કબીરના મતે જે ધનનો ભૂખ્યો છે તે સાધુ નથી

 

સાધુ ભૂખા ભાવ કા, ઘન કા ભૂખા નાહીં,

ધન કા ભૂખા જો ફિરે, સો તો સાધુ નાહીં.

 

ધન એક એવી આકર્ષક વસ્તુ છે કે તેની પ્રાપ્તિ માટે મનમાં લોભવૃત્તિ હાજર જ હોય છે. આજે ધર્મસ્થાનો અને સંપ્રદાયો વધુ ને વધુ આર્થિક ઉપાર્જન કરી ભવ્ય મંદિરો, મઠો, આશ્રમો અને સંસ્થાઓનું નિર્માણ કરવા તત્પર છે. આના કારણે સંપ્રદાયમાં વિખવાદો થાય છે જે હિંસા સુધી જાય છે.

ધન માટે મઠાધિપતિની કે તેના દ્વારા કરાવવામાં આવતી હત્યાના પ્રસંગો બનતા રહે છે. આવા ભવ્ય મકાનોમાં દિવ્ય પ્રવૃત્તિઓ થાય છે તેવું નથી. દાન, જ્ઞાન અને પરોપકાર માટે નહીં પણ પોતાનાં માન અને શાન વધારવા ધનનું વરવું પ્રદર્શન થાય છે.

કબીરજી તેથી સ્પષ્ટ કરે છે કે, સાચો સાધુ પોતાના અનુયાયીની ભાવના જુએ છે. આ ભાવ જ ભવસાગર તરવાની નાવ છે. જે સાધુ ભાવના કરતાં લક્ષ્મીને વધારે મહત્ત્વ આપે છે તે સાધુ જ નથી. સાધુને ધન સમાજ આપે છે. સાધુમાં વૈરાગ્ય હોવો જરૂરી છે. આથી સમાજમાંથી પ્રાપ્ત થતું તમામ ધન માનવસેવાના કાર્યમાં જ વપરાય તે જોવાનું કર્તવ્ય સાધુનું છે. ધનસંચયથી સાધુતા લાજે છે. ધન જરૂરી છે પણ ધન અનેક અનર્થનું મૂળ ન બને તે જોવું જરૂરી છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)