|
જલ મેં બસૈ કમોદિની, ચંદા બસૈ અકાસ, જો હૈ જા કો ભાવતા, સો તાહી કે પાસે. |
ગુજરાતીમાં કહેવત છે કે, “મન હોય તો માળવે જવાય.” મનુષ્યમાત્ર વિચારના પ્રવાહમાં સતત તણાતો રહે છે. વિચાર
દૃઢ બને છે ત્યારે સંકલ્પ બને છે. સંકલ્પનું પુરુષાર્થ દ્વારા સિદ્ધિમાં રૂપાંતર થાય છે.
કબીરજી આ સાખીમાં ઈચ્છિત ચીજની પ્રાપ્તિનાં બે ઉદાહરણો આપે છે. જેમ કમળનો ઉદ્ભવ કીચડ અને જળમાં થાય છે તેમ તેનું પોષણ પણ જળ દ્વારા જ થાય છે.
કમળ માટે જળ જીવનનો સ્રોત હોય તે તેને પસંદ પડે છે. તેનો નિવાસ જળ – તળાવમાં, સરોવરમાં છે. ચંદ્ર આકાશની શોભા છે. તેની સતત વધઘટ થતી રહે છે પણ અબજો તારાઓના ઝંડ વચ્ચે ચંદ્ર દૈદીપ્યમાન છે. આકાશને અજવાળે છે. ચાંદની રાતની શીતળતા અનોખી છે.

જે વસ્તુમાં આપણે ભાવ રાખીએ છીએ તે પ્રભુ આપણને સુલભ કરાવે તો નિતિ આનંદ થાય. સાખીના શબ્દો જે વર્ણન કરે છે તેની સાથે કબીરજીનો સંદેશો ગર્ભિત છે. ઈશ્વરભક્તિમાં જો ચિત્ત ચોંટે તો તેના દર્શન થાય. તેની સમીપ પહોંચાય. હકીકતે સર્વત્ર ચૈતન્યનો એકાત્મભાવ જન્મે તો કમળ અને ચંદ્રની જેમ આપણે પણ મનપસંદ માહોલમાં એકાકાર થઈએ.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)


