દેવપુરા જેવા નાનકડા ગામમાં આવેલા માતાજીના એકમાત્ર મંદિરનો આજે પાટોત્સવ હતો. ખૂબ મોટી સંખ્યામાં જનમેદની દર્શન કરવા ઊમટી હતી. નાના-મોટા સૌ કોઇ ગામલોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર હતું અને એટલે જ આજે પાટોત્સવમાં બધા ભક્તિભાવપૂર્વક સામેલ થયા હતા.
મંદિરના મુખ્ય પૂજારી શંકર મહારાજ પૂજા-હવન માટેની તેૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા હતા. પૂજાની નાની-મોટી તમામ સામગ્રી યાદ કરી કરીને છેક પોતાના ગામથી લાવ્યા હતાં. કેમ કે, આ મંદિર ગામથી ત્રણેક કિલોમીટર દૂર હતું. રસ્તો ય કાચો. વાંરવાર ધક્કા ખાવાનું કોઇને ય ન પોસાય અને એમાંય આજે તો અખાત્રીજનો દિવસ. ભરઉનાળાની આ ગરમીમાં એકાદ વસ્તુય જો ચૂકાઇ ગઇ તો કોને કહેવું કે જા જઇને આ લઇ આવ?!
આમ તો આ બધી વસ્તુમાં પૂજારી શંકર મહારાજ ક્યારેય કાંઇ ભૂલતા નહીં. જ્યાં જવાનું હોય એના આગલા દિવસે જ એમની થેલીમાં બધી સામગ્રી તૈયાર જ હોય, પણ અચાનક એમને યાદ આવ્યું કે, લે! પવિત્ર જળ ભરેલો કળશ તો ઘરે જ રહી ગયો! હવે?
એમણે બધી સામગ્રી અને થેલી ફરીથી ફંફોસી જોઇ, પણ એમાં ક્યાંય પવિત્ર જળ ભરેલો આ કળશ જોવા ન મળ્યો એ ન જ મળ્યો. સાત પવિત્ર નદીના પાણીથી ભરેલો આ બંધ કળશ એમણે ઘણા સમયથી ખાસ આ મંદિરની જ પૂજા માટે સાચવીને રાખેલો.
શંકર મહારાજ સખત ચિંતામાં આવી ગયા. મૂંઝાઇ ગયા કે હવે શું કરવું? એકતરફ પૂજાનું મુહૂર્ત નીકળવાની તૈયારીમાં હતું અને બીજી તરફ જનમેદની ક્યારેનીય પૂજા શરૂ થાય રાહ જોઇને સામે બેઠી હતી. મહારાજે મનોમન માતાજીને પ્રાર્થના કરી અને મનમાં કાંઇક વિચાર કર્યો. સરળ સ્વભાવના પૂજારીએ નક્કી કર્યું કે, ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની આ ભૂલ સ્વીકારી લેવી અને પછી અહીં જે પાણી છે એનો જ ઉપયોગ કરીને પૂજાવિધિ શરૂ કરી દેવી. એમના માટે ખૂબ જ ક્ષોભજનક સ્થિતિ હતી, પણ અજાણતા તો અજાણતા આ ભૂલ થઇ ગઇ હતી એટલે એ સ્વીકાર્યે જ છૂટકો…
મન મક્કમ કરીને શંકર મહારાજ પોતાની જગ્યાએથી ઊભા થઇને લોકો સમક્ષ હાથ જોડતાં માઇક પાસે આવ્યા એટલામાં જ એમની નજર લોકોની વચ્ચેથી રસ્તો કરીને દોડતા આવતા પોતાના દીકરા વિનાયક પર પડી. તેમનો દસ વર્ષનો દીકરો વિનાયક કળશ પકડેલો હાથ ઊંચો કરીને આકરી ગરમીમાં ખુલ્લા પગે દોડતો આવી રહ્યો હતો.
ઓહ! તો વિનાયક ઘરે ભૂલાઇ ગયેલો એ કળશ આપવા આવી રહ્યો હતો. એ પણ આવી ગરમીમાં! દસ વર્ષના દીકરામાં આવી સમજ જોઇને શંકર મહારાજ હરખાઇ ગયા અને તરત જ ઉત્સાહભર્યા અવાજે માઇક સમક્ષ માતાજીનો શ્લોક બોલીને જાહેરાત કરવા લાગ્યા કે, “માતાજીની કૃપાથી મંદિરના પાટોત્સવની પૂજાવિધિ શરૂ થવા જઇ રહી છે. આપ સૌનું સ્વાગત છે.”
કદાચ માતાજીની કૃપા હતી કે નાનકડા દીકરા વિનાયકને ઘરે ભૂલાઇ ગયેલા પવિત્ર પાણીના કળશની સમયસર ખબર પડી અને એ હાંફતો હાંફતો મંદિરે પહોંચ્યો. શંકર મહારાજે સંસ્કારની આ “ધરોહર” સાચવી લેવા બદલ અને પરંપરાની લાજ રાખવા બદલ મનોમન માતાજીનો આભાર માન્યો.
(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)