કબીરવાણી: સ્વાર્થમાંથી પરમાર્થમાં પ્રયાણ કરવું તે જ સાચો જ્ઞાનમાર્ગ

કબીર હૃદય કઠોર કે શબ્દ ન લાગે સાર,

સુધિ બુધિ કે હિર દૈ વિધે, ઉપજે જ્ઞાન વિચાર.

 

સમાજમાં અમુક વ્યક્તિઓનું દિલ પથ્થર જેવું કઠણ થઈ ગયું હોય છે. આવા માણસોને ઉપદેશની અસર થતી નથી. પ્રકૃતિગત ગુણોમાં જ્યારે અહમ્, લોભ, ઈર્ષાનું પ્રાધાન્ય હોય ત્યારે માનવીની સંવેદના લુપ્ત થઈ જાય છે. ગાંધીજીને જ્યારે પૂછયું કે, આ દેશની સૌથી મોટી કરુણતા કઈ ? તો તેમણે જવાબ આપ્યો, “ભણેલા, ગણેલા દેશબંધુઓની લાગણીશૂન્યતા.”

તાજેતરમાં બિલ ગેટસે પણ સંપત્તિદાન સમયે જે કહ્યું છે કે, વિશ્વના 34 ટકા સંપત્તિવાન લોકો બાકીના 66 ટકાની સ્થિતિથી માહિતગાર થાય તો પણ ગરીબી અને દુઃખના નિવારણનો રસ્તો સરળ બને.

માણસમાં જ્યારે સંવેદના જાગૃત થાય છે, હૃદય અન્યના દુઃખે દ્રવી ઊઠે છે ત્યારે જ સત્ય સમજાય છે. પાષાણ ઉપર પાણીની અસર નથી થતી તેમ બોધની અસર દુર્જનને થતી નથી. કઠોરને કોમળ બનાવવું, આક્રોશને અનુકંપામાં પરિવર્તિત કરવો અને સ્વાર્થમાંથી પરમાર્થમાં પ્રયાણ કરવું તે જ સાચો જ્ઞાનમાર્ગ છે. તેથી જ આપણે પ્રાર્થના કરીએ છીએ કે, હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ.”

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)