વિઝન એટલે કે દીર્ઘદૃષ્ટિ અને વ્યૂહરચના જીવનમાં તથા સંસ્થાના સંચાલનમાં કેટલાં મહત્વપૂર્ણ છે તે અંગે મહાભારતમાં
ભીષ્મપર્વના પ્રસંગો આપણને સમજાવે છે. યુદ્ધ શરૂ થાય તે પહેલાં ભીષ્મ, દ્રોણાચાર્ય અને કૃષ્ણ પોતપોતાના પક્ષને જીત અપાવવા માટે સુવ્યવસ્થિત વ્યૂહરચના ઘડે છે, કારણ કે વિઝન (દીર્ઘદૃષ્ટિ) વગર સંસ્થા કે સેના સાચા અને યોગ્ય માર્ગદર્શન વગર પોતાની દિશા ગુમાવી દે એ નિશ્ચિત છે. આજના મેનેજમેન્ટમાં પણ વિઝન એ સંસ્થાનો આત્મા છે અને વ્યૂહરચના એ તેનું માર્ગદર્શન.
ઉદાહરણ તરીકે ધીરુભાઈ અંબાણીનું વિઝન હતું કે ‘ભારતના સામાન્ય માણસના હાથમાં ફોન હોવો જોઈએ’, આ સ્પષ્ટ વિઝનને સાકાર કરવા માટે તેમણે રિલાયન્સ કમ્યુનિકેશન દ્વારા વ્યૂહરચના ઘડી અને ભારતના ટેલિકોમ ક્ષેત્રે પરિવર્તન લાવી દીધું. એ જ રીતે ઈન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિ અને તેમની ટીમે ગ્લોબલ આઈટી સર્વિસીસમાં ભારતીય પ્રતિભાને આગળ લાવવા સ્પષ્ટ વિઝન બનાવ્યું અને તેના અનુરૂપ વ્યૂહરચના ઘડીને કંપનીને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવી.

આ દર્શાવે છે કે નાની ટીમ પણ સ્પષ્ટ દ્રષ્ટિ અને સુવ્યવસ્થિત વ્યૂહ સાથે વૈશ્વિક સ્તરે સ્થાન મેળવી શકે છે. મહાભારતમાં પાંડવોની તરફેણમાં શ્રીકૃષ્ણે પોતાની રાજનીતિ, સંવાદકલા અને વ્યૂહરચના દ્વારા તેમના કૌરવોના પ્રમાણમાં નાના પરંતુ સંકલિત સૈન્યને મહાસેના બનાવી વિજય તરફ દોરી કારણ કે કૃષ્ણ પાસે સ્પષ્ટ વિઝન હતું કે ધર્મની સ્થાપના કરવી અને અન્યાય સામે લડવું. આજના સમયમાં પણ એ જ સિદ્ધાંત લાગુ પડે છે. જ્યારે કોઈ સ્ટાર્ટઅપ સ્પષ્ટ વિઝન સાથે કાર્ય કરે છે ત્યારે ભલે તે સંખ્યાબળમાં નાનું હોય, પણ વ્યૂહાત્મક આયોજનથી તે વિશાળ કંપનીઓ સામે પણ સફળ થઈ શકે છે. જેમ કે ફ્લિપકાર્ટે પોતાના વિઝન ‘ભારતમાં દરેક વ્યક્તિ માટે ઓનલાઇન શોપિંગ સરળ બનાવવું’ને વ્યૂહાત્મક રીતે અમલમાં મૂકીને વૈશ્વિક દિગ્ગજ એમેઝોન સામે ટક્કર આપી.

આ દર્શાવે છે કે કોઈપણ સંસ્થામાં મેનેજર કે નેતા પાસે માત્ર સ્વપ્ન હોવું પૂરતું નથી પરંતુ તે સ્વપ્નને સાકાર કરવા માટે યોગ્ય દિશા, વ્યૂહ અને સહયોગ જરૂરી છે, કારણ કે વિઝન વિના વ્યૂહ અંધ છે અને વ્યૂહ વિના વિઝન નકામી કલ્પના છે. તેથી મહાભારત આપણને શીખવે છે કે લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રથમ વિઝન નક્કી કરો, પછી વ્યૂહ ઘડો અને ટીમના દરેક સભ્યને એ વિઝનમાં જોડો, કારણ કે નાની સંસ્થા પણ જો સ્પષ્ટ વિઝન સાથે વ્યૂહાત્મક રીતે આગળ વધે તો મહાન સિદ્ધિ હાંસલ કરી શકે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)


