રોજ ખુશખુશાલ ચહેરે ઘરમાં પ્રવેશતા કેરવને આજે સાવ વીલા મોઢે એન્ટર થતો જોઇને એની મમ્મી નીતીને ફાળ પડી. 13 વર્ષનો કેરવ આમ તો રોજ એકલો જ ઓટોમાં બેસીને ક્લાસીસમાં જવા-આવવા ટેવાયેલો હતો. કેરવ આમ તો સ્માર્ટ હતો અને એની પાસે સ્માર્ટફોન પણ હતો એટલે નીતિને બીજી કોઇ ચિંતા નહોતી, પણ આજે આમ ધોવાયેલા ચહેરે? શું થયું હશે?
હજુ નીતિ કંઇ વધારે વિચારે અને એને પૂછે એ પહેલાં જ કેરવ રડતાં રડતાં બોલ્યો, “મમ્મા, મને વઢીશ તો નહીંને? પ્રોમિસ?”
“અરે બોલ ને દીકરા! શું થયું છે ? જલદી બોલ..”
મારો ફોન ઓટોમાં કે રસ્તામાં ક્યાંક ખોવાઇ ગયો.
“હેં…આ શું બોલે છે કેરવીયા?”
દીકરામાંથી સીધું કેરવીયા! કેરવે કહ્યું કે તે બેઠો ત્યાં સુધી તો ફોન તેની પાસે જ હતો, પણ ઘર પાસે ઉતર્યા પછી તેણે પોકેટમાં જોયું તો ફોન ગાયબ હતો. ફોન રીક્ષામાં જ ક્યાંક પડી ગયો હોવો જોઇએ કે પછી પોકેટમાંથી સરકીને બહાર. જે હોય તે પણ ફોન ખોવાયો એ હકીકત હતી.
હજુ બે મહિના પહેલાં જ બર્થડે પર નીતિએ એને ફોન ગિફ્ટ કરેલો અને એ ય ડેડીના વિરોધની ઉપર જઇને. હવે પચીસ હજારનો મોંઘોદાટ ફોન ખોવાયા પછી મમ્મી તો ઠીક, પણ હીટલર સ્વભાવના પપ્પા શું કરશે એ વિચારથી જ કેરવ થરથરી ગયો. નવો ફોન તો મળવાનું બાજુએ રહ્યું, પણ હવે શું થશે એ વિચાર કેરવને ધ્રુજાવતો હતો.
નીતિએ તરત જ પોતાના ફોનથી કેરવના ફોન પર રીંગ મારવાનું ચાલુ કર્યું. રીંગ વાગતી હતી પણ કોઇ ઉપાડતું નહોતું.
નીતિએ રીંગ મારવાનું ચાલુ જ રાખ્યું. કદાચ કોઇના હાથમાં આવે ને મનમાં રામ વસે તો!
કેરવના ફોનમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ અને ફોટા ય હતા. છેવટે સાતમી-આઠમી રીંગ વાગ્યા પછી કોઇકે ફોન ઉપાડ્યો એટલે ઘાંઘી થયેલી નીતિ બોલવા લાગી, “હલો હલો! આ ફોન મારા દીકરાનો છે. તમને ક્યાંથી મળ્યો? તમે કોણ બોલો છો?”
દસ-વીસ સેકન્ડના મૌન પછી સામા છેડેથી ખૂબ ધીમા અવાજમાં એક છોકરાનો અવાજ સંભળાયો, “તમે કોણ? મને આ ફોન રસ્તા પરથી મળ્યો છે..”
“અરે, હું તેની મમ્મી જ બોલું છું. તમે ક્યાં છો? હું લેવા આવું છું ફોન… તમને… તમને કહેશો તેટલા પૈસા..”
“ઓકે. ઓકે. તમે જનતા ચાર રસ્તે આવી જાવ. હું ત્યાં મળીશ. નીતિના પૈસાવાળા વાક્યને અડધેથી જ કાપતા એ છોકરો બોલ્યો એટલે નીતિ ગભરાતાં ગભરાતાં બોલી, “તમે પ્લીઝ ફોન ચાલુ રાખો. હું બે મિનિટમાં દોડીને આવી..
“અરે મેડમ ચિંતા નહીં કરો. તમારો ફોન તમને મળી જશે. હું આવું જ છું. ભરોસો રાખો.”
ખુશ થવું કે ન થવું એ સમજણ ના પડતાં બેબાકળી બનેલી નીતિ તો ઇશ્વરને પ્રાર્થના કરતી ઝડપથી જનતા ચાર રસ્તે પહોંચી. પાંચેક મિનિટમાં એ છોકરાનો સામેથી ફોન આવ્યો અને ક્યાં ઊભા છો એવું પૂછ્યું. સામસામે ઓળખ આપી એટલે તરત જ બસસ્ટેન્ડની બાજુમાં પાર્ક કરેલા સ્કૂટર પર બેઠેલો એક વીસેક વર્ષનો એક યુવાન નીતિ પાસે આવ્યો. દેખાવમાં એ થોડોક રખડુ અને બેફિકરો લાગતો હતો એટલે થોડીકવાર માટે નીતિનો ગભરાટ વધ્યો.
જો કે એ યુવાને બીજુ કાંઇ કહ્યા વિના થોડાક તૂટેલા સ્ક્રીનવાળો ફોન બતાવીને એટલું જ પૂછ્યું, “આ જ ફોન છે ને?” ફોન જોતાં જ નીતિએ હા પાડી એટલે એ યુવાને સહેલાઇથી ફોન આપી દીધો.
ફોન હાથમાં લઇને હાશકારો અનુભવ્યા પછી આ અજાણ્યા દેવદૂત સાથે શું વાત કરવી તે સમજ ન પડતાં નીતિએ કહ્યું, “આમ તો કોઇ ફોન જેવી વસ્તુ પાછી ન આપે પણ તમે આમ પાછો આપવા આવ્યા એટલે…”
જવાબમાં એ યુવાન પહેલાં થોડું હસ્યો અને પછી બોલ્યો, “તમારા ફોન આવતા હતા ત્યારે તેમાં ‘મોમ- ગોડેસ ઓફ ગીફ્ટ્સ’ એવું સ્ક્રીન પર લખાઇને આવતું હતું. એ જોઇને મને મારી મા યાદ આવી. એ મને હંમેશા કહે છે કે કદી કોઇના નસીબનું ને વગર મહેનતનું લેવું નહીં.”
નીતિ વિચારમાં પડી ગઇ. આજના સમયમાં આવું યે બની શકે? તેણે પેલા યુવકને થોડા પૈસા આપવા પર્સ તરફ જોયું એટલે એ યુવાન હસીને બોલ્યો, “કોઇ જરૂર નથી. હું જાઉં, મેડમ. મારી ‘ગોડેસ ઓફ ગિફ્ટ્સ’ ઘરે રાહ જોતી હશે.”
નીતિ સ્તબ્ધ હતી. એને આજે ફોનની સાથે સાથે માણસાઇ અને મમતાની બહુ મોટી ગિફ્ટ પણ મળી હતી.
(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)