રસોડામાંથી વસ્તુ પડવાનો અવાજ આવી રહ્યો હતો. સુરેખા સવારનો ચા-નાસ્તો બનાવવામાં વ્યસ્ત હતી. સંતાનોને સમયસર શાળાએ અને પતિને ટિફીન સાથે ઓફિસ મોકલવાની દોડાદોડી હતી. પોતે પણ ઘરના કામ પરવારીને ઓફીસે નીકળવાનું હતું.
કાયમ પરફેક્ટ કામ કરનાર સુરેખાના હાથમાંથી આજે વારાફરતી વસ્તુઓ પડી રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી એનામાં બદલાવ આવી રહ્યોં હતો. બધા ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ માટે ગોઠવાયા. સુરેખાના હાથમાંથી દૂધનો ગ્લાસ છુટી ગયો અને જમીન પર પછડાયો. એ ગભરાઈને ખુરશી પર બેસી પડી. પતિ અનિકેતે એને શાંત રાખતા કહ્યું કે, શું થયું છે તને ? તું કેમ આમ થોડા દિવસથી ઉતાવળમાં કામ કરે છે. આટલું પૂછતાં જ સુરેખા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી. સંતાનોની હાજરીમાં જ એનાથી બોલાઈ ગયું કે, મારો મેનોપોઝ સમય ચાલુ થયો છે. મને કશું સમજાતું નથી કે મારી સાથે શું થઈ રહ્યું છે..
દીકરી ઈશા તો કોલેજમાં હતી માટે સમજી શકી પરંતુ પુત્ર આરવ હજુ આઠમાં ધોરણમાં જ ભણતો હતો. એ પપ્પાની સામે જોઈને પૂછવા લાગ્યો કે મમ્મીને કોઈ બીમારી થઈ છે. ઈશા ભાઈને લઈને નીકળી ગઈ. અનિકેતે પત્નીનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું ચિંતા ન કર બધું સારું થઈ જશે અમે છીએ તારી સાથે.
આ તો વાત હતી સુરેખાની જેનો પરિવાર એની વ્યથા અને મેનોપોઝ સમયની સ્થિતિને સમજતો હતો. પરંતુ હકીકતમાં દરેક મહિલાની આ સ્થિતિ સમજી શકાતી નથી. મહિલાઓના જીવનમાં અનેક એવા તબક્કા આવે છે જેમાં નાના મોટા બદલાવો થતા રહે છે, પરંતુ એક બદલાવ એવો આવે છે જેને મોટા ભાગની મહિલાઓ સહજતાથી નથી લઈ શકતી, તે છે મેનોપોઝ.
મેનોપોઝ માટે મિડલાઈફથી જાગૃત થવું જરૂરી
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સુરતના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. દિપ્તી દીપક પટેલ કહે છે, સામાન્ય રીતે મહિલાઓમાં મેનોપોઝ 42થી 45 વર્ષની વચ્ચે આવે છે. જે મહિલાઓને મેન્સ્ટ્રુઅલ સાયકલ નોર્મલ આવતી એમને જ્યારે મેનોપોઝ આવવાનો હોય એના ત્રણેક વર્ષ પહેલા આ સાયકલ સ્ટોપ થઈ જાય છે. જેમ કે કોઈ મહિલાને 28 દિવસની મેન્સ્ટ્રુઅલ સાયકલ આવતી હોય એ મહિલાને 22- 23 દિવસે પિરિયડ આવતા થઈ જશે. એટલે કે છ –સાત દિવસ સાયકલ વહેલી થશે. એજ રીતે પછી આ મેન્સ્ટ્રુઅલ સાયકલનો સમય વધીને દોઢ મહિનો, ત્રણ મહિના, છ મહિના થઈ જાય છે. એક વર્ષ સુધી પિરીયડ ન આવે તો મેનોપોઝ સમય શરૂ થઈ જાય છે.
આ રીતે રાખો સંભાળ
ડો. કહે છે કે, ફેમિલી બોન્ડિંગ જેટલુ સારુ હોય એટલું આ બધામાંથી બહાર આવી શકાય છે. સારો ખોરાક લેવો, યોગ્ય કસરત યોગા કરવાથી મન શાંત રહે છે. ટુંકમાં મેનોપોઝ અને પોસ્ટ મેનોપોઝ સારો જાય એ માટે છેલ્લા જાગવા કરતા મીડલાઈફથી (35 વર્ષ)થી જાગવાની જરૂર છે.
ભારતમાં દર વર્ષે લગભગ એક કરોડ સ્ત્રીઓ મેનોપોઝના તબક્કામાં પહોંચે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના કહ્યા પ્રમાણે, મેનોપોઝ 45થી 55 વર્ષ વચ્ચેની વયે ગમે ત્યારે આવી શકે છે. અંડાશય ઈંડાનું ઉત્પાદન બંધ કરી દે અને રક્તપ્રવાહમાં એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જાય ત્યારે રજોનિવૃત્તિ આવે છે. મેનોપોઝ પછી ગર્ભધારણની શક્યતાનો લગભગ અંત આવે છે. રજોનિવૃત્તિ તબક્કાવાર આવે છે. તેની શરૂઆત પેરિમેનોપોઝના કેટલાક લક્ષણો સાથે થાય છે. તેમાં પિરિયડ સાયકલમાં પરિવર્તનનો સમાવેશ થાય છે. એ પછી તે મેનોપોઝની અવસ્થામાં પહોંચે છે. પેરિમેનોપોઝનો તબક્કો ઘણા વર્ષો સુધી ચાલુ રહી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે, સ્ત્રીઓ પર તેની મનોવૈજ્ઞાનિક, શારીરિક, ભાવનાત્મક અને સામાજિક અસર થઈ શકે છે. અહીં એક વાત સમજવી જરૂરી છે કે મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ પ્રાકૃતિક પ્રક્રિયા છે. અંડાશયમાં ઈંડાનું ઉત્પાદન બંધ થવાને અને હોર્મોનલ અસંતુલનને કારણે મેનોપોઝ આવે છે.
આ કુદરતી બદલાવ છે
અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એક્શન એન્ડ રિસર્ચ(ઇશા) સંસ્થાના પ્રમુખ જયશ્રીબેન જોષી ચિત્રલેખા.કોમને કહે છે, ગ્રામ્ય હોય કે અર્બન કે પછી શિક્ષિત મહિલાઓ એ મેનોપોઝ પિરિયડ વિશે વાંચે છે, પરિસ્થિતીને સમજે પણ છે. પરંતુ જ્યારે પોતે મેનોપોઝ પિરિયડમાં આવે છે ત્યારે એ ડિસ્ટર્બ થઈ જાય છે. શિક્ષણ છે છતાં મહિલાઓમાં સાચુ વૈજ્ઞાનિક જ્ઞાન નથી હોતું. માટે મેનોપોઝ સમયે એમના બિહેવીયરમાં ચેન્જ આવી જાય છે. પોતાની જાત પર ગુસ્સો આવે. માટે જરૂરી છે કે આવા સમયે કુટુંબના લોકો આ પરિસ્થિતિને સમજે અને મેનોપોઝ સમયે પરિવારની કોઈ પણ મહિલા હોય એની માટે સંવેદના રાખે. સાથે જ મહિલાઓમાં વૈજ્ઞાનિક જાગૃતિ આવવી જોઈએ કે આ કુદરતી બદલાવ છે.
યુવાનોએ આ વિશે સમજવું પડશે
અમદાવાદના સોશિયલ એક્ટિવિસ્ટ પ્રો.ડો. સ્મિતા જોશી ચિત્રલેખા.કોમને કહે છે શિક્ષિત પુરુષોને પણ આ તબક્કાની ખરબ નથી હોતી માટે એ પત્નીને ક્યારેક બહુ વેલવા વેડા કરે છે કે પછી વાતે વાતે રડ્યા કરે છે કે પછી ઇમોશનલી બ્લેક મેલ કરે છે એમ કહીને એ એનું મોરલ ડાઉન કરે છે. હકીકતમાં એ સ્ટ્રોંગ જ છે પણ એની શારિરીક અવસ્થા માનસિક અવસ્થા પર અસર કરે છે. પહેલા સંયુક્ત પરિવારમાં આ મેનોપોઝ સમયની જાણ થતી ન હતી, કારણ કે બધા સાથે રહેતા પરંતુ હવે મહિલાને એકલતા લાગે છે. પરિવારે આવા સમયે મહિલાને સહકાર આપવો જોઈએ. યુવાન દીકરી દીકરીઓને પણ આ વિશે સમજવું પડશે.
તો હવે આપણી આસપાસ રહેતી મહિલા હોય કે પછી માતા, ભાભી, બહેન કે પછી ઓફિસમાં સાથે કામ કરતી મહિલા કર્મચારી હોય દરેક સ્ત્રીના મેનોપોઝ પિરિયડને સ્વીકારીને એમની શારીરિક સ્થિતિની માનસિક અવસ્થા પર થતી અસરને સમજવાનો સમય આવી ગયો છે.
હેતલ રાવ