|
રામ રતન ધન પાય કે, ગાંઠો બાધ ન ખોલ, નહીં પાટ, નહીં પાર ભી, નહીં ગ્રાહક નહીં મોલ. |
આપણામાં દૃઢ માન્યતા છે કે, સિદ્ધ પુરુષ કદાપિ પોતાની સિદ્ધિની પ્રસિદ્ધિ નથી ઈચ્છતો. તે આવી પ્રાપ્તિને પ્રભુપ્રસાદી
માની વિશ્વકલ્યાણ માટે જ તેનો ખપ પૂરતો ઉપયોગ કરે છે. છીછરા મનની વ્યક્તિ થોડી સફળતા સાથે જ અહથી છલકાવા માંડે છે.
કબીરજી કહે છે કે, જેને રામ રતન ધનરૂપી અમૂલ્ય ખજાનો મળ્યો છે તેમણે તેનું પ્રદર્શન ન કરવું જોઈએ. આવો સાક્ષાત્કાર તો સાચવીને રાખવો જોઈએ.
આ જ્ઞાનનો તોલ-મોલ કરવો ઉચિત નથી. મને દક્ષિણા આપો તો હું શનિની પનોતી ટાળી દઉં, યજ્ઞ કરો તો મહાદશામાં સુધારો થશે તેવી વાતોનો કબીરજીએ હંમેશાં વિરોધ કર્યો હતો.

વહેમો, દંભ અને રૂઢિઓનું ખંડન કરવામાં કબીરજીનું કવિત્વ દીપી ઊઠે છે. આવું જ્ઞાન પ્રાપ્ત થાય તો સુપાત્ર શિષ્યને આપવું જોઈએ. સાખીમાં ધંધા-વ્યવહારમાં વેપારી અને ગ્રાહકનો સંબંધ હોય પણ ધર્મ, વૈદક અને શિક્ષણમાં ધનનો વિનિયોગ અનર્થનું મૂળ બને છે. આજે તો આ ત્રણે ક્ષેત્રો ઉપર રૂપિયાનું રાજ ચાલે છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)




