ઝઘડાનું મૂળ હાંસી

દીતી અને કશ્યપ ઋષિનો પુત્ર મયદાનવ પાંડવોના અહેસાન હેઠળ હતો. એકવાર મય દાનવ હસ્તિનાપુર નજીક ખાંડવવનમાં વસતો હતો ત્યારે અગ્નિ દેવે તેમની ભૂખ સમાવવા વન ખાવા માંડ્યુ, ભસ્મ કરવા માંડ્યુ ત્યારે અર્જુને મય દાનવ અને તેના પરિવારની રક્ષા કરી. ખાંડવપ્રસ્થના નિર્માણ વખતે જ્યારે મયાસુરનું યુદ્ધ  ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન સાથે થયું ત્યારે તે પરાજિત થયો. ભગવાન શ્રીકૃષ્ણએ તેને અભય વરદાન આપ્યું અને યુધિષ્ઠિર માટે ઇન્દ્રપ્રસ્થ નગરમાં એક ભવનનું નિર્માણ કરવા માટે આજ્ઞા કરી. મય દાનવે ભવ્ય ચમત્કારી મહેલ બાંધી આપ્યો જે બાંધવા મયને 14 મહિના થયા. મહેલની રક્ષા માટે લગભગ 8000 અસૂરોની સેના પણ આપી. ઉપરાંત અર્જુનને દેવદત્ત નામે શંખ અને ભીમસેનને વૃષપર્વા રાજાના સમયની નામાંકિત ગદા ભેટ આપ્યા. મયાસૂરે નિર્માણ કરેલો વિશાળ અને સુંદર એવો બેજોડ મહેલ મયસભા તરીકે વિખ્યાત થયો.

મય દાનવ આભાસી સ્થાપત્ય રચવામાં નિષ્ણાત હતો, એણે અર્જુન તેમજ પાંડવોના ઉપકાર હેઠળ એક અદ્ભુત માયાનગરીનું સર્જન કર્યું હતું. મોટા મોટા કાચનાં પડદાં બનાવ્યાં હતાં અને પાણીનાં મોટા કુંડ જેની સપાટી જમીન જેવી લાગે એવું સર્જન કર્યું. ભલાભલાને જળ હોય ત્યાં સ્થળ દેખાય અને સ્થળ હોય ત્યાં જળ દેખાય એવી છેતરામણી પરિસ્થિતિ આ માયાનગરીની રચનામાં એણે ઊભી કરી હતી. પોતાની આ સિદ્ધિથી દુર્યોધન અને કૌરવોને ઇર્ષાની આગમાં બાળવા માટે પાંડવોએ ત્યાં રાજસૂય યજ્ઞ યોજ્યો.

યજ્ઞ પત્યા બાદ યુધિષ્ઠિરના આગ્રહથી થોડા દિવસો રોકાયેલા દુર્યોધન એન્ડ કંપની કોઈની પણ દોરવણી વગર અહીં ફરવા નીકળ્યો. તેણે કાચનો પડદો ન જોયો અને અથડાઇ ગયો. તેનાથી અનુભવાયેલ ભોઠપ પછી હોય તેમ તે પાણીના પુલમાં પડ્યો, એમ વિચારીને કે તે જમીન છે. બરાબર તે સમયે દ્રૌપદી ત્યાંથી પસાર થઈ રહી હતી. નકુલ, સહદેવ, અર્જુન અને ભીમ પણ ઉપસ્થિત હતા. પોતાની આ નાલેશી બદલ તેમને ખડખડાટ હસતા જોઈ યુધિષ્ઠિરે તેમની સામે કરડાકીથી જોયું. દ્રૌપદીને આથી વધુ હસવું આવ્યું અને એણે વ્યંગ કર્યો, ‘આંધળાનાં આંધળાં – એક અંધના પુત્ર પાસે બીજી કઈ અપેક્ષા રાખી શકાય.’

દ્રૌપદીની આ મજાકે દુર્યોધનના મનમાં ઇર્ષ્યાનાં મૂળિયાં વધુ ઊંડા નાખી દીધાં. મહાભારતનાં બીજ રોપાવાની આ શરૂઆત હતી.

વહીવટ, વ્યવહાર અથવા મેનેજમેન્ટની દૃષ્ટિએ આ પ્રસંગને અનુરૂપ એક કહેવત, ‘રોગનું મૂળ ખાંસી અને ઝઘડાનું મૂળ હાંસી’ યાદ રાખો. તમારા પ્રતિસ્પર્ધી સાથે પણ એ ઝંખવાઈ જાય અને અપમાનિત થાય તે રીતની મજાક ના કરો. રાજનીતિ, કૂટનીતિ અને વ્યવસ્થાપન કે વહીવટમાં ભાષાની ગરિમા તેમજ શાલીનતા ખૂબ જ અગત્યના છે. આ વાત હંમેશાં ખ્યાલ રાખો.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)