નવેમ્બરે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
GST કાઉન્સિલે ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલી બેઠકમાં લોટરી પર એક માર્ચ, 2020થી 28 ટકા GST લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દે GST કાઉન્સિલમાં ઘણો વિચારવિમર્શ થયો હતો. GST કાઉન્સિલની બેઠકમાં એવું પહેલી વાર થયું હતું કે કોઈ મુદ્દે બહુમતથી નિર્ણય લેવા માટે મતદાનનો સહારો લેવો પડ્યો હતો.