સાધુ આવત દેખિ, કર હંસી હમારી દેહ, માથા કા ગ્રહ ઊતરા, નૈન ન બાઢો સ્નેહ. |
સાધુદર્શન, મિલન, સત્સંગ, ઉપદેશનો મહિમા કરતાં કરતાં કબીરજી તેના પ્રભાવનું દિલ સોંસરવું ઊતરે તેવું વર્ણન કરે છે. સાધુનું દર્શન જ સમગ્ર દેહને રોમાંચિત કરી આનંદથી ભરી દે છે. “ફિકર કી ફાકી કરે તો સચ્ચા ફકીર”ની ઉકિત મુજબ આધિ, વ્યાધિ, ઉપાધિના ત્રિવિધ ત્રાસથી મુક્ત સાધુ તો હંમેશાં નિજાનંદમાં જ હોય. તેના આગમનથી તનાવ વધે તો શું કામનું? તેને જોતાં જ આનંદની લહેર દોડે તો સાધુત્વ સાચું.
કબીરજી કહે છે કે માનવી દુ:ખી હોય અને કોઈ પાપગ્રહથી પીડિત હોય તેને તો સાધુના આવવાથી માથા ઉપરથી ગ્રહની અવદશા દૂર થતી લાગે.
બાકી તો અણગમતી વ્યક્તિના જતાં જ કહે છે કે હાશ, આ પનોતી ટળી. સાથે સાથે આંખોમાં સ્નેહની વૃદ્ધિ થાય છે. અનેક સંતોએ ધર્મની વ્યાખ્યા જ એમ કરી છે કે, “પરસ્પર પ્રેમ ફેલાવે તે ધર્મ.” ઈર્ષા, નફરત, ટીકા, રોષ કે દોષદર્શન કરવા માટે જિંદગીનો અમૂલ્ય સમય શું કામ વેડફીએ? જો નયનોમાંથી સ્નેહ નીતરે તો સુખની ભૂમિ લીલીછમ રહે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
