નૈના માટે આજનો દિવસ ખાસ હતો. પોતાની કારકિર્દી માટે એક નવા શહેરમાં ઇન્ટરવ્યૂ આપીને પાછી ફરી રહી હતી. આજ સુધી એણે ક્યારેય એકલી મુસાફરી કરી ન હતી, પણ સ્વતંત્ર બનવા અને નવા પડકારો સ્વીકારવા માટે એને આ કસોટી પાર કરવી પણ જરૂરી હતી.
ટ્રેન મોડી રાતે સ્ટેશન પર પહોંચી. ખાલી પ્લેટફોર્મ, થોડે દૂર ઊભેલા અજાણ્યા લોકો, અને પથારેલા અંધારાએ એને અસ્વસ્થ કરી નાખી. આજુબાજુની શાંતિ એક અજાણ્યા ભયમાં ફેરાઈ રહી હતી. નૈનાએ પોતાના શોલ્ડર બેગને થોડી વધુ કસીને પકડી, અને કેબ સ્ટેન્ડ તરફ વધવા લાગી.
જેમ જેમ તે આગળ વધી રહી હતી, એને લાગ્યું કે કોઈએ એની પાછળ આવી રહ્યું છે. અચાનક, પાછળથી એક અવાજ આવ્યો, મેમ, ટેક્સી જોઈએ?
એના શરીરનું લોહી જાણે થીજી ગયું. આ અવાજમાં કંઈક અલગ લાગ્યું. નૈનાએ પાછા વળી ને જોયું તો ત્યાં એક ટેક્સી ડ્રાઇવર જેવો દેખાતો પુરુષ ઉભો હતો. પણ એની નજરો શંકાસ્પદ હતી. નૈનાએ કાબૂ રાખ્યો અને સાદગીભર્યો જવાબ આપ્યો, ના, થેંક યુ.
પણ એ માણસ એ હસીને આગળ આવ્યો, એકલી છો? કયાં જવાનું છે? એમ કહીને એક અટહાસ્ટ કર્યુ.
આ વખતે નૈનાને સાફ સમજાઈ ગયું કે કશું ખોટું છે. એ તરત જ પાછી વળી અને પ્લેટફોર્મ તરફ દોડવા લાગી. જેમ જેમ એ સ્ટેશન તરફ પાછી ફરી, એકલતા એના ડરને વધુ ગાઢ કરી રહી હતી. આસપાસ કોઈ નહોતું, પણ દૂર એક કેબીનમાં લાઈટ દેખાઈ. નૈનાએ આશા રાખી કે ત્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ હશે. એ નજીક પહોંચી તો, ત્યાં એક મહિલા પોલીસ હાજર હતા. હાંફતા હાંફતા, નૈનાએ પોતાની પરિસ્થિતિ વિશે જણાવ્યું. મહિલા પોલીસે તરત જ રિસ્પોન્સ આપ્યો, નૈનાને આશ્વાસન આપ્યું, અને બીજી મહિલા પોલીસને બોલાવીને એના સુરક્ષિત ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી. થોડી જ મિનિટોમાં, નૈના સલામત રીતે ઘરે જવા નીકળી. એ પોલીસ વાહનમાં બેસીને એણે એક ઊંડો શ્વાસ લીધો. મનમાં જ વિચાર્યું કે, હું બચી ગઈ.
પરંતુ અનેક યુવતીઓ, મહિલાઓ છે જે મુસાફરી દરમિયાન આવા ભયનો સામનો કરે છે અને યોગ્ય પગલાં નથી ભરતી.
મહિલાઓએ પોતાની સુરક્ષા માટે સજાગ રહેવું જરૂરી
મહિલાઓ એકલી મુસાફરી કરતી વખતે અનેક પ્રકારના ડરનો સામનો કરે છે. શારીરિક હાનિનો ભય એ સૌથી મોટો હોય છે, કારણ કે અજાણ્યા સ્થળે કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો? સામાજિક અને માનસિક દબાણ પણ મોટું હોય છે, કારણ કે આજે પણ ઘણીવાર મહિલાઓને એકલી મુસાફરી કરતી જોઈ ને સમાજ એની અવગણના કરે છે. છેડછાડ, અને અશ્લીલ ટિપ્પણીઓનો ભય પણ સતત સ્ત્રીઓની સાથે હોય છે, ખાસ કરીને ઓટો, બસ, કે એકલતા ભર્યા સ્ટેશનો પર. ક્યારેક ડ્રાઇવરો કે અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાનો પણ ભય રહે છે. એકલી મુસાફરી કરતી મહિલાઓને ટાર્ગેટ બનાવવાની ઘટનાઓ ઘણીવાર સાંભળવા મળે છે. આવી અનેક સમસ્યાઓ વચ્ચે, મુસાફરી દરમિયાન સૌથી મોટો ડર એ છે કે જો કંઈ અનિચ્છનીય થશે, તો કઈ રીતે બચવું? કોણ મદદ કરશે? અને શું ન્યાય મળશે? આ ડર મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પાડે છે.
આનંદનગર પોલીસ સ્ટેશનના ASI (આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર)પ્રેમીલાબહેન રમાજીભાઈ પરમાર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “મહિલાઓએ પોતાની સુરક્ષા માટે સજાગ રહેવું જરૂરી છે. યુવતીઓએ ભીડમાં પોતાની બેગ આગળ લટકાવવી જોઈએ, જેથી કોઈ ખોટી રીતે સ્પર્શ ન કરી શકે. જો પાછળ બેગ હોય, તો હાથનો સપોર્ટ લેવો. ભીડનો લાભ લઈને કોઈ અણછાજતો સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે, તો એને તરત ધક્કો મારવો. મહિલાઓએ એકલાં મુસાફરી કરતી વખતે જગ્યા અને સમયનું ધ્યાન રાખવું જોઈએ. અવરજવર ઓછી હોય એવા રસ્તાઓથી જવાનું ટાળવું. કોઈ પીછો કરતો હોય કે શંકાસ્પદ લાગે, તો નજીકના પોલીસ સ્ટેશન પહોંચી જવું. અથવા 100 અને 181 હેલ્પલાઈન પર કોલ કરવો જોઈએ.”
એ ઉમેરે છે કે, “મહિલા પોલીસ અમદાવાદમાં સક્રિય છે અને કોઈ પણ સમયે મદદ માટે તૈયાર છે. ભીડવાળી જગ્યાઓ, જેમ કે મેટ્રોમાં, જો કોઈ ઉદ્દેશ્યપૂર્વક સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે, તો મોટા અવાજે બોલીને પોતાનું રક્ષણ કરવું જોઈએ. વ્હીકલ લઈને જતા હોય અને લાગે કે કોઈ ફોલો કરે છે તો, નજીકથી પસાર થઈ રહેલા પરિવારને પણ મદદ માટે કહી શકાય. કોઈ પણ મુસાફરી કરતા સમયે ભયમાં રહેવાની જગ્યાએ સજાગ રહી સાવધાની રાખવી જરૂરી છે.”
જરૂરી છે કે… -ઓનલાઈન કેબ ઓટો બુક કરાવો કે સ્થાનિક રીતે, હંમેશા નંબર પ્લેટ બે વાર તપાસો. ચેકિંગની સાથે વાહનના નંબરનો ફોટો લો અને તમે જેને ઓળખતા હોવ એને મોકલી આપો. -જ્યારે પણ કેબમાં એકલા મુસાફરી કરો છો, ત્યારે ચોક્કસપણે ડોર હેન્ડલ તપાસો કે એ અંદરથી બરાબર કામ કરી રહ્યા છે કે નહીં. જો કોઈ શંકા હોય, તો તરત જ વાહનમાંથી ઉતરી જાઓ. -મુસાફરી દરમિયાન પરિવારને અથવા અન્ય કોઈ પરિચિતને ફોન કરો અને એમને જાણ કરો. આ સમય દરમિયાન, ફોન પર મોટેથી વાહન નંબર, સ્થાન અને ક્યારે ઘરે પહોંચશો એ પણ જણાવો. -જ્યાં સુધી રાઈડ પૂરી ન થાય ત્યાં સુધી તમે પરિવાર અથવા કોઈ પરિચિતને ફોન ચાલુ રાખવા માટે કહી શકો છો. તેમજ તેમને સમયાંતરે લોકેશન વિશે માહિતી આપતા રહો. -મુસાફરી પહેલા ફોનને હંમેશા ફુલ ચાર્જ્ડ કરો. સાથે ઈમરજન્સી નંબર સ્પીડ ડાયલ પર રાખવા જોઈએ. દરેક મહિલાએ સ્પીડ ડાયલ પર મહિલા હેલ્પલાઈન નંબર પણ રાખવો જોઈએ. -તમારી સુરક્ષા માટે ટેક્નોલોજીનો પણ સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. તમારા ફોનમાં એવી સેફ્ટી એપ્સ રાખો, જેમાં એક ક્લિકથી ઈમરજન્સી કોલ કરી શકાય છે અને લોકેશન પણ શેર કરી શકાય છે. -એકલા મુસાફરી કરતી વખતે હંમેશા પોતાના જીપીએસનો ઉપયોગ કરો. લોકેશન અને રોડ પર નજર રાખો અને તમે જાણતા હોવ એની સાથે શેર કરતા રહો. તમે Google Maps પર તમારી ઓફિસ અથવા ઘરનું સરનામું પણ રજીસ્ટર કરી શકો છો. -ડ્રાઇવર સાથે વાત કરવા માટે હંમેશા ઓફિશિયલ ટેક્સી એપનો ઉપયોગ કરો. ડ્રાઇવર સાથે તમારો નંબર અથવા કોઈપણ વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં. -મુસાફરી કરતી વખતે, જો ડ્રાઇવર તમને શોર્ટ કટના નામે નિર્જન અથવા અજાણ્યા રોડ પર લઈ જવા લાગે, તો એને તરત જ રોકો. મેઈન રોડ અથવા ભીડવાળા વિસ્તારમાંથી જ જવાનું કહો. -મહિલાઓએ હંમેશા પોતાની સાથે કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ જે ઈમરજન્સીમાં તમારી મદદ કરી શકે. આમાં પેપર સ્પ્રે અને સેફ્ટી ટોર્ચનો સમાવેશ થાય છે. સેફ્ટી ટોર્ચ LED ટોર્ચ જેવી લાગે છે પરંતુ તેમાં છુપાયેલ વોલ્ટેજ ઝટકો આપી શકે છે. |
દરેક સ્ત્રી ભયમાં જીવે છે..
કોઈપણ જગ્યાએ જતા પહેલા રાઈડ બુક કરાવી લેવી જોઈએ. રસ્તા પર એકલા ઊભા રહીને રાઈડ બુક કરવાનું ટાળવું. ઉપરાંત, જ્યારે ડ્રાઈવર લોકેશન પર આવે ત્યારે જ બિલ્ડિંગની બહાર નીકળવું જોઈએ. એકલા મુસાફરી કરતી વખતે, તમારી શારીરિક ભાષા હંમેશા આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરવો જોઈએ. કારણ કે જ્યારે તમારા ચહેરા અથવા શરીરની ભાષા પર ડર દેખાવા લાગે છે, ત્યારે ગુનાહિત વલણ ધરાવતા લોકો હિંમત મેળવે છે.
અમદાવાદના ફેમિલી કોર્ટના વકીલ અલ્પાબહેન જોગી ચિત્રલેખા.કોમને કહે છે કે, “આજના સમયમાં મહિલાઓ માટે મુસાફરી સુરક્ષિત નથી રહી, કારણ કે રેપ અને છેડતીની ઘટનાઓ સતત વધી રહી છે. બાળકીઓથી લઈને વૃદ્ધ મહિલાઓ સુધી દરેક સ્ત્રી ભયમાં જીવે છે. માતા પોતાની દીકરી માટે હંમેશા ચિંતિત રહે છે, કોલેજ જતી યુવતીને ઘરે પરત ફરવામાં સહેજ મોડું થાય તો પણ પરિવારજનોના મનમાં ડર વસે છે. મહિલાઓ માટે કાયદા તો ઘણા છે, પણ કડક અમલ નથી. છેડછાડ કરનાર કે શારીરિક અડપલા કરનાર ગુનેગારો સહેલાઈથી જામીન પર છૂટી જાય છે, જે વીક્ટીમ માટે અન્યાયરૂપ બને છે. સાથે જ, કેટલાય કેસો સમાજના ડરથી પોલીસ સુધી પહોંચી પણ શકતા નથી. મહિલાઓએ પોતાની સુરક્ષાની તકેદારી જાતે જ રાખવી અત્યંત જરૂરી છે. એકલાં મુસાફરી કરતી વખતે, ખાસ કરીને રાત્રે, ફોનમાં લાઈવ લોકેશન શેર કરી રાખવું જોઈએ, અને જરૂર પડે તો વુમન હેલ્પલાઈનને લાઈવ લોકેશન મોકલી શકાય.”
વધુમાં એ કહે છે કે, “સેલ્ફ-ડિફેન્સ માટે કેટલીક ટેક્નીક શીખવી જોઈએ અને જરૂરી ચીજવસ્તુઓ સાથે રાખવી જોઈએ, જેમ કે નાની ડબ્બીમાં લાલ મરચાનો પાઉડર કે પેપર સ્પ્રે. રાત્રે બસમાં મુસાફરી કરતી મહિલાઓ ઘણી વખત ડ્રાઈવર અને કંડક્ટરનો પણ ભય લાગે છે. આવી સ્થિતિમાં સજાગ રહી પોલીસ અથવા વુમન હેલ્પલાઈન પર તાત્કાલિક જાણ કરવી જરૂરી છે. મહિલાઓએ ભયને જીતવો પડશે અને પોતાની સુરક્ષાનું સત્તાનિર્ભર પગલું ભરવું પડશે.”
દરેક સ્ત્રીએ મુસાફરી કરતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ અને ખાસ કરીને એ સમય દરમિયાન બિલકુલ ઊંઘશો નહીં. તેમજ ફોનની સ્ક્રીન તરફ જોવાને બદલે હંમેશા તમારું ધ્યાન રસ્તાઓ પર રાખો. રસ્તામાં પોલીસ ચોકી કે સ્ટેશનનું ધ્યાન રાખો. જો કોઈપણ પરિસ્થિતિમાં કોઈ અજાણી વ્યક્તિ તમારી કેબ અથવા ઓટોને રોકે તો તરત જ વાહનના દરવાજા અને બારીઓ બંધ કરો અને પોલીસને ફોન કરો. કોઈ પણ જગ્યાએ એકલા મુસાફરી કરતા સમયે ભયમાં રહેવાની જગ્યાએ નીડર બની સાવધાન રહેવું અનિવાર્ય છે.
હેતલ રાવ
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)